આદેશ:માછીમારીની સીઝન 10 દિવસ વહેલી પૂરી કરવા આદેશ જારી

પોરબંદરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દર વર્ષે 10 જૂને બંધ થતી સીઝન વહેલી બંધ કરાતા માછીમારોની પરિસ્થિતિ કફોળી બની

માછીમારીની સીઝન 10 દિવસ વહેલી પુરી કરવા આદેશ કરાયો છે. દર વર્ષે 10 જૂને બંધ થતી સીઝન વહેલી બંધ કરાતા માછીમારોની પરિસ્થિતિ કફોળી બની છે. પોરબંદર શહેરમાં આવે જૂની કોર્ટ કમ્પાઉન્ડ ગોપનાથ પ્લોટ નજીક મદદનીશ મત્સ્યોધ્યોગ નિયામકની કચેરી દ્વારા પરી પત્ર કરી માછીમારીની સીઝન વહેલી બંધ કરવા આદેશ કરવામાં આવ્યો છે.

જિલ્લાના તમામ માછીમારો એસોસિયેશન તથા માછીમારી સાથે સંકળાયેલા આગેવાનોને જણાવવામાં આવ્યું છે કે ભારત સરકાર હુકમથી પ્રાદેશિક જળ વિસ્તારની બહાર આગામી તારીખ પહેલી મેથી યંત્ર બોટોથી થતી માછીમારી પર પ્રતિબંધ જાહેર કરવામાં આવ્યો છે જેના અનુસંધાને જિલ્લાના વિસ્તારમાં માછીમારી પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લીધો છે.

આ નિર્ણયનું ઉલ્લંઘન કરનાર વિરુદ્ધ કાર્યવાહી કરવાનો મદદનીશ મત્સ્યોધ્યોગ નિયામકએ આદેશ કર્યો છે. આમ માછીમારીની સીઝન દસ દિવસ વહેલી પૂરી કરવાનો આદેશ કરવામાં આવ્યો છે. દર વર્ષે 10 જૂને માછીમારીની સિઝન બંધ થતી હોય છે. પરંતુ ચાલુ વર્ષે આ સીઝન વહેલી બંધ કરાતા માછીમારોની પરિસ્થિતિ કફોડી બની ગઈ છે.

ડીઝલના ભાવ વધારાના પ્રશ્નોનું નિરાકરણ હજુ થયું નથી ત્યાં સીઝન વહેલી બંધ
કચ્છ થી ઉમરગામ સુધી નાની-મોટી ૩૫ હજાર બોટ છે, અને સરકાર દ્વારા ડીઝલના ભાવમાં કમરતોડ વધારો કર્યો છે. ડીઝલના ભાવ વધારાને લઈ ભારે આક્રોશ ઊઠયા બાદ સરકારે ડીઝલનો ભાવ ઘટાડો છે, તોપણ ખાનગી પેટ્રોલ પંપથી વધુ ભાવ મંડળીના પંપ પર હોવાથી મોટાભાની બોટ બંધ થઈ ગઈ છે.

અને બોટ બોટ માલિકો સરકારે નક્કી કરેલ પંપના બદલે ખાનગી પંપમાંથી ડીઝલની ખરીદી કરે છે. સરકારે નક્કી કરેલ સહકારી મંડળીના પંપો બંધ છે. અને ઘણા માછીમારોએ બોટ કિનારે લાંગરી દીધી છે. સરકારે ડીઝલના વધી રહેલા ભાવના પ્રશ્નોનો ઉકેલ લાવ્યો નથી ત્યાં તો સીઝન દસ દિવસ વહેલી બંધ કરવાનો નિર્ણય કર્યો હોવાથી માછીમારો મૂંઝવણમાં મુકાયા છે.

નાના માછીમારોને માછીમારી કરવાની છૂટ ન અપાય તો અન્ય વ્યવસાયના અભાવે ઘર ચલાવવું મુશ્કેલ બનશે
પોરબંદર નાના માછીમારોને સીઝન વહેલી બંધ થવાના કારણે અન્ય કોઈ રોજગાર ન હોવાથી પરિવારનું ગુજરાન ચલાવું મુશ્કેલ છે. આ અંગે માછીમાર અગ્રણી જીવનભાઈ જુંગી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે બંધ સીઝન દરમિયાન નાના માછીમારોને જાળથી માછીમારી કરવાની છૂટ આપવામાં આવે, કારણકે નાના માછીમારો પાસે અન્ય કોઇ રોજગાર ન હોવાના કારણે તેઓ ટાણા ટાણાનું કરીને પોતાનું ઘર ચલાવતા હોય છે. જેથી નાના માછીમારોને છૂટ આપવામાં નહિ આવે તો ઘર ચલાવવું પણ મુશ્કેલ બનશે.

માછીમારોમાં રોષ ભભૂકી ઉઠયો
પોરબંદર સહિત રાજ્યભરના માછીમારોની હાલત પ્રતિદિન કફોડી બની રહી છે. કોરોના બાદ વિદેશોમાં માછલી નિકાસ ઘટી હોય અને માછલીના ભાવ વધ્યા ન હોવાથી માછીમારો કપરી પરિસ્થિતિમાં મૂકાય છે, તો બીજી તરફ સરકાર જાણે દાઝયા ઉપર ડામ દેતી હોય તેમ ડીઝલના અસહ્ય ભાવ વધારાથી માછીમારો પાયમાલ બન્યા છે. આવી સ્થિતિમાં વહેલી સિઝન બંધ થવાના નિર્ણયથી માછીમારોમાં રોષ ભભૂકી ઉઠયો છે.

અન્ય સમાચારો પણ છે...