આયોજન:યુવાનોનું સ્વાસ્થ્ય સારૂં રહે તે માટે રબારી ક્રિકેટ કમિટીનો નવતર પ્રયોગ

પોરબંદર16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 7 માસથી દર રવિવારે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન, 100થી વધુ રબારી સમાજના યુવાનો જોડાયા

યુવાનોનું સ્વાસ્થ્ય સારું રહે તે માટે રબારી ક્રિકેટ કમિટી દ્વારા નવતર પ્રયોગ હાથ ધરી 7 માસથી દર રવિવારે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેમાં 100થી વધુ રબારી સમાજના યુવાનો જોડાયા છે.હાલ આધુનિક ટેકનોલોજીના નેટના યુગમાં બાળકોથી માંડીને વૃદ્ધો સુધીના લોકો સ્માર્ટ મોબાઈલ ફોનમાં રચ્યાપચ્યા રહે છે. અનેક એપ અને ગેઇમ્સમા બાળકો અને યુવાનો મોબાઈલમાં સમય પસાર કરે છે. બેઠાડું જીવન રોગનું ઘર બને છે,

ત્યારે યુવાનો પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત થાય અને નવી ઉર્જાનો સંચાર થાય તે માટે પોરબંદરના રબારી સમાજના યુવાનોએ રબારી ક્રિકેટ કમિટી બનાવી યુવાનોનું સ્વાસ્થ્ય સારું રહે તે માટે ક્રિકેટ ટુર્નામેન્ટ યોજવાનું શરૂ કરવામાં આવ્યું છે. અને આ ટુર્નામેન્ટ વર્ષે બે વખત નહીં પરંતુ દર અઠવાડિયે યોજવાનું આયોજન કર્યું હતું. હાલ છેલ્લા 7 માસથી રબારી ક્રિકેટ કમિટી દ્વારા કોલીખડા ગ્રાઉન્ડ ખાતે દર રવિવારે ક્રિકેટ ટુર્નામેન્ટ યોજવામાં આવી રહી છે અને વિજેતા ટીમને ટ્રોફી એનાયત કરવામાં આવે છે.

હાલ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારો માંથી 10 જેટલી ટીમો આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ભાગ લઈ રહી છે. મહત્વની વાત એ છે કે રબારી સમાજ પોરબંદર જિલ્લામાં પોતાની પારંપરિક જીવનશૈલીથી અનેરું સ્થાન ધરાવે છે. તેઓના પારંપરિક પહેરવેશ અને સાદું ભોજન પણ સંસ્કૃતિને ઉજાગર કરે છે. સમાજના યુવાનો રમત ગમત ક્ષેત્રે આગળ આવે અને ખાસ કરીને ક્રિકેટ કે જે યુવાનોની પ્રિય રમત છે ત્યારે ક્રિકેટ રમવાથી રનિંગ ઉપરાંત હાથ પગની સહિતની તમામ કસરત પણ થાય છે અને શરીરમાં સ્ફૂર્તિ તેમજ સ્વાસ્થ્ય સારું રહે છે

જે હેતુથી પોરબંદરના રણજીત કોડિયાતર, જેઠાભાઇ કોડિયાતર, દેવરાજભાઈ શામળા, કિશન કોડિયાતર સહિતના યુવાનોએ રબારી ક્રિકેટ કમિટી બનાવી દર રવિવારે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કર્યું છે. સવારે 7 થી શાંજે 7 સુધી ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ છે. આ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન દર રવિવારે ચાલુ રહેશે, હાલ 100 જેટલા યુવાનો જોડાયા છે અને આવનારા સમયમાં વધુ યુવાનો જોડાશે તેવું જણાવ્યું હતું.

ચોમાસામાં ચાલુ વરસાદે પણ ટુર્નામેન્ટ યોજાઈ હતી
રણજીત કોડિયાતરે જણાવ્યું હતું કે રબારી ક્રિકેટ કમિટી દ્વારા દર રવિવારે ક્રિકેટ ટુર્નામેન્ટ છેલ્લા 7 માસથી યોજાઈ છે. ચોમાસા દરમ્યાન કોલિખડા ગ્રાઉન્ડમાં પાણી ભરાયા હતબા ત્યારે બખરલા ગામે ગ્રાઉન્ડમાં ક્રિકેટ રમાયો હતો. અને ચાલુ વરસાદે ખેલાડીઓએ ટુર્નામેન્ટ રમી હતી.

ભોજનની વ્યવસ્થા કરવામાં આવે છે
રબારી સમાજના યુવાનોની ક્રિકેટ ટુર્નામેન્ટમાં ભાગ લેનાર દરેક ખેલાડીઓ માટે ભોજનની વ્યવસ્થા કરવામાં આવે છે. આ ભોજન પણ સ્વાસ્થ્યને ફાયદો કરે તે રીતે રોટલા, શાક, દહીંનું ધોરવું, દૂધપાક સહિતનું પરંપરાગત મેનુ રાખવામાં આવે છે. અને યુવાનો જાતે જ રસોઈ બનાવે છે.

અન્ય સમાચારો પણ છે...