પરિણામ:પોરબંદર જિલ્લાનું ધો.10 નું માત્ર 59.05 ટકા પરિણામ

પોરબંદર20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગ્રેડ A1માં 39 છાત્રોએ સ્થાન મેળવ્યું, 6984 છાત્રોએ પરીક્ષા આપી હતી

પોરબંદર જિલ્લાનું ધોરણ 10નું માત્ર 59.05 ટકા પરિણામ આવ્યું છે. ગ્રેડ A1મા 39 છાત્રોએ સ્થાન મેળવ્યું છે. 6984 છાત્રોએ પરીક્ષા આપી હતી.ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા લેવાયેલ માર્ચ એપ્રિલ 2022ની ધોરણ 10ની પરીક્ષામાં પોરબંદર જિલ્લામાં કુલ 7045 છાત્રો નોંધાયેલ હતા જેમાં 61 છાત્રો ગેરહાજર રહયા હતા અને 6984 છાત્રોએ પરીક્ષા આપી હતી. સોમવારે ધોરણ 10ની પરીક્ષાનું ઓનલાઇન પરિણામ જાહેર થયું છે.

જેમાં પોરબંદર જિલ્લાનું માત્ર 59.05 ટકા પરિણામ જાહેર થયું છે. કોરોનાની મહામારી વચ્ચે ધોરણ 10ના છાત્રોએ ઓનલાઇન શિક્ષણ મેળવ્યા બાદ શાળાઓ શરૂ થતા ઓફલાઇન શિક્ષણ મેળવ્યું હતું. જિલ્લામાં 59.05 ટકા પરિણામ આવ્યું છે જેમાં ગ્રેડ A1મા 39 છાત્રોએ સ્થાન મેળવ્યું છે.

ડોક્ટરની પુત્રીએ 99.99 પીઆર અને ખેડૂત પુત્રીએ 99.97 પીઆર મેળવ્યા
પોરબંદરમાં ધો.10નું પરિણામ આવ્યું છે જેમાં આયુષ મેડિકલ ઓફિસર ડો. અશોકભાઈ પુરોહિતની પુત્રી ફોરમએ 99.99 પીઆર મેળવ્યા છે અને સમાજ તેમજ ગણિતમાં 100 માંથી 100 માર્ક્સ મેળવ્યા છે. જ્યારે વાછોડા ગામે ખેતીકામ કરતા ખેડૂત બાલુભાઈ ખૂંટીની પુત્રી નેહલએ 99.97 પીઆર મેળવ્યા છે. બન્ને વિદ્યાર્થીનીએ ટ્યુશન રાખ્યા વગર સિદ્ધિ મેળવી છે. બન્ને વિદ્યાર્થિનીએ ડોકટર બનવાનું લક્ષ્ય રાખ્યું છે.

કેટલા છાત્રો નિડ ઈમ્પ્રુવમેન્ટ આવ્યા?
પોરબંદર જિલ્લાનું માત્ર 59.05 પરિણામ આવ્યું છે ત્યારે E1મા 1507 અને E2મા 1353 છાત્રોનો સમાવેશ થાય છે. કુલ 2860 છાત્રો નિડ ફોર ઈમ્પ્રુવમેન્ટ આવ્યા છે.

ગત વર્ષે માસ પ્રમોશન થયું હતું
કોરોનાને પગલે ગત વર્ષે ધોરણ 10મા 7073 છાત્રો નોંધાયા હતા. ગત વર્ષે માસ પ્રમોશન થયું હતું.

2020માં 59.52 ટકા પરિણામ નોંધાયું હતું
પોરબંદર જિલ્લામાં 2020મા ધો. 10નું 59.52 ટકા પરિણામ આવ્યું હતું. જેમાં 6767 છાત્રોએ પરીક્ષા આપી હતી. 4028 છાત્ર પાસ થયા હતા. A1મા માત્ર 2 જ છાત્રએ સ્થાન મેળવ્યું હતું. 2739 છાત્ર નિડ ફોર ઈમ્પ્રુવમેન્ટમા આવ્યા હતા.

કેન્દ્ર મુજબ પરિણામ
ધો. 10માં કેન્દ્ર મુજબ પોરબંદરનું 57.66 ટકા, રાણાવાવનું 41.32 ટકા, કુતિયાણાનું 64.84 ટકા, માધવપુરનું 73.43 ટકા, રાણાકંડોરણાનું 69.41 ટકા, વિસાવાડાનું 52.78 ટકા, દેવડાનું 63.39 ટકા, મહિયારીનું 81.78 ટકા, નાગકાનું 58.33 ટકા અને બળેજનું 54.71 ટકા પરિણામ જાહેર થયું છે.

રાણાવાવના 2020ની સરખામણીમાં પરિણામમાં 33.71 ટકા ઘટાડો નોંધાયો
રાણાવાવ કેન્દ્રનું ધો.10નું 2020નું પરિણામ 75.04 ટકા આવ્યું હતું, જ્યારે 2022મા માત્ર 41.32 ટકા પરિણામ જાહેર થયું છે. આમ પરિણામમાં 33.71 ટકા ઘટાડો નોંધાયો છે.

અન્ય સમાચારો પણ છે...