વુમન્સ ડે:નારી તું નારાયણી, સ્ત્રી પોતેજ શક્તિનું સ્વરૂપ છે : આર્યનારી

પોરબંદર5 મહિનો પહેલાલેખક: સચિન માદલાણી
  • કૉપી લિંક
સ્વરક્ષણ અંગેના કરતબો રજૂ કરાયા - Divya Bhaskar
સ્વરક્ષણ અંગેના કરતબો રજૂ કરાયા
  • જિલ્લામાં વિવિધ ક્ષેત્રે મહિલાઓ ફરજ બજાવે છે, જિલ્લા પોલીસ દ્વારા મહિલા કોલેજ ખાતે 15 દિવસ માટેની સેલ્ફડિફેન્સની તાલીમનો પ્રારંભ કરાયો

નારી તું નારાયણી, સ્ત્રી પોતેજ શક્તિનું સ્વરૂપ છે. આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઠેરઠેર ઉજવણી કરવામાં આવશે ત્યારે પોરબંદર જિલ્લામાં પણ મહિલાઓનું અનેરું યોગદાન રહ્યું છે. બહેનો પણ પુરુષ સાથે કદમ મિલાવી શકે છે અને દરેક ક્ષેત્રમાં સફળતા પૂર્વક ફરજ બજાવી રહી છે.

પોરબંદર જિલ્લામાં ગ્રામ્ય સરપંચથી માંડીને વ્યવસાય ક્ષેત્રે પણ બહેનો પોતાનું પ્રભુત્વ જાળવી રહી છે. પોરબંદરના ડીવાયએસપી રીના રાઠવા, ઉદ્યોગ નગર પોલીસ મથકના પીએસઆઇ શીતલ સોલંકી, એસટી વિભાગમાં ડેપો મેનેજર હિરીબેન કટારા, સિવિલ હોસ્પિટલના મહિલા તબીબો, ફિશરીઝ અધિકારી, જીએસટી વિભાગના અધિકારી, જિલ્લા આરોગ્ય અધિકારી, નર્સિંગ સ્ટાફ, વકીલાતમા, શાળાના આચાર્યો, સરકારી તથા ખાનગી કંપનીઓ સહિતના વિવિધ ફિલ્ડમાં મહિલાઓ ફરજ બનાવી રહી છે.

આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિતે પોરબંદર જિલ્લા પોલીસ અને એક્સ્ટ્રીમ ફિટનેસ કેર દ્વારા વિદ્યાર્થીનીઓએ સેલ્ફડિફેન્સની તાલીમ આપવાનું આયોજન કરાયું છે. આર્યકન્યા ગુરુકુળ મહિલા કોલેજ ખાતે આ કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. વિનામૂલ્યે 15 દિવસ સુધી બહેનોને સેલ્ફડિફેન્સની તાલીમ સાથે ફિટનેસ તથા ખોરાક અંગે માર્ગદર્શન આપવામાં આવશે.

જિલ્લાની અન્ય સ્કૂલ કોલેજોમાં પણ તાલીમ આપવામાં આવશે. આ કાર્યક્રમમાં જિલ્લા પોલીસ વડા ડો. રવિ મોહન સૈની, ડીવાયએસપી, ઉધોગનગર પીએસઆઇ, કેતન કોટિયા, અનુપમ નાગર સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા. આ તકે બહેનો કેવીરીતે પોતાને સુરક્ષિત રાખી શકે તે માટેના વિવિધ કરતબો રજૂ કરવામાં આવ્યા હતા. આ કરતબો જોઈને સૌ કોઈ મંત્રમુગ્ધ બન્યા હતા.

બહેનોએ પોતાના હક પ્રત્યે જાગૃત રહી લડત કરવી પડશે : વકીલ ફાલ્ગુનીબેન વૈદ્ય
પોરબંદરમાં છેલ્લા 10 વર્ષથી વકીલાત ક્ષેત્રે આગવું સ્થાન ધરાવતા ફાલ્ગુનીબેન શશીકાંત વૈદ્યએ પેનલ એડવોકેટ છે. તેણીએ અનેક કેસો લડયા છે અને ખાસ કરીને મહિલાઓને ન્યાય મળે તે માત્ર કેસ લડી અનેક મહિલાને ન્યાય અપાવ્યો છે. ફાલ્ગુની બેને જણાવ્યું હતુંકે, આજના સમયમાં બહેનોને અમુક અંશે કાયદાકીય જ્ઞાન હોવું જોઈએ. અને હક અધિકારો વિશે જાગૃત રહેવું જોઈએ. સમાજ સ્ત્રીને પુરુષ સમોવડી ગણે છે પણ સ્વીકારતો નથી અને એટલેજ બંધારણ અને કાયદામાં કેટલીક એવી જોગવાયો કરી છે. લિંગ ભેદ આજે પણ જોવા મળે છે. અત્યાચારનો ભોગ બનવું પડે છે જેથી સ્ત્રીએ પુરુષ સોમાવડી બનવું પડશે અને પોતાના હક અને અધિકાર પ્રત્યે જાગૃત રહી ન્યાયિક લડત કરવી પડશે. સંઘર્ષ કરવાથી સફળતા મળે છે.

સ્પોર્ટ્સ ક્ષેત્રે પણ બહેનો આગળ આવે - સોનલ કડછા
પોરબંદરના વી.આર. ગોઢાણીયા મહિલા કોલેજની વિદ્યાર્થીની સોનલ રમેશભાઈ કડછાએ ઓલ ઇન્ડિયા વુમન એથ્લેટીક્સ ચેમ્પિયનશિપમા ભાગ લીધો હતો. આ ચેમ્પિયનશિપ ભુવનેશ્વર ઓડીશા ખાતે યોજાઈ હતી જેમાં સોનલે 200 મીટરની દોડમાં દુતીચાંદ કે જે અર્જુન એવોર્ડ વિજેતા અને ઓલમ્પિક પાર્ટીસીપેન્ટ છે. સોનલે જણાવ્યું છેકે, બહેનો કોઈપણ ક્ષેત્રમાં મહેનત કરે તો ચોક્કસ આગળ વધી શકે છે. હાલ બહેનો માટે સ્પોર્ટ્સ એ સારું ક્ષેત્ર છે અને આ ક્ષેત્રમાં બહેનો પોતાની કૌશલ્યથી આગળ વધે છે. બહેનોએ લક્ષ્ય રાખી, લોભામણી વાતોમાં ફસાયા વગર લક્ષ્ય તરફ વળગી રહેવું જોઈએ જેથી સફળતાના શિખર સુધી પહોંચી શકાય.

દીકરીઓને ભણાવવી જોઈએ - ડો. તક્ષીલા ભાદરકા
પોરબંદરની ભાવસિંહજી સરકારી હોસ્પિટલ ખાતે છેલ્લા સાડા ચાર વર્ષથી ફરજ બજાવતા ડો. તક્ષીલા ભાદરકાએ કોરોના મહામારી દરમ્યાન નોંધનીય ફરજ બજાવી હતી. કોરોના મહામારી વચ્ચે તક્ષીલાબેનનો પુત્ર માત્ર 2 વર્ષનો હતો. તક્ષીલાબેને જણાવ્યું હતુંકે દર્દીની સારવાર કરવી મહત્વની હતી અને સાથોસાથ માતાની ફરજ પણ બજાવવાની હતી. રાત્રીના સમયે પણ ડ્યુટી બજાવવાની હોય છે. ખાસતો દીકરીઓ ભણતરમાં જ ધ્યાન આપવું જોઈએ. જે ક્ષેત્રમાં અભ્યાસ કરે તેમાં પોતાની ટેલેન્ટ મુજબ આગળ વધવું જોઈએ. માતાપિતાએ પણ દીકરા દીકરી પ્રત્યે ભેદ ન રાખવો જોઈએ. દીકરીઓને કોઈ સમસ્યા હોય તો પ્રથમ તેના માતાપિતાને જાણ કરવી જોઈએ. માતાપિતા જ સાચા મિત્ર હોય છે. બહેનોએ સ્ટ્રોંગ બનીને જે તે પડકારનો સામનો કરવો જોઈએ.

ભારતીય સંસ્કૃતિ ચારિત્ર્ય પર ટકેલી છે - મંજુલાબેન બાપોદરા
પોરબંદરના સાહિત્યકાર અને આર્યનારી તરીકે ઓળખાતા મંજુલાબેન બાપોદરાએ સમાજમાં આગવું સ્થાન પ્રાપ્ત કર્યું છે. મંજુલાબેને જણાવ્યું છેકે, વર્તમાન પરિસ્થિતિ જોતા એવું લાગે છે સમાજ વિભાજીત થઈ રહ્યો છે. સભ્યતા, સંસ્કૃતિ અને સ્વાભિમાન તાર તાર થઈ ગયા છે.દરેક માનવી અલગ અલગ વિચારધારા માં ફંટાઈ ગયો છે. ના લક્ષ્ય, ના કોઇ ચોક્કસ દિશા. ભૌતિક વાદ અને પૈસાની દોડ માં હાંફી રહ્યો. છે ત્યારે રાષ્ટ્રીય ગરીમા ઝંખવાઈ રહી છે. દિશાહીન યુવા ધન વ્યસન, ચારીત્રહિનતાને ફેશન સમજી મર્યાદા ના લીરા ઉડાવી રહ્યું છે.

ત્યારે સમાજને ફરી એક નવી રાહ ચીંધી દીશા નીર્દેશ કરવાના સંકલ્પ સાથે, ફરી એક પ્રયાસ રાષ્ટ્ર નીર્માણને સુતેલા શોર્યને જગાવવા એક નવા મિશનની શરૂઆત કરવાની છે જેના માટે નાલંદા સંસ્કૃતિ સ્થાપવાની શરૂઆત કરવામાં આવી છે. વધુમાં જણાવ્યું છેકે, સ્ત્રીને શક્તિનું સ્વરૂપ માનવામાં આવે છે, સ્ત્રી પોતેજ શક્તિ છે. નારી નારાયણી છે. જે સ્ત્રી પોતાનું ચારિત્ર્ય સલામત રાખે છે તેમને સન્માન મળે છે.

અન્ય સમાચારો પણ છે...