તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અભિલેખાગાર કચેરીની દુર્દશા:ઐતિહાસિક રેકોર્ડની દોઢ લાખ ફાઈલો જર્જરિત બિલ્ડિંગમાં, રૂમમાં લાઈટ ન હોવાથી રેકોર્ડ કાઢવા ટોર્ચ લઈને જવું પડે છે

પોરબંદર20 દિવસ પહેલા
  • કૉપી લિંક

પોરબંદર જિલ્લાનો ઐતિહાસિક રેકોર્ડ સાચવતી અભિલેખાગાર કચેરીની દુર્દશા જોવા મળે છે. ઐતિહાસિક રેકોર્ડની દોઢ લાખ ફાઈલો જર્જરિત બિલ્ડિંગમાં આવેલી છે. રૂમમાં લાઈટ ન હોવાથી રેકોર્ડ કાઢવા કર્મીને ટોર્ચ લઈને જવું પડે છે. પોરબંદરમા રેકર્ડ ઓફીસ જુના પ્રેસવાળા બિલ્ડીંગમાં કાર્યરત હતી. આ કચેરીમાં સને 1886-87 ના વર્ષથી રેકર્ડ સંગ્રહાયેલ હતું. પોરબંદરની બ્રિટીશ એડમીસ્ટ્રેશનના પ્રથમ વહીવટદાર મી.લેલીએ દફતરખાનું શરૂ કરાવી દફતરોની વર્ષવાર ફેરિસ્તો તૈયાર કરવાનું ફરમાન કરેલ હતું. સને.1892-93 ના દફતરખાનાનું બજેટ રૂ. 30નું હતું.

આ રેકર્ડ કચેરી પહેલા સુદામા મંદિરના ચોગાનમાં “નવલખા” મકાન પછી દરબાર ગઢમાં કાર્યરત હતી. સને.1910-11 પછી નિવૃત કર્મચારીઓને દફતરની કામગીરી માટે સ્પેશીયલ રાખવામાં આવતા હતા. સૌરાષ્ટ્ર સરકાર આવતા સને-1948 થી સને-1955 સુધીનું ફક્ત મહેસુલ ખાતાનું દફતર આ કચેરીમાં સ્વીકારી, વર્ગીકરણ કરી સાચવીને રાખવામાં આવતું હતું અન્ય ખાતાઓનું રેકર્ડ તેઓ પોત પોતાના તાબામાં રાખીને તેની સાચવણી કરતા હતા. આ કચેરી તા.1/9/81 થી ગુજરાત રાજ્ય દફતર ભંડાર અભિલેખાગાર ખાતા હસ્તક આવી.

આ દફતરોનું રાજ્ય સરકાર દ્વારા ડીઝીટાઇઝેશન સ્કેનીંગની કામગીરી શરૂ કરવામાં આવેલ છે જેથી વૈજ્ઞાનિક પદ્ધતિથી આ રેકર્ડની જાળવણી સાચવણી થઈ શકે. પોરબંદરના ભવ્ય ઈતિહાસના સંશોધના દ્વાર ખોલશે અને ભાવી પેઢી માટે આ રેકર્ડ પથ દર્શક બની રહેશે. આ અભિલેખાગાર કચેરી ખાતે રેલવે, સ્ટેટ, બેંક, ગાંધીજી, કસ્તુરબા, સ્મારકો સહિતના 34 જેટલા અલગ અલગ રેકર્ડ્ઝ નું વર્ગીકરણ કરી ઐતિહાસિક રેકોર્ડની સાચવણી જૂની કોર્ટ પાછળ ગોપનાથ પ્લોટ નજીક જિલ્લા અભિલેખાગાર કચેરીમાં કરવામાં આવી છે.

અહીં ઐતિહાસિક રેકોર્ડ ની દોઢ લાખથી વધુ ફાઈલો આવેલી છે પરંતુ ખાટલે મોટી ખોડ એ છે કે આ કચેરીનું બિલ્ડીંગ જર્જરિત છે અને પહેલા માળેથી ચોમાસા દરમ્યાન વરસાદી પાણી ટપકતું હતું. કચેરી અધિક્ષક ગોસ્વામીએ ફાઈલોનું વર્ગીકરણ કરાવી કચેરીના જતન માટે પ્રયાસ કર્યા પરંતુ કચેરી જર્જરિત હોવાથી અરજદારોને તેમજ સ્ટાફને પણ મુશ્કેલી વેઠવી પડી રહી છે. જિલ્લા અભિલેખાગાર કચેરીની દુર્દશા એવી છે કે જ્યાં કિંમતી રેકોર્ડ આવેલા છે ત્યાં લાઈટ પણ નથી જેથી ટોર્ચ લઈને કર્મી રેકોર્ડ શોધવા જાય છે. મહત્વના દોઢલાખ ફાઇલના રેકોર્ડ જર્જરિત બિલ્ડીંગ નીચે સંગ્રહાયેલ છે છતાં ઉચ્ચ તંત્ર આ અંગે ઉદાસીનતા દાખવીને બેઠું છે.

આકસ્મિક આગમાં અનેક કિંમતી રેકોર્ડ બળીને ખાખ થયું હતું
વર્ષ 1985મા લાગેલ આકસ્મિક આગમાં 1930 થી 1956 સુધીનું પોરબંદર શહેરનું, અડવાણા મહાલ, રાણાવાવ મહાલનું અતિ કિંમતી રેકોર્ડ ભસ્મીભૂત થયું હતું. આમછતાં અહીં દોઢલાખ ફાઈલો સંગ્રહાયેલ છે.

શું કહે છે કચેરી અધિક્ષક?
મારા આવતા જ કચેરીમાં અગત્યની ફાઈલોનું વર્ગીકરણ કરાવ્યું છે અને રૂમમા લાઈટ નથી તે આવી જશે. આર એન્ડ બી વિભાગને જાણ કરતા તેના અધિકારી મુલાકાતે આવ્યા હતા. જો પાલિકા તંત્ર આ કચેરી સામે જ આવેલી જગ્યા ફાળવે તો અહીં નવી કચેરી બની શકે તેમ છે. કચેરી જર્જરિત છે. નવા બિલ્ડિંગની જરૂરિયાત છે. - જે.એચ. ગોસ્વામી, અધિક્ષક, જિલ્લા અભિલેખાગાર કચેરી

કચેરી બહાર ગંદકી
જિલ્લા અભિલેખાગાર કચેરી બહાર દૂષિત પાણી ભરેલા છે અને તીવ્ર દુર્ગંધ ફેલાયેલ હોવાથી મચ્છરો અને જીવાતોનો ઉપદ્રવ છે. ગંદકી જોવા મળે છે. કચેરી બહાર ગંદુ પાણી ભરાયેલ હોવાથી પથ્થરો મુકવામાં આવ્યા છે જેના પર થઈને સ્ટાફ અને અરજદારો કચેરીમાં પ્રવેશ કરે છે. અહીં પાલિકા તંત્ર દ્વારા બ્લોક પણ પાથરવામાં આવ્યા નથી.

કેટલી જગ્યા ખાલી ?
જિલ્લા અભિલેખાગાર કચેરીમાં ક્લાર્કની જગ્યા ખાલી છે તેમજ કરાર આધારિત આસિસ્ટન્ટ છે જેના કરાર નજીકના સમયમાં પુરા થશે.

અન્ય સમાચારો પણ છે...