તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ટેકાના ભાવે ખરીદી:2367 પૈકી 598 ખેડૂતોના ઘઉં ખરીદાયા, હજુ 1769 ખેડૂતો ખરીદીની વાંટે

પોરબંદર9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પોરબંદર પુરવઠા વિભાગના ગોડાઉન અનાજથી ફૂલ થઈ જતાં 2 દિવસથી ટેકાના ભાવની ખરીદી બંધ
  • કામગીરી ગોકળગાયની ગતિથી ચાલતી હોવાને લીધે રોજ માત્ર 20 ખેડૂતોના ઘઉં ખરીદવામાં આવતા હતા

પોરબંદરમાં પુરવઠા વિભાગ દ્વારા ખેડૂતોના ઘઉંની ટેકાના ભાવે થઇ રહેલી ખરીદી ગોડાઉન ફૂલ થઇ જતા બંધ કરી દેવામાં આવી છે, જયારે કે બીજી બાજુ ચોમાસું માથે હોવાથી ખેડૂતો ચીંતામાં મુકાઈ ગયા છે, આમ પણ ઘઉંની ખરીદીની ગતી ગોકળગાયની જેમ ચાલતી હતી, જેના લીધે રોજ માત્ર 20 ખેડૂતોના ઘઉંની ખરીદી કરવામાં આવતી હોવાને લીધે ખેડૂતો ઘઉં વેચવા માટે ભગવાન ભરોસે વારો આવી જાય તેની રાહ જોઈ રહ્યા હતા.

પોરબંદર જિલ્લાના ખેડૂતોની આમ પણ હાલત કફોડી હતી, અને તેમાં પણ પુરવઠા વીભાગનાં ગોડાઉન ફૂલ થઇ જતા, વિભાગ દ્વારા છેલ્લા 2 દીવસથી પોરબંદરમાં ટેકાના ભાવે ઘઉંની કરાતી ખરીદી બંધ કરી દેવતા ચોમાસાના સમયમાં ખેડૂતો ચીંતામાં મુકાઈ ગયા છે. પુરવઠા વિભાગ દ્વારા ગત મહિનાની 8 તારીખથી પોરબંદરમાં ટેકાના ભાવે ઘઉંની ખરીદી કરવાનું શરુ કરવામાં આવ્યું હતું, અને તેના માટે અત્યાર સુધીમાં 2367 જેટલા ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે, અને શરૂવાતમાં રોજના 5 ખેડૂતના ઘઉંની ખરીદી કરવામાં આવતી હતી

જેમાં ગત મહિનાની 11 તારીખથી વધારો કરી રોજના 15 ખેડૂતોના ઘઉંની ખરીદી કરવાનું શરુ કરવામાં આવ્યું હતું, જેમાં ગત 13 તારીખથી ફરી વધારો કરી રોજના 20 ખેડૂતોના ઘઉંની ખરીદી શરુ કરવામાં આવી હતી, જેથી ખેડૂતોને ધીમી ગતિએ પણ પોતાનો વારો આવી જશે, તેવી આશા બંધાઈ હતી, પરંતુ ગોડાઉન ફૂલ થઇ જવાને લીધે છેલા બે દિવસથી એ આશા પર પણ પાણી ફરી વળ્યું છે, પુરવઠા વિભાગ દ્વારા અત્યાર સુધીમાં 598 ખેડૂતોના ઘઉંની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવી છે, જ્યારેકે અત્યાર સુધીમાં રજીસ્ટર થયેલા ખેડૂતોમાંથી હજુ 1769 ખેડૂતોના ઘઉંની ખરીદી કરવાની બાકી છે.

ટેકાનો ભાવ બજારભાવ કરતા રૂા. 80 ઉંચો
આ વખતે ખેડૂતને ઘઉંની બજારમાં 1 મણ ની કિંમત રૂ 315 મળી રહી છે, જેની સામે ટેકામાં મણ દીઠ રૂ 395 નો ભાવ મળે છે.

શું કહે છે અધિકારી ?
હાલ ગોડાઉન ફૂલ થઈ જવાને લીધે ટેકાના ભાવે ઘઉંની ખરીદી બંધ કરી દેવામાં આવી છે, નવા ગોડાઉન ની વ્યવસ્થા થયા બાદ જ નવેસરથી ખરીદી શરૂ કરવામાં આવશે.

કેવી રીતે ખરીદી કરવામાં આવે છે ?
ટેકાના ભાવે ઘઉં વેચવા માટે ખેડૂતે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવવાનું રહે છે, અને બાદમાં ખેડૂતનો વારો આવે ત્યારે ખેડૂતને SMS કરીને જાણ કરવામાં આવે છે, તેમજ વીઘા દીઠ 22 મણ ઘઉંની ખરીદી કરવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...