અહો આશ્ચર્યમ:60 દુકાનોની હરરાજી કરાતા માત્ર ત્રણ પાર્ટી જ હાજર રહી

પોરબંદર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પેરેડાઈઝ સુપર માર્કેટની દુકાનોની હરરાજી મોકૂફ રહી

પેરેડાઈઝ સુપર માર્કેટની 60 દુકાનોની હરરાજી રાખવામાં આવી હતી જેમાં માત્ર 3 પાર્ટીએ જ ડિપોઝિટ ભરી હાજર રહેતા આ હરરાજી મોકૂફ રાખવામાં આવી હતી. પોરબંદરમાં દાયકાથી પણ વધુ સમયથી પેરેડાઈઝ પાસે સુપર માર્કેટ બનાવવામાં આવી હતી. આ માર્કેટ જર્જરિત થઇ જતા ફરીથી સમારકામ કરાવી તંત્રએ આખરે જાહેર કર્યું હતુંકે, 60 જેટલી દુકાનો 9 વર્ષના ભાડા કરારથી પાઘડી લઈને આપવાની છે. અનેક વેપારીઓ આ વિગત જોવા માટે પાલિકા કચેરીએ પહોંચી ગયા હતા. એક દુકાનનું માસિક ભાડું રૂ. 10,588 થી માંડીને વધુમાં વધુ ભાડું રૂ. 27,102 રાખવામાં આવ્યું છે.

આ ભાડા પર જીએસટી અલગ રાખવામાં આવ્યો છે તેમજ ડિપોઝિટ પેટે ઓછામાં ઓછાં રૂ. 3 લાખ અને વધુમાં વધુ રૂ. 6 લાખ અપસેટ પ્રાઇઝ રાખવામાં આવી છે. દુકાનોની સાઈઝ તેમજ અંદર બહારના ભાગની દુકાનો આધારે ભાવો અને ડિપોઝિટ નક્કી કરવામાં આવી છે. પાલિકા તંત્રએ જણાવ્યું હતુંકે, આ ભાવ માર્ગ અને મકાન વિભાગ દ્વારા નક્કી કરવામાં આવ્યા છે. ત્યારે આજે તા. 17ને સોમવારે દુકાનોની હરરાજી પાલિકા ખાતે રાખવામાં આવી હતી, 60 જેટલી દુકાનોની હરરાજી રાખવામાં આવી હતી પરંતુ માત્ર 3 પાર્ટી એ જ ડિપોઝિટ ભરી હતી અને 3 પાર્ટી જ હરરાજીમાં આવી હતી જેથી આ હરરાજી હાલ પૂરતી મોકૂફ રાખવામાં આવી હતી.

ભાડું વધારે હોવાથી અન્ય પાર્ટીઓ આગળ ન આવી હોવાની ચર્ચા
પેરેડાઈઝ સુપર માર્કેટની 60 જેટલી દુકાનો નું માસિક ભાડું ખૂબ વધારે હોવાથી આ ભાડું વેપારીઓને પરવડે તેમ ન હોય જેથી 3 પાર્ટી સિવાય અન્ય કોઈ પાર્ટીએ ડિપોઝિટ ભરી ન હોવાની ચર્ચા પાલિકા ખાતે થઈ હતી. ઉલ્લેખનીય છેકે, હાલ મોંઘવારી અને મંદીના માહોલ વચ્ચે દુકાનનું ભાડું, જીએસટી,માણસોના પગાર, લાઇટબીલ સહિતનો ખર્ચ કરવામાં આવે તો વેપારીઓને આ ભાડા માં નુકશાની થાય તેવા હિસાબો પણ ચર્ચાઈ રહ્યા હતા.

હવે શું થશે?
પેરેડાઈઝ સુપર માર્કેટની 60 જેટલી દુકાનોની હરરાજી હતી જેમાં 3 વેપારીએ જ રૂ. 10 હજાર ડિપોઝિટ ભરી હતી. હરરાજીમાં માત્ર 3 વેપારી જોડાયા હતા જેથી હરરાજી રદ કરી છે અને નવેસરથી હરરાજીની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. - મનન ચતુર્વેદી, ચીફ ઓફિસર, પાલિકા, પોરબંદર

અન્ય સમાચારો પણ છે...