પોરબંદરમાં છેલ્લા 2 વર્ષથી શ્રાવણ મહિના સુધીમાં સારો એવો વરસાદ વરસી જાય છે, અને પરંતુ આ વખતે 2 વર્ષ બાદ શ્રાવણ મહિનાના પ્રારંભ સુધીમાં પોરબંદરમાં સરેરાશ વરસાદના 25 થી 39 ટકા જેટલો વરસાદ વરસતા ધરતીપુત્રો સહિત સમગ્ર જિલ્લાવાસીઓ મુંઝવણમાં મુકાઇ ગયા છે. વર્ષ 2015 થી 2018 વચ્ચે સર્જાયેલી સ્થિતિનું આ વખતે પુનરાવર્તન થતા લોકો વરસાદને લઈને અપેક્ષા ગુમાવી રહ્યા છે. પોરબંદરમાં આ ચોમાસે શરૂઆતમાં વાવણી લાયક વરસાદ વરસી ગયા બાદ મેઘરાજા જોખી તોલીને વરસતા હોય તેમ લોકોની અપેક્ષાએ કરતા વરસાદની માત્રા ખુબજ ઓછી રહી છે.
જેને લીધે આ ચોમાસે શ્રાવણ મહિનાની શરૂઆત સુધીમાં સમગ્ર પોરબંદર પંથકમાં સરેરાશ વરસાદના 25 થી 39 ટકા જ વરસાદ નોંધાયો છે. ચોમાસુ પૂરું થવા આવ્યું છે, ત્યારે સમગ્ર પોરબંદર જિલ્લામાં 61 થી 75 ટકા જેટલી વરસાદની ઘટ ધરતીપુત્રો સહિત સૌને મૂંઝવી રહી છે. પોરબંદર જિલ્લામાં કુતિયાણા તાલુકામાં અત્યાર સુધીમાં 296 મીમી વરસાદ સાથે સરેરાશ વરસાદનો 39.08 ટકા વરસાદ નોંધાયો છે, પોરબંદરમાં 217 મીમી વરસાદ સાથે સરેરાશ વરસાદનો 31.27 ટકા વરસાદ નોંધાયો છે, જયારે કે રાણાવાવમાં 194 મીમી વરસાદ સાથે સરેરાશ વરસાદનો 25.06 ટકા વરસાદ નોંધાયો છે.
જે પાછલા 2 વર્ષ, 2019-2020 ના વર્ષના સાપેક્ષમાં ખૂબ જ ઓછો હોવાથી ધરતીપુત્રો મુંઝવણમાં મુકાઇ ગયા છે. વર્ષ 2019 ની વાત કરીએ તો શ્રાવણ મહિનાના પ્રારંભ સુધીમાં કુતીયાણામાં 257 મીમી વરસાદ સાથે સરેરાશ વરસાદનો 40.63 ટકા, પોરબંદરમાં 232 મીમી વરસાદ સાથે સરેરાશ વરસાદનો 41.89 ટકા અને રાણાવાવમાં 183 મીમી વરસાદ સાથે સરેરાશ વરસાદનો 32.90 ટકા જેટલો મહતમ વરસાદ વરસી ગયો હતો. જ્યારે કે વર્ષ 2020 તો વરસાદે એક દાયકાના રેકોર્ડ તોડી દે ધનાધન વરસતા પોરબંદરને પાણી પાણી કરી નાખ્યું હતું.
તે વર્ષે પોરબંદરમાં એવરેજ વરસાદ કરતા દોઢ ગણા પ્રમાણમાં વરસાદ નોંધાયો હતો. તે વર્ષે શ્રાવણ મહિનાની શરૂઆત સુધીમાં જિલ્લાના કુતીયાણામાં 1076 મીમી વરસાદ સાથે સરેરાશ વરસાદનો 151 ટકા, પોરબંદરમાં 921 મીમી વરસાદ સાથે સરેરાશ વરસાદનો 140.33 ટકા અને રાણાવાવમાં 1062 મીમી વરસાદ સાથે સરેરાશ વરસાદનો 146.81 ટકા જેટલો મહતમ વરસાદ વરસી ગયો હતો. જેને લીધે આ વખતે વરસાદની અપેક્ષામાં વાવણી કરી વરસાદની રાહ જોઇ રહેલા ખેડૂતો મુંજવણમાં મુકાઇ ગયા છે અને કાગડોળે આકાશ તરફ જોઇ વરસાદ વરસે તેની મીટ માંડીને બેઠા છે.
ઓગસ્ટ માસ ના પ્રારંભ સુધીમાં પાછલા વર્ષોનો વરસાદ | |||
વર્ષ | પોરબંદર | રાણાવાવ | કુતિયાણા |
2015 | 224 | 285 | 191 |
2016 | 411 | 472 | 425 |
2017 | 401 | 386 | 322 |
2018 | 362 | 350 | 328 |
2019 | 232 | 183 | 257 |
2020 | 921 | 1062 | 1076 |
આ વર્ષ કરતા ગત વર્ષે અત્યાર સુધીમાં 4 થી 6 ગણો વરસાદ વરસી ગયો હતો
પોરબંદરમાં આ વર્ષ કરતા ગત વર્ષે અત્યાર સુધીમાં એટલેકે શ્રાવણ મહિનાની શરૂવાત સુધીમાં 4 થી 6 ગણો વરસાદ વરસી ગયો હતો. પોરબંદર જિલ્લાના કુતિયાણા તાલુકામાં અત્યાર સુધીમાં 39.08 ટકા વરસેલા વરસાદના સાપેક્ષમાં ગત વર્ષે અત્યાર સુધીમાં 151 ટકા એટલેકે લગભગ 4 ગણો વરસાદ વરસી ગયો હતો. જયારે કે પોરબંદર તાલુકામાં અત્યાર સુધીમાં વરસેલા 31.27 ટકા વરસાદની સાપેક્ષમાં ગત વર્ષે આ સમય સુધીમાં 140.33 ટકા એટલેકે લગભગ 4.5 ગણો વધુ અને રાણાવાવ તાલુકામાં આ વર્ષે અત્યાર સુધીમાં વરસેલા 25.06 ટકા વરસાદના સાપેક્ષમાં ગત વર્ષે અત્યાર સુધીમાં 146.81 ટકા એટલેકે લગભગ 6 ગણો વધુ વરસાદ વરસી ગયો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.