મોટી જાનહાની ટળી:મહિયારી નજીક ડ્રાઇવરે સ્ટિયરીંગ પરથી કાબુ ગુમાવ્યો અને 30 વિદ્યાર્થીઓ ભરેલી સ્કૂલ બસ પલટી ખાઇ ગઈ

પોરબંદર18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કુતિયાણાના પસવારીથી ત્રણ કિમી દૂર રોડ પર વેકરામાં સ્કૂલબસ ખાબકી
  • અકસ્માતને પગલે આસપાસના લોકો, ગ્રામજનો એકઠા થઇ ગયા
  • 60 કિમી પ્રતિ કલાકની સ્પીડે આવી રહેલ બસ રોડ પરથી નીચે ઉતરી ગઇ
  • રોડ પરનું બાવળનું વૃક્ષ 30 બાળકો માટે જીવનદાતા બન્યું

પોરબંદર જિલ્લાના ઘેડ પંથકમાં આવેલ પસવારીથી કુતિયાણા તરફ જતા ત્રણ કિમીના અંતરે સ્કૂલ બસ પલટી મારતા 30 વિદ્યાર્થીઓનો આબાદ બચાવ થયો છે. 60 કિમીની સ્પીડે સિંગલ પટ્ટીના રોડ પર આવતી બસના ડ્રાઈવરે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા બસ રોડ પરથી નીચે ઉતરી ગઈ જતા અકસ્માત સર્જાતા વિદ્યાર્થીઓમાં ભય સેવાયો હતો.

પોરબંદર જિલ્લાના પસવારી નજીક કુતિયાણાની પરિશ્રમ સ્કૂલની બસ પસાર થઇ રહી હતી, તે સમય દરમિયાન સ્કૂલ બસના ડ્રાઈવરે બસના સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો. બસના ડ્રાઈવરે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હોવાના કારણે જોત જોતામાં જ અચાનક બસ પલટી મારી ગઇ હતી. માર્ગ પરથી બસ પલટી મારી ગઈ હોવાના કારણે બસમાં રહેલ વિદ્યાર્થીઓમાં ગભરાટ સર્જાતા અફરાતફરી મચી ગઇ હતી. રોડ પરથી નીચે બસ ઉતરી જતા વિદ્યાર્થીઓ ગભરાઈ ગયા હતા.

60 કિલોમીટરની સ્પીડે આવી રહેલ બસના ડ્રાઈવરે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા બસ બાવળના ઝાડ પર અડકી ગઈ હતી, ત્યારે નાથાભાઈ ઓડેદરા, કેશુભાઈ પરમાર સહિતના ત્રણ લોકોની નજર સામે જ અકસ્માત સર્જાતા બસમાં અંદર જવું પણ જીવના જોખમ ભર્યું હતું. બસમાં અંદર જાય તો બાવળની ઝાડી પર અટકેલ બસ વેકરામાં પડી જવાની સંભાવના હતી. ત્યારે જીવના જોખમે સમય સૂચકતાને ધ્યાને લઇ માત્ર ગણતરીની મિનિટોમાં જ કેશુભાઈ પરમાર બસમાં ઘૂસ્યા હતા, અને એક પછી એક 30 જેટલા નાના ભૂલકાઓને જીવના જોખમે બસની બહાર કાઢ્યા હતા. સદ્નસીબે આ અકસ્માતમાં જાનહાનિ ટળી છે, પરંતુ ત્રણ જેટલા બાળકોને ઈજા પહોંચતાં પ્રાથમિક સારવાર આપી હતી.

એક શિક્ષિકા, ડ્રાઇવર અને 30 બાળકોનું રેસ્ક્યુ કરી આબાદ બચાવ કર્યો
કુતીયાણાના પસવારી નજીક રોડ પરથી બસ નીચે ઉતરી ગઈ હતી, જેમાં સેગરસ અને પસવારી ગામના વિદ્યાર્થીઓ હતા. સર્જાયેલ આ અકસ્માતમાં વિદ્યાર્થીઓના જીવનું જોખમ ઉદભવ્યુ હતું. જોકે સદ્નસીબે અકસ્માતમાં જાનહાનિ ટળી હતી, કેશુભાઈ પરમાર સહિતના ત્રણ લોકોએ એક શિક્ષિકા, ડ્રાઇવર અને 30 બાળકોનું રેસ્ક્યુ કરી આબાદ બચાવ કર્યો હતો.

3 વિદ્યાર્થીઓને સામાન્ય ઈજા
સર્જાયેલા અકસ્માતમાં બસને નુકસાન પહોંચ્યું હતું. ત્યારે ત્રણ વિદ્યાર્થીઓને સામાન્ય ઈજા પહોંચી હતી. જેથી નાથાભાઈ ઓડેદરા સહિતના આગેવાનો દ્વારા વિદ્યાર્થીઓને સ્થળ પર જ પાટાપીંડી સહિતની પ્રાથમિક સારવાર અપાઈ હતી.

બસમાં રહેલ વિદ્યાર્થીઓમાં ગભરાટ સર્જાતા અફરાતફરી મચી ગઇ હતી
હું કુતિયાણા તરફથી આવી રહ્યો હતો, તે સમય દરમિયાન મારી નજરમાં સામે જ જોતજોતામાં બસ રોડ પરથી નીચે ઉતરી ગઈ હતી. અને બાવળની ઝાડી પર બસ અટકી ગઈ હતી. બાળકો રાડા રાડ થયા હતા, જો બસ અંદર જાવ તો બસ મારું વજન ન સહન કરે તો બાવળની ઝાડી ભાંગીને વેકરામાં ખાબકે તેવી સ્થિતિ હતી, પરંતુ 30 બાળકોના જીવ તાળવે ચોટતા જોઇ એક ક્ષણનો વિચાર કર્યા વગર બસમાં ભગવાન ભરોસેે બસમાં ઘુસી ગયો હતો, અને એક પછી એક બાળકોને બહાર કાઢ્યા હતા.

ઝાડના ટેકે બસ હતી અને રેસ્ક્યુ કરાયું
ડ્રાઇવર બાજુની સાઈડમાં બસ રોડ પરથી નીચે ઉતરી ત્યારે બાવળનું ઝાડ આડે આવતા માત્ર બાવળના ઝાડના ટેકે બસ હતી, કેશુભાઈ પરમાર નામના યુવાન બસમાં અંદર ઘુસ્યા હતા, અને નાથાભાઈ ઓડેદરા સહિતના બે લોકો બસની બહાર રહ્યા હતા. કેશુભાઈ પરમાર દ્વારા એક પછી એક બાળકને દરવાજા બાજુથી નાથાભાઇને આપ્યા હતા, અને આ તમામ બાળકોનું એક પછી એક રેસ્ક્યુ કરાયું હતું. જો ડ્રાઈવર સાઈડ વધુ વજન આવે અને બાવડનું વૃક્ષ ભાગે તો બસ વેકરામાં ખાબકે તેવી દહેશત સર્જાઇ હતી.

તંત્ર અજાણ : પોલીસને કશી જાણ મળી નથી
કુતિયાણાના પસવારી નજીક થયેલા આ સ્કૂલ બસના અકસ્માત અંગે હજુ સુધી કુતિયાણા પોલીસને કશીજ જાણ થઇ નથી. તેવું કુતિયાણા પોલીસ સ્ટેશનમાં ફરજ પરના પી.એસ.ઓ. એ જણાવ્યું હતું

અન્ય સમાચારો પણ છે...