• Gujarati News
  • Local
  • Gujarat
  • Porbandar
  • On The Fourth Day Of The Week Krishna Janmotsava Was Celebrated; The Bhagwat Flowing At The Mouth Of Porbandar Bhaishree Was Drowned In The Flow Of The Ganges

સુપ્રિમ કાઉન્સિલ આયોજીત શ્રીમદ ભાગવત:સપ્તાહના ચોથા દિવસે કૃષ્ણ જન્મોત્સવ ઉજવાયો; પોરબંદર ભાઈશ્રીના મુખે પ્રવાહિત ભાગવત ગંગાના પ્રવાહમાં તરબોળ થયું

પોરબંદર14 દિવસ પહેલા
  • કૉપી લિંક

શ્રી ઇન્ટરનેશનલ મહેર સુપ્રિમ કાઉન્સિલ દ્વારા પૂજ્ય આઇમાં લીરબાઇમાં તેમજ પુતિઆઇમાં પ્રેરિત સર્વ સમાજ માટેની ભાગવત સપ્તાહના ચોથા દિવસે આખું પોરબંદર પંથક આપણા પોરબંદરનાં ગૌરવ એવા સંત પૂજ્ય રમેશ ઓઝા (પૂજ્ય ભાઈશ્રી)ના મુખે પ્રવાહિત ભાગવત ગંગાના પ્રવાહમાં તરબોળ થઈ ચુક્યું છે. ભાગવત કથાના આ ચોથા દિને કથાની શરૂઆત પૂર્વે યજમાનશ્રીઓ દ્વારા પોથી પૂજન બાદ મુખ્ય યજમાનો, સહ યજમાનો અને ભોજનના દાતાઓના હસ્તે મંચ ઉપર પૂજન આરતી કરવામાં આવી હતી. ત્યારબાદ શ્રી ઇન્ટરનેશનલ મહેર સુપ્રિમ કાઉન્સિલના પ્રમુખ વિમલજી ઓડેદરાએ આજનું પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું. જેમાં તેઓએ કાઉન્સીલના વિવિધ ઉપપ્રમુખોની કામગીરીની છણાવટ કરી હતી. સંસ્થાના વિવિધ વિભાગોની કાર્યવાહી સંભાળતા આ ઉપપ્રમુખોની કામગીરીની સરાહના કરી હતી.

ભાઇશ્રીના શ્રીમુખેથી ભાગવત જ્ઞાન ગંગા વહી
ત્યારબાદ પૂજ્ય ભાઈશ્રી દ્વારા ભાગવતજીની કથાની આજના દિવસની શરૂઆત થઈ હતી. જેમાં તેઓએ ગુજરાતના જાણીતા કવિ ઉમાશંકર જોશીની પ્રખ્યાત કવિતા ‘હૈયું, મસ્તક, હાથ”ની વિસ્તૃત છણાવટ કરી જીવનમાં ઈશ્વરે આપણને મનુષ્ય દેહની આ જે અમુલખ ભેટ મળેલ છે તેની મહત્તા જણાવી હતી. હૈયું પ્રેમનું, મસ્તક જ્ઞાનનું અને હાથ કર્મનું કેન્દ્ર હોવાનું જણાવી જે માણસ હૈયું, મસ્તક અને હાથ એ ત્રણેય વાનાંનો ઉપયોગ શ્રમકાર્ય અને સત્કાર્ય માટે કરે એ ક્યારેય દુખીના થાય એવું તેઓએ જણાવ્યું હતું.

ગીતામાં જણાવ્યાનુંસાર જ્યારે જ્યારે ધર્મનો ક્ષય થાય ત્યારે ભગવાન કોઈને કોઈ રૂપ ધરી અવનિ ઉપર અવતરે છે. તેનો ઉલ્લેખ કરી તેઓએ સમાજમાં જ્યારે મૂલ્યોનું ક્ષરણ થાય છે ત્યારે અસુરી શક્તિ વધે છે અને તેના સંહાર માટે સાધુજનોના રક્ષણ માટે પ્રભુને પધારવું પડે છે. એવું જણાવી તેઓ શ્રોતાઓને કૃષ્ણ જન્મોત્સવની અલૌકિક ઘટના તરફ દોરી ગયા હતા.

કૃષ્ણ જન્મોત્સવ
કૃષ્ણ જન્મોત્સવના આ પ્રસંગે આજે સમગ્ર સભાખંડમાં હૈયે હૈયું દળાય એટલી લોકમેદની ઉમટી પડી હતી. બાળ કૃષ્ણનો જ્યારે સભા મંડપમાં પ્રવેશ થયો ત્યારે ચોમેર પુષ્પવૃષ્ટિ અને ‘નંદ ઘેર આનંદ ભૈયો, જય કનૈયા લાલકી’ની ગુંજ છવાઈ ગઈ હતી. કાનજી આવ્યાના હરખમાં મંચ પાસે નાચી રહેલા નૃત્ય વૃંદો ખાસ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. પૂજ્ય ભાઈશ્રીની ઉપસ્થિતિમાં સભામંડપ જાણે સ્વર્ગ બની ગયો હતો.

બ્લડ ડોનેશન કેમ્પ
આ સપ્તાહ દરમિયાન વિવિધ સમાજઉપયોગી કાર્યક્રમો અંતર્ગત આજે એક બ્લડ ડોનેશન કેમ્પ પણ યોજવામાં આવ્યો હતો. જેમાં જરૂરીયાતમંદ દર્દીઓ માટે મોટા પ્રમાણમાં બ્લડનો જથ્થો એકત્રિત થવા પામ્યો હતો.

સાંસ્કૃતિક કાર્યક્રમમાં કિર્તીદાને ડોલાવ્યા
આ ઉપરાંત રાત્રે સાંસ્કૃતિક કાર્યક્રમો અંતર્ગત ગુજરાતનાં જાણીતા લોકગાયક કીર્તીદાન ગઢવીનો કાર્યક્રમ હતો. એમાં પણ વિશાળ જનમેદની ઉમટી પડી હતી. સાથે જ ગાયક કલાકાર ડેવીન ઓડેદરાએ કાર્યક્રમની શરૂઆત કરી હતી. ત્યારબાદ કીર્તીદાન ગઢવીએ તેમની આગવી ઢબે ગીત સંગીતનો દોર શરુ કરી શ્રોતાજનોને ડોલાવ્યા હતા. મોહન મોરલી વાળો, રસિયો રૂપાળો રંગ રેલીયો જેવા તેના પ્રસિદ્ધ ગીતો ઉપર શ્રોતાઓ ઝૂમી ઉઠ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...