માંગ:વૈકલ્પિક જગ્યા ફાળવતા રેંકડી ધારકોનો વિરોધ, બીજી જગ્યા પર ન ખસેડવા રજૂઆત

પોરબંદર2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • પોરબંદર નગર પાલિકાના વહિવટદારે લારી- કેબીન ધારકોને ઉભા રહેવા જુદા - જુદા 4 સ્થળો પર વૈકલ્પિક જગ્યા ફાળવી છે
  • કોર્ટમાં મેટર ચાલતી હોઇ, તેની ઉપરવટ ન જઇ શકાય, જ્યાં સુધી નિર્ણય ન આવે ત્યાં સુધી ધારકોને બીજી જગ્યા પર ન ખસેડવા રજૂઆત

પાલિકાના વહીવટદારએ લારી કેબીન ધારકો માટે વૈકલ્પિક જગ્યા નિયત કરી છે, ત્યારે હાલ કોર્ટ મેટર ચાલતી હોવાથી આ જગ્યા પરજ વ્યવસાય ચલાવવા દેવા અને કામ ચલાવ મનાઈ હુકમ મળે તેવી માંગ સાથે ચાઈનીઝ નોનવેજ ધારકે જિલ્લા મેજીસ્ટ્રેટ કોર્ટમાં જગ્યા માટે ફરિયાદ કરી છે. પોરબંદર પાલિકાના વહીવટદારએ ગઈકાલે લારી કેબીન ધારકોને જગ્યા માટે 4 સ્થળોએ વૈકલ્પિક જગ્યા ફાળવી છે. 

કામચલાઉ મનાઈ કાયમી મનાઈ હુકમ મળે તેવી માંગ કરી
જેને પગલે ચોપાટી નજીક આવેલ ચાઈનીઝ, નોનવેજ ના લારી ધારક વિનોદ કાનાભાઈ બાદરશાહી એ જિલ્લા કલેકટર અને જિલ્લા મેજીસ્ટ્રેટ ની કોર્ટમાં લેખિત ફરિયાદ કરી જણાવ્યું હતું કે, આ વિસ્તારમાં 60 જેટલા લારી કેબીન ધારકો વ્યવસાય કરી પોતાના પરિવારજનોનું ગુજરાન ચલાવીએ છીએ. ગત તા. 27/02/19ના પાલિકા તંત્રએ કેબીનો હટાવવા ની કોશિશ કરતા આ સ્થળના ધારકોએ ગુજરાત હાઇકોર્ટમાં પિટિશન કાર્યવાહી કરી હતી, અને જ્યાં સુધી કોર્ટનો નિર્ણય ન આવે ત્યાં સુધી જે તે જગ્યાએ વ્યવસાય કરતા હતા, પરંતુ ગઈકાલે પાલિકા વહીવટદારે ચાઈનીઝ, નોનવેજ ની કેબીનો માટે વૈકલ્પિક જગ્યા ફાળવી આ કેબીનોને ચોપાટી નજીકથી દૂર હટાવી બંદર રોડ પર રસ્તાની સાઈડમાં રાખવા જગ્યા નિયત કરી છે, પરંતુ કોર્ટ કેસ મેટર ચાલતી હોય જેથી તેની ઉપરવટ જઈ શકાય નહિ તેવી રજુઆત કરી હતી, તેમજ વૈકલ્પિક જગ્યા ફાળવી છે તે બંદર રોડ પર ધાર્મિક સ્થળો આવેલા છે અને આ સ્થળ યોગ્ય નથી તેવું જણાવી કામચલાઉ મનાઈ કાયમી મનાઈ હુકમ મળે તેવી માંગ કરી છે.

રૂપાળીબા બાગ નજીક ફ્રૂટની લારી હટાવવા ગયેલ તંત્ર પરત ફર્યું
 રૂપાળીબા બાગ નજીક ફ્રુટ ના લારી ધારકો વ્યવસાય કરતા હતા તે દરમ્યાન પાલિકા તંત્ર વાહન લઈને આવી પહોંચ્યા હતા, અને લારી હટાવવાની તજવીજ હાથ ધરતા હતા, તે દરમ્યાન અન્ય લારીધારકો પહોંચી ગયા હતા, અને વિરોધ વ્યક્ત કર્યો હતો, જેથી પાલિકાના કર્મચારીઓ પાછા ફર્યા હતા. અને લારી ધારકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...