પક્ષીઓની સારવાર:પતંગના દોરાથી ઘવાયેલ પક્ષીઓ માટે કરૂણા અભિયાન 2023નું આયોજન

પોરબંદરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 10 થી 20 જાન્યુઆરી સુધી અભિયાન ચાલશે, ઘવાયેલ પક્ષીઓની સારવાર કરાશે

ઉતરાયણમાં પતંગના દોરથી પક્ષીઓ ઈજાગ્રસ્ત બને છે ત્યારે આવા પક્ષીઓની સારવાર માટે પોરબંદર વન વિભાગ દ્વારા કરુણા અભિયાન ચલાવી છે. આ વખતે તા. 10 થી તા. 20 જાન્યુઆરી સુધી કરુણા અભિયાન ચાલશે.

પોરબંદરના પક્ષી અભ્યારણ્ય ખાતે આમતો સામાન્ય દિવસોમાં પણ અકસ્માતે ઈજાગ્રસ્ત થયેલ પશુ પક્ષીઓની સારવાર માટે ખાસ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવે છે. અહી વન વિભાગના વેટરનરી ડોક્ટર કણઝારિયા દ્વારા પક્ષીઓ અને પશુઓની સારવાર કરવામાં આવે છે અને ઈજાગ્રસ્ત પક્ષીઓને રાખવા માટેની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.

ઉતરાયણ ને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે પતંગના દોર થી પક્ષીઓ ધાયલ થાય છે જેની સારવાર માટે સરકાર દ્વારા કરુણા અભિયાન શરૂ કરવામાં આવેલ છે. આરએફઓ એસ.આર.ભમ્મરે જણાવ્યું હતુંકે, કરુણા અભિયાન અંતર્ગત પોરબંદર વન વિભાગ દ્વારા તા. 10 થી તા. 20 જાન્યુઆરી 2023 સુધી કરુણા અભિયાન ચલાવવામાં આવશે.

પક્ષી અભયારણ્ય ખાતે પશુ તબીબોની ટીમ તૈયાર રહેશે. આ અભિયાનમાં પશુ તબીબો, વિવિધ સંસ્થાઓ, પ્રકૃતિ પ્રેમી વ્યક્તિઓ જોડાશે. જિલ્લામાં વિવિધ વિસ્તારમાં પતંગના દોરથી ધાયલ થયેલ પક્ષીઓ, અકસ્માત, શોટ સર્કિટ કે પેરાલીસીસ થયેલ પક્ષીઓને લાવવામાં આવશે અને પક્ષી અભ્યારણ્ય ખાતે ઘાયલ પક્ષીઓની સારવાર કરવામાં આવશે.

ચાઇનીઝ દોરાનું વેચાણ ન થાય તે માટે સઘન ચેકીંગ થશે
પોરબંદર વન વિભાગ દ્વારા જણાવ્યું હતુંકે, ચાઇનીઝ દોરના વેચાણ પર પ્રતિબંધ છે ત્યારે ઉતરાયણ નિમિતે વેપારીઓએ ચાઇનીઝ દોરનું વેચાણ કરવું જોઈએ નહિ. વન વિભાગ ટીમ દ્વારા પતંગના સ્ટોલ ખાતે સઘન ચેકીંગ હાથ ધરવામાં આવશે તેવું જણાવ્યું છે.

અભ્યારણ્ય ખાતે ખાસ ઓપરેશન થિયેટરની વ્યવસ્થા
ઉતરાયણ દરમ્યાન કરુણા અભિયાન દરમ્યાન પક્ષી અભ્યારણ્ય ખાતે વન કુટિરમાં ઓપરેશન થિયેટર બનાવવામાં આવશે જેમાં ધાયલ થયેલ પક્ષીઓની સારવાર કરવામાં આવશે.સારવાર માટે જરૂરી દવા તેમજ ઇન્જેક્શન, બાટલા સહિતની વ્યવસ્થા કરવામાં આવશે તેમજ બહારના ભાગે મંડપ બાંધવામાં આવશે. વિવિધ વિસ્તાર માથી ધાયલ પક્ષીઓને લાવવામાં આવશે ત્યારે રજીસ્ટરમાં તમામ વિગતોની નોંધ કરવામાં આવશે.

વન વિભાગની લોકોને ખાસ અપીલ
વન વિભાગના આરએફઓ એસ.આર. ભમ્મરે લોકોને અપીલ કરી છેકે, ઉતરાયણ પર્વની ઉજવણી દરમ્યાન સવારે 8 વાગ્યા બાદ પતંગ ઉડાડવી જોઈએ તેમજ સૂર્યાસ્ત સમયે પક્ષીઓ પોતાના માળા તરફ જતા હોય છે જેથી પતંગના દોરથી પક્ષીઓ ધાયલ ન થાય કે મૃત્યુ ન પામે તે માટે સૂર્યાસ્ત પછી પતંગ ન ઉડાડવી જોઈએ તેવી અપીલ કરવામાં
આવી છે.

અન્ય સમાચારો પણ છે...