માછીમારીની સિઝન શરૂ:ઓનલાઇન ટોકન અને લાયસન્સ કામગીરી વેબસાઇટમાં ન દેખાતા ફિશિંગ માટે રવાના થવું મુશ્કેલ બન્યું

પોરબંદર12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ​​​​​​​ઓનલાઇન કામગીરીની પળોજણ, માછીમારોને હાલાકી

તા. 1 ઓગસ્ટથી માછીમારીની નવી સિઝન શરૂ થઈ છે પરંતુ ઓનલાઇન કામગીરીની પળોજણ વચ્ચે માછીમારોને હાલાકી વેઠવી પડે છે. ઓનલાઇન ટોકન અને લાયસન્સ કામગીરી વેબસાઇટમા ન દેખાતા ફિશિંગ માટે રવાના થવું મુશ્કેલ બન્યું છે. તા. 1 ઓગસ્ટથી માછીમારીની સિઝન શરૂ થઈ છે. માછીમારીની સિઝન શરૂ થતા આ સીઝનમાં માછીમારો ફિશિંગ માટે નીકળતા હોય છે.

સરકાર દ્વારા બોટના લાયસન્સ, ટોકન સહિતની કામગીરી ઓનલાઇન કરવામાં આવી છે. પરંતુ ઓનલાઇન પ્રક્રિયા કર્યા બાદ પણ પળોજણ વધી જતાં પોરબંદરના માછીમારો ફિશિંગ માટે રવાના થવા મુશ્કેલી વેઠી રહ્યાં છે. પોરબંદરમાં માછીમારી ઉદ્યોગ અને તેની સાથે સંકળાયેલ અન્ય ઉદ્યોગો અને લોકોને રોજગારી પુરી પાડે છે.

હાલ એક તરફ મોંઘવારી અને મંદી ચાલે છે ત્યારે ઓનલાઇન કામગીરીની પળોજણમા માછીમારો ફિશિંગ કરવા જઈ શકતા નથી. બોટ એસોસિએશનના પ્રમુખ મુકેશ પાંજરીએ જણાવ્યું હતુંકે, ફિશરીઝ વિભાગ દ્વારા નવા નવા પરિપત્રો બહાર પાડવામાં આવે છે. તેમાં પણ ઓનલાઇન પ્રક્રિયા માંથી પસાર થવું પડે છે. સમસ્યા એ છેકે, બોટના લાયસન્સ જૂનું રદ કરવામાં આવ્યું છે અને નવું લાયસન્સ તા. 16 ઓગસ્ટ ઇસ્યુ કરેલ છે. જેથી બોટ રવાના કેવીરીતે થાય. આ ઉપરાંત બોટ માલિકોએ તૈયારી શરૂ કરી છે અને રાશન, ડીઝલ સહિત મંગાવી રાખ્યા છે.

ઓનલાઇન પ્રક્રિયા મુજબ બોટમાં ખલાસીઓના નામ પણ ચડાવી દીધા છે પરંતુ વેબસાઈટમાં ખલાસીઓના નામ બતાવતા નથી જેથી હાલાકી વેઠવી પડી રહી છે. સામાન્ય રીતે સિઝન શરૂ થતા 500 જેટલી બોટ ફિશિંગ માટે જતી હોય છે જ્યારે હાલ 200 બોટના ટોકન નિકડયા છે બાકીના બોટ માલિકોની સ્થિતિ કફોડી બની છે.

ખલાસીના નામ સાઇટ પર ન દેખાય તો શું મુશ્કેલી થાય?
માછીમારો માટે તમામ પ્રક્રિયા ઓનલાઇન કરી નાખી છે. બોટ માલિકોએ ખલાસીઓના નામ નાખી દીધા છે પરંતુ સાઈટમાં દેખાતા નથી. ટોકન ઇસ્યુ થયા છે, આમછતાં બોટ ફિશિંગ માટે રવાના થાય અને જો અકસ્માતે કોઈ ખલાસીનુ મોત થાય તો તેનું નામ સાઈટમાં ન બતાવતા હોય તો મૃતક ખલાસીનો પરિવાર સહાયથી વંચિત રહી. અને વીમો ઉતરાવ્યો હોય તો વીમા કંપની પણ વીમો પાસ કરે નહિ.

સર્વે માટે બોટ માલિકોને નોટિસો આપી
ફિશરીઝ વિભાગ દ્વારા બોટ સર્વે અંગે 7 દિવસમાં સર્વે કરાવી લેવા નોટિસો પાઠવવામાં આવી છે. જે બોટના સર્વે થયા હોય તે બોટ માલિકોને પણ નોટિસો આપી હોવાથી બોટ માલિકો ફિશરીઝ કચેરીએ ધક્કા ખાઈ રહ્યા છે.

નવા પરિપત્ર રદ કરો - બોટ એસો. પ્રમુખ
માછીમાર બોટ એસોસિએશનના પ્રમુખ મુકેશ પાંજરીએ જણાવ્યું હતુંકે ફિશરીઝ વિભાગ નવા પરિપત્રો બહાર પડે છે અને ઓનલાઇન પ્રક્રિયા અંગે વિભાગની સમસ્યાનો ભોગ માછીમારો બને છે. માછીમારોની ઉગ્ર માંગ છેકે, નવા પરિપત્રો રદ કરવા જોઈએ.

અન્ય સમાચારો પણ છે...