ધરપકડ:ભાવપરા ગામે 4 દિવસ પૂર્વે થયેલ મારામારીના બનાવમાં કુલ 8 આરોપીઓમાંથી 5 ઝડપાયા

પોરબંદર16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આરોપીઓએ ફરિયાદીને માર મારી અપહરણ કર્યાની ફરિયાદ નોંધાઇ હતી, ત્રણની શોધખોળ હાથ ધરાઇ

પોરબંદર તાલુકાના ભાવપરા ગામે ચાર દિવસ પૂર્વે થયેલ મારામારીના બનાવમાં કુલ 8 આરોપીઓમાંથી પાંચ આરોપીઓને પોલીસે ઝડપી લીધા હતા. આ આરોપીઓએ ફરિયાદીને માર મારી અપહરણ કર્યાની ફરિયાદ નોંધાઇ હતી.

ચાર દિવસ પૂર્વે ફરિયાદી સવદાસ ઉર્ફે નિર્મલ કારાભાઇ ગોઢાણિયા નામના યુવાને બગવદર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરતા જણાવેલ કે તેઓ તેમજ સાહેદ પુંજા ઉર્ફે પ્રતાપ સવદાસ ગોઢાણિયા તેમજ સુભાષ લખમણ ઓડેદરા ભાવપરા ગામે દાણવા દાદાના મંદિર પાસે બેઠા હતા ત્યારે આરોપીઓ ચાર મોટરસાયકલ લઈ આવેલ અને ફરિયાદીને જણાવેલ કે તમો અમારી ખાણો નું શૂટિંગ કરો છો તેમ જણાવી ઉશ્કેરાઈ જઈ જેમ ફાવે તેમ ભૂંડી ગાળો બોલી લોખંડના પાઇપ લાકડીયો અને લોખંડની સાકરથી ઢોર માર મારેલ અને ત્યાંથી બળજબરીથી મોટર સાયકલમાં બેસાડી અપહરણ કરી હરસુખભાઇની ખાણે લઈ જય ફરીથી ફરિયાદી તેમજ સાહેદો ને માર મારી હાથ પગ તેમજ વાંસા મા ઇજાઓ કરી હતી.

આ અંગે પોલીસે લાખા લીલા હુણ, રાજેશ ઉર્ફે રાજુ સૂકા હુંણ, રાજેશ સવદાસ ઓડેદરા, મીણદ ગીગા મોઢવાડિયા અને સંદીપ વિક્રમ ઓડેદરા નામના આ પાંચે આરોપીઓ તેમજ બે મોટર સાયકલ સાથે બગવદર પોલીસે ઝડપી લીધેલ છે જ્યારે હજુ ત્રણ આરોપી પોલીસને નારણ રબારી, રવિ રબારી અને નારણ રબારીના મહેતાજી રાજાભાઇ રબારી આ ત્રણેય આરોપીઓની શોધખોળ બગવદર પોલીસના PSI એચ.સી.ગોહિલે હાથ ધરેલ છે.

અન્ય સમાચારો પણ છે...