આપત્તિ વ્યવસ્થાપન અંગે તાલીમ:પોરબંદરમાં આગાખાન એજન્સી ફોર હેબિટાટ દ્વારા એક દિવસીય આપત્તિ વ્યવસ્થાપન તાલીમનું આયોજન

પોરબંદર23 દિવસ પહેલા
  • કૉપી લિંક

આગાખાન એજન્સી ફોર હેબિટાટ અને જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર કલેકટર કચેરી પોરબંદરના સંયુક્ત ઉપક્રમે આપત્તિ વ્યવસ્થાપન તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. આગાખાન એજન્સી ફોર હેબિટાટ દ્વારા પોરબંદર તાલુકાના ઊંટડા તેમજ ગોરસર સ્થિત સાયક્લોન શેલટર અને રાણાવાવમાં ઇસ્માઈલી ખોજા જમાતખાના ખાતે એક દિવસીય આપત્તિ વ્યવસ્થાપન તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. તાલીમ દરમિયાન જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર,કલેકટર ઓફિસ પોરબંદરના પ્રોજેકટ ઓફિસર કૃતુ ત્રિવેદીએ આબોહવા પરિવર્તનના કારણે ઉદ્ભવતી કુદરતી આફતો જેમ કે વાવાઝોડું, ભૂકંપ, પૂર અને આગજની સમયે જરૂરી કામગીરી કરી કઈ રીતે આપત્તિ જોખમ ઘટાડી શકાય તે વિષે માહિતી આપી હતી.

AKAHના સર્ચ એન્ડ રેસ્ક્યૂ ટીમના સ્વયંસેવક આશિક સુરાણી, સાહિલ સોરઠિયા, મલિક મિઠાણી અને ડેપ્યુટી કમાન્ડન્ટ હોમગાર્ડ ત્રિલોક ઠાકર દ્વારા જુદી-જુદી કુદરતી અને માનવ સર્જિત આપદાઓ પ્રાથમિક સારવાર અને શોધ અને બચાવ અંગે થિયરી અને મોકડ્રીલ સાથે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. ફાયર બ્રિગેડ ટીમ દ્વારા ફાયર સેફટી ડેમોન્સ્ટ્રેશન અને 108 ઇમરજન્સી ટીમ દ્વારા આરોગ્યલક્ષી સેવાઓ એમ્બ્યુલન્સમાં વપરાતી દવાઓ અને અન્ય સાધનો ઉપરાંત કુદરતી આફત, અકસ્માત, આગ, જેવી ઇમરજન્સીમાં કોલ સેવાનો કેવી રીતે ઉપયોગ કરવો તે અંગે તાલીમાર્થીઓને જાણકારી પૂરી પાડવામાં આવી હતી.

ઊંટડા અને ગોરસર સાયક્લોન શેલટર ખાતે યોજાયેલ તાલીમમાં ઊંટડા અને ગોરસર સહિત ઓડદર, નવીબંદર, રાતીયા, બળેજ, મોચા, ચીંગરિયા અને માધવપુર પ્રોજેકટ ગામના સરપંચ, તલાટી, આંગણવાડી વર્કર, યુવાનો અને ક્લાયમેટ એક્શન ગ્રૂપના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. જયારે રાણાવાવ યોજાયેલ તાલીમમાં નેવલ એનસીસી કેડેટ અને નૌ-સેનાના અધિકારીઓ તાલીમમાં જોડાયા હતા. તેમ આગાખાન એજન્સી ફોર હેબિટાટ ઈન્ડિયા પોરબંદરના પ્રોગ્રામ મેનેજર ઈરફાન ખલીફાએ એખબરી યાદીમા જણાવ્યુ હતુ.

અન્ય સમાચારો પણ છે...