ખાટલે મોટી ખોટ:પશુ પકડવા વાહન અને રાખવા જગ્યા જ નથી, લમ્પીગ્રસ્ત ગૌવંશની સારવાર માટે આઇસોલેશન વોર્ડ માટે પણ જગ્યા નથી

પોરબંદર21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રાજ્ય સરકાર પશુ પકડવા પાલિકાને આદેશ કરે છે પરંતુ, રાણાવાવ, કુતિયાણા પાલિકા પાસે પૂરતી સુવિધા જ નથી

રાજ્ય સરકાર દ્વારા મહાનગર પાલિકાઓ તથા પાલિકાઓને પશુઓ પકડવા આદેશ કર્યો છે. હાલ લમ્પી સ્કિન રોગનો કહેર યથાવત રહ્યો છે ત્યારે રાણાવાવ અને કુતિયાણા પાલિકા ખાતે પશુઓ પકડવા માટે વાહન અને જગ્યાની સુવિધા નથી. લમ્પીગ્રસ્ત ગૌવંશની સારવાર કરવા માટેની આઇસોલેશન વોર્ડ ઊભો કરવા માટે જગ્યા પણ નથી. પોરબંદર જિલ્લા સહિત રાજ્યમાં ગૌવંશમાં લમ્પી સ્ક્રીન રોગ વકર્યો છે. અનેક ગૌવંશ આ રોગનો ભોગ બન્યા છે. ત્યારે રાણાવાવ અને કુતિયાણા પાલીકા પાસે લમ્પીગ્રસ્ત ગૌવંશની સારવાર કરવા માટેના આઇસોલેશન વોર્ડ બનાવવા માટે જગ્યા નથી.

જેથી લમ્પીગ્રસ્ત ગૌવંશની સારવાર અત્યાર સુધી સ્થળ પર જ કરવામાં આવી રહી છે. આથી પણ ખાટલે મોટી ખોડ એ છેકે, રાજ્ય સરકારે દરેક પાલિકા અને મહાનગરપાલિકાઓને શહેર માંથી પશુઓ પકડવા આદેશ કર્યો છે. પરંતુ રાણાવાવ પાલિકા પાસે રઝડતા પશુઓને પકડીને સુવિધા આપી શકાય તેવી જગ્યા જ નથી. પશુઓને પકડવા માટેનો ખાસ સ્ટાફ પણ નથી અને પશુ પકડવા પૂરતા વાહન પણ નથી. 1 વાહન છે તે લમ્પીગ્રસ્ત મૃત પશુઓને પકડીને દફનવિધિ કરવા માટે ફાળવેલ છે.

આ ઉપરાંત કુતિયાણા પાલિકા પાસે પણ પશુઓને પકડીને સાચવવા માટે જગ્યા નથી. એક વાહન છે પરંતુ પાંજરું નથી. લમ્પીગ્રસ્ત પશુઓને સારવાર આપવા માટે આઇસોલેશન વોર્ડ બનાવવા માટે જગ્યા નથી. જેથી સરકાર ખાસ ગ્રાન્ટ ફાળવે તો સુવિધા ઉપલબ્ધ થઈ શકે તેમ છે. હાલ રાણાવાવ અને કુતિયાણામાં રઝડતા પશુઓનો ત્રાસ યથાવત છે અને લમ્પી સ્કિન રોગ વકરી રહ્યો છે ત્યારે સરકાર દ્વારા આ ગંભીરતા ધ્યાને લેવી જરૂરી બની છે.

પોરબંદરમાં પશુ સારવાર વોર્ડ માટે સામાજિક કાર્યકરે જગ્યા ફાળવી

  • લમ્પી ગ્રસ્ત ગૌવંશ ની સારવાર માટે આઇસોલેશન વોર્ડ માટે જગ્યા ફાળવવા જીવદયાપ્રેમીઓએ માંગ કરી હતી. પાલિકા દ્વારા જગ્યા ફાળવવામાં સમય જતાં આખરે જીઆઇડીસી ખાતે એક સામાજિક કાર્યકરે પોતાની જગ્યા ગૌવંશની સારવાર માટે આઇસોલેશન વોર્ડ માટે ફાળવી છે.
  • રાણાવાવ ખાતે લમ્પીગ્રસ્ત ગૌવંશની સંખ્યામાં વધારો થયો છે અને આ રોગના કારણે ગૌવંશ મોતને ભેટી રહ્યાં છે ત્યારે પાલિકા પાસે જગ્યા ન હોવાને કારણે મામલતદારે બિલેશ્વર રોડ પર હનુમાનજીના મંદિર સામે આવેલ જગ્યા 30 દિવસ માટે ફાળવી આપી છે તેવું રાણાવાવના પાલિકા પ્રમુખે જણાવ્યું હતું.

પાલિકા પાસે લમ્પીગ્રસ્ત ગૌવંશની સારવાર માટે આઇસોલેશન વોર્ડ માટે જગ્યા નથી. મામલતદારે 30 દિવસ માટે જગ્યા ફાળવી છે. લમ્પી ગ્રસ્ત પશુઓની સંખ્યા વધશે અને આ રોગ વધુ વકરશે તો 30 દિવસ બાદ વધુ સમય માટે જગ્યા આપવા માંગણી કરવામાં આવશે. રખડતા પશુ પકડવા માટે સ્ટાફ નથી. જગ્યા પણ નથી. - જીવીબેન ઓડેદરા, પાલિકા પ્રમુખ, રાણાવાવ

સરકારને પત્ર લખ્યો છે. ગ્રાન્ટ આવી નથી. પશુ પકડવા સ્ટાફ તૈયાર છે. પશુને પકડવા રૂ. 300 હું ચૂકવી દઈશ, લમ્પીગ્રસ્ત પશુઓ મરણ પામે ત્યારે જેસીબી વાળા ખાડો કરી મૃત ગૌવંશને દફન વિધિ કરે છે તેને રૂ. 1000 હું ચૂકવી દઉં છું. પોતે રૂપિયા ચૂકવી આ પ્રકારે સેવા કરું છું. ટ્રેકટર છે પણ પાંજરું નથી. સરકાર ગ્રાન્ટ આપે તો સુવિધામાં વધારો કરી શકાય. - ઢેલીબેન ઓડેદરા, પાલિકા પ્રમુખ, કુતિયાણા

અન્ય સમાચારો પણ છે...