સોરઠી ડેમ માંથી સિંચાઇનું પાણી ન ઉપાડવા ખેડૂતોને નોટીશ આપવામાં આવી છે ત્યારે હાલ ખેડૂતોએ મગનું વાવેતર કર્યું છે અને સિંચાઇના પાણીની વ્યવસ્થા કરવા 5 ગામના ખેડૂતોએ રજૂઆત કરી છે. ઉનાળા દરમ્યાન લોકોને પીવાનું પાણી મળી રહે તે માટે સરકાર દ્વારા આગોતરૂ આયોજન કરવામાં આવ્યું છે. રાજ્યના ડેમો સહિત પોરબંદરના ડેમો માં પણ વસ્તી મુજબ પાણીનો સ્ટોરેજ કરવા પરિપત્ર બહાર પાડ્યો છે જેમાં પોરબંદરના ખંભાળા, ફોદાળા અને સોરઠી ડેમનો સમાવેશ કર્યો છે.
સોરઠી ડેમમાં 50 MCFT પાણીનો સંગ્રહ કરવા જણાવાયું છે પરંતુ આ ડેમમાં 48 MCFT જ પાણી છે. આ ડેમ હેઠળ 47 ગામ અને 96 હજારની વસ્તી આવે છે અને પીવાના પાણી માટે અન્ય કોઈ વિકલ્પ નથી જેથી સોરઠી સિંચાઇ યોજના અડવાણા દ્વારા અંદાજે 250 જેટલા ખેડૂતોને નોટીશ આપી જણાવ્યું છેકે, સિંચાઇ માટે પાણી લેતા તમામ ખાતેદાર ખેડૂતોને પાણી ન ઉપાડવા તથા પાણીની મોટરો તાત્કાલિક અસરથી જળાશય વિસ્તાર માંથી દૂર કરવા તાકીદ કરી છે અને બિન અધિકૃત સિંચાઇ કરતા ખેડૂતો સામે કાર્યવાહી કરવામાં આવશે તેવું જણાવ્યું છે.
આ વિસ્તારના અડવાણા, ભેટકડી, નગડિયા, ખીરસરા અને રેટા કાલાવાડ ગામના ખેડૂતો ચિંતિત બન્યા હતા અને જિલ્લા પંચાયત ખાતે રજૂઆત કરવા આવ્યા હતા. આ ખેડૂતોએ મગ નું વાવેતર કર્યું છે અને સિંચાઇ માટે પાણીની જરૂર હોય જેથી વ્યવસ્થા કરી આપવા માંગ કરી છે. ઉલ્લેખનીય છેકે નર્મદા લાઈનનું પાણી આવે છે જે ઓછું આવે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.