પાકની નાપાક હરકત:પાકિસ્તાને ભારતીય જળસીમામાં ઘૂસી બંદૂકના નાળચે પોરબંદરની 6 અને વેરાવળની 2 બોટ સહિત 45 માછીમારનું અપહરણ કર્યું

પોરબંદરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાકિસ્તાન મરીન સિક્યોરિટી દ્વારા સૌરાષ્ટ્રની 8 બોટ સાથે 45 માછીમારનું અપહરણ કરાયું. 
ફાઇલ તસવીર. - Divya Bhaskar
પાકિસ્તાન મરીન સિક્યોરિટી દ્વારા સૌરાષ્ટ્રની 8 બોટ સાથે 45 માછીમારનું અપહરણ કરાયું. ફાઇલ તસવીર.
  • તમામ માછીમારોનું અપહરણ કરી પાકિસ્તાન લઈ જવામાં આવ્યા

પાકિસ્તાનની ફરી એકવાર નાપાક હરકત સામે આવી છે. ભારતીય જળસીમામાં ઘૂસીને બંદૂકના નાળચે પોરબંદરની 6 અને વેરાવળની 2 બોટ સહિત 45 માછીમારનું અપહરણ કર્યું છે. તમામ માછીમારોને પાકિસ્તાન બંદર પર લઈ જવામાં આવ્યા છે.

માછીમારોને પાકિસ્તાન લઈ જવામાં આવતાં પરિવારજનોમાં ચિંતા
કોરોનાની મહામારી વચ્ચે માછીમારો માછીમારી કરીને પોતાનું ગુજરાન ચલાવી રહ્યા છે, ત્યારે આજે પાકિસ્તાન મરીન સિક્યોરિટી દ્વારા સૌરાષ્ટ્રની 8 બોટ સાથે 45 માછીમારનું અપહરણ કરવામાં આવ્યું છે. તમામ માછીમારોને પાકિસ્તાનના કરાચીમાં લઈ જવામાં આવતાં પરિવારજનોમાં ચિંતા પ્રસરી કરી છે. પરિવારજનોએ સરકારને તમામ માછીમારોને પરત લાવવા માગણી કરી છે.

દોઢ વર્ષથી માછીમારોને મુક્ત કરાયા ન હોવાથી યોગ્ય કરવા રજૂઆત કરાઈ
પોરબંદર માછીમાર બોટ એસોસિએશનના પૂર્વ પ્રમુખ મનિષભાઇ લોઢારી દ્વારા એવું જણાવવામાં આવ્યું હતું કે છેલ્લા દોઢ વર્ષથી પાકિસ્તાનની જેલમાં સબડી રહેલા 500 જેટલા માછીમારોને મુક્ત કરવામાં આવ્યા નથી. હજુ તો સિઝન શરૂ થઈ છે ત્યાં જ સિઝનના પ્રારંભમાં જ વધુ 45 જેટલા માછીમારોને બંધક બનાવવામાં આવ્યા છે. જેથી તાત્કાલિક ધોરણે પાકિસ્તાનની જેલમાં સબડી રહેલા માછીમારોને મુક્ત કરવામાં આવે તેવી ઉગ્ર રજુઆત કરી હતી.

હજુ તો 1 ઓગસ્ટે સિઝન શરૂ થતાં જ પાકિસ્તાનની નાપાક હરકત સામે આવી
માછીમારીની સિઝન 1 ઓગસ્ટે શરૂ થઇ છે અને પોરબંદરના બોટ માલિકોએ માછીમારી કરવા માટે સમુદ્રમાં બોટને રવાના કરી છે. આમ હજુ તો માછીમારીની સિઝન શરૂ થતા જ પાકિસ્તાન દ્વારા નાપાક હરકત કરવામાં આવી હોવાના પગલે માછીમારોમાં પણ આક્રોશ ભભૂકી ઉઠયો છે.

પોરબંદરની 750 સહિત 1100 ભારતીય બોટ પાકિસ્તાનના કબ્જામાં
પાકિસ્તાન મરીન સિક્યુરિટી એજન્સી દ્વારા માછીમારીની ચાલુ સિઝન દરમિયાન પ્રથમ વખત બોટ અને માછીમારોના અપહરણ કરવાનો બનાવ સામે આવ્યો છે. ત્યારે અત્યાર સુધીમાં પોરબંદરની 750 સહિત 1100 જેટલી ભારતીય બોટ પાકિસ્તાનના કબ્જામાં છે. 500 જેટલા ભારતીય માછીમારો પાકિસ્તાનની જેલમાં કેદ કરવામાં આવ્યા છે.

ભારતીય કોસ્ટગાર્ડ પણ સતર્ક બન્યું
મહત્ત્વનું કે ગુજરાતનો દરિયાકાંઠો સૌથી લાંબો છે. જ્યારે પાકિસ્તાન અવારનવાર ભારતીય જળસીમામાં ખોટી રીતે ઘૂસણખોરી કરીને માછીમારોનું અપહરણ કરે છે. ત્યારે પાકિસ્તાનના નાપાક ઈરાદાઓને કારણે માછીમારો અને પરિવારજનોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. આ મામલે ભારતીય કોસ્ટ ગાર્ડ પણ સતર્ક થયું છે.

પાકિસ્તાને અગાઉ 3 બોટ સાથે 17 માછીમારોનું અપહરણ કર્યું હતું
ફેબ્રુઆરીમાં પાકિસ્તાને સૌરાષ્ટ્રની 3 બોટ સાથે 17 માછીમારોનું અપહરણ કર્યું હતું. સૌરાષ્ટ્રની કેટલીક બોટો અરબી સમુદ્રમાં ભારતીય જળસીમા નજીક માછીમારી કરી રહી હતી. તે દરમિયાન પાક મરીન સિક્યુરિટીની પેટ્રોલિંગ શીપ આવી હતી અને બંદુકના નાળચે 3 બોટ અને 17 માછીમારોનું અપહરણ કરી અને તેમને કરાંચી તરફ લઇ ગઈ હતી. ત્યારે આજે પાકિસ્તાને વધુ 45 માછીમારોનું અપહરણ કર્યું છે. જેથી લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.