પોરબંદર એસટી ડેપો ખાતે કાળઝાળ ગરમી વચ્ચે પીવાના પાણી અને પંખાથી મુસાફરો વંચિત રહયા હતા. એસટીમાં પીવાનું પાણી ઉપલબ્ધ ન થતા કર્મીઓ સહિત મુસાફરોએ મુશ્કેલી વેઠવી પડી રહી છે. પોરબંદરના એસટી ડેપો ખાતે મુસાફરોને પીવાનું પાણી અને પંખા સહિતની સુવિધા ઉપલબ્ધ કરવી એ ડેપો મેનેજરની જવાબદારી બને છે તેવું જણાવી પ્રબુદ્ધ મુસાફરે જણાવ્યું હતુંકે, એસટી ડેપો ખાતે લાંબા સમયથી મોટાભાગના પંખાઓ બંધ હાલતમાં છે. જે હજુસુધી રીપેર કરવામાં આવ્યા નથી.
હાલ કાળઝાળ ગરમી પડી રહી છે ત્યારે સવારથી જ પીવાનું પાણીની વ્યવસ્થા કરવામાં આવી નથી. પાણીના પોઇન્ટ પર નળોમા પાણી આવતું ન હોવાને કારણે એસટી કર્મીઓ અને મુસાફરો પીવાના પાણીથી વંચિત રહ્યા હતા અને પીવાનું પાણી વેચાતું લેવા માટે મજબૂર થયા હતા. અહીં ધારાસભ્યની ગ્રાન્ટ માંથી પાણી માટે કુલર આપવામાં આવેલ છે જે બંધ છે. હજુસુધી રીપેર થયા નથી. જેને કારણે કાળઝાળ ગરમીમાં મુસાફરો હાલાકી વેઠી રહ્યા છે.
પીવાનું પાણી ઉપલબ્ધ ન થતા વૃદ્ધા મુસાફરે જણાવ્યું હતુંકે સિનિયર સિટીઝનોને અને બાળકોને ગરમીમાં ભારે મુશ્કેલી વેઠવી પડે છે. એસટી ડેપો ખાતે પાણીની સુવિધા ન હોવાને કારણે પાણીની બોટલ ખરીદવી પડી છે. અહીં પૂરતી સુવિધા ઉપલબ્ધ કરવામાં આવે તેવી મુસાફરોએ માંગ કરી છે.
સબ સલામત છે : ઇન્ચાર્જ ડેપો મેનેજર
એસટી ડેપોમાં 1 માસથી ઇન્ચાર્જ ડેપો મેનેજર તરીકે ફરજ બજાવું છું. પાણી નથી તે અંગે મને કાંઈ ખબર નથી. પંખા એકાદ બે બંધ હશે, રીપેર માટે કહી દીધું છે. બાકી સબ સલામત જ છે, હું તો ઇન્ચાર્જમા છું, બે દિવસ પછી મુખ્ય ડેપો મેનેજર આવશે તેનું વર્ઝન લઈ લેજો. > મુકેશ સોલંકી, ઇન્ચાર્જ ડેપો મેનેજર, એસટી વિભાગ, પોરબંદર
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.