પોરબંદરમાં શહિદ વિર નાગાર્જુન સિસોદિયા પાર્કને લાખો રૂપિયાના ખર્ચે વિકસાવવામાં આવ્યો છે. પરંતુ જાળવણીના અભાવે લોન સુકાઈ ગઈ છે. કચરાપેટી ઉડી રહી છે. અને બાળમનોરંજનના સાધનો તુટી-ફૂટી ગયા છે. પોરબંદર એસ.ટી ડેપોની બાજુમાં શહિદ નાગાર્જુન સિસોદિયાની સ્મૃતિમાં બાગ બનાવેલ છે, અને તેમાં શહીદ નાગાર્જુન સિસોદિયાની પ્રતિમા પણ મુકવામાં આવી છે. આ બાગના નવિનીકરણના નામે લાખો રૂપિયાનો ખર્ચ ગુજરાત સરકારની સ્વર્ણિમ યોજના હેઠળ કરવામાં આવ્યો છે. પરંતુ નવિનીકરણના નામે ખૂબ જ મોટો ભ્રષ્ટાચાર નગરપાલિકાના અધિકારીઓ અને પદાધિકારીઓ સાથે મળીને કર્યો હોવાના આક્ષેપ થયા છે.
બગીચામાં જુના વૃક્ષોનું નિકંદન નીકળી ગયું છે અને આખા બગીચામાં નબળી ગુણવત્તાના બ્લોક વાપરવામાં આવ્યા છે. બગીચામાં લોન બનાવવા માટે કાળી અને ફળદ્રુપ માટીનાખીને લોન વાવવાની હોય છે, પરંતુ અહીંખારી અને ચીકણી માટીભરીને લોન નાખવામાં આવી હોવાથી લોન સુકાઈ ગઈ છે. આમ પોરબંદરનો નાગાર્જુન સિસોદિયા પાર્ક જાળવણીના અભાવે ઉજ્જડ બન્યો હોય, જુના વૃક્ષોનું નિકંદન કાઢીને વાવવામાં આવેલી લોન સુકાઈ ગઈ છે. અને કચરા પેટીઓ તેમજ બાળ મનોરંજનના સાધનો તૂટી ફૂટી ગયા હોવાથી યોગ્ય કરવા માંગ ઉઠી છે.
ચોકીદારના અભાવે બગીચામાં નુકસાન
આ બગીચામાં કચરાપેટીઓ પણ કચરાની માફક ઊડી રહી છે, લાખો રૂપિયાના ખર્ચે બનાવાયેલા આ બગીચામાં ચોકીદાર ના અભાવે બાળ મનોરંજનનાં સાધનોમાં પણ તોડફોડ થઇ છે, અને બગીચામાં રહેલી પાણીની મોટર ચોરાઈ ગયા અંગેની નગરપાલિકાના તંત્ર હજુસુધી કોઈપોલીસ ફરિયાદ દાખલ કરી નથી.
પાલીકાનું બેદરકાર તંત્ર આ સ્મારક પ્રત્યે સંપૂર્ણ પણે ઉદાસીન
આ બગીચામાં રોપા વાવીને ત્યાં ફેન્સીંગ કરવી જોઈએ, જેથી વૃક્ષોને અને રોપાઓને નુકસાન થતું અટકાવી શકાય. શહિદની સ્મૃતિમાં સ્મારક બનાવવામાં આવ્યું છે તેથી શહિદની ગરિમા જળવાય એ રીતે વ્યવસ્થા કરવાને બદલે પાલિકાનું બેદરકાર તંત્ર આ સ્મારક પ્રત્યે સંપૂર્ણ પણે ઉદાસીન છે
સ્મારકની જાળવણી નહી કરાઈ તો ઉગ્ર આંદોલન ચીમકી
પોરબંદર કોંગ્રેસ દ્વારા તંત્રની બેદરકારી અંગે ઉચ્ચકક્ષાએ ફરિયાદ કરવામાં આવી છે. કોંગ્રેસના આગેવાન અને નાગાર્જુન સિસોદિયા ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી રામદેવભાઈ મોઢવાડિયાએ જણાવ્યું છે કે આ બગીચાની યોગ્ય જાળવણી નહીં કરવામાં આવે તો આંદોલનની ફરજ પડશે, બગીચામાં મોટાભાગની સ્ટ્રીટલાઈટો બંધ છે, જેથી રાત્રીના સમયે અહિયાં દિવાલ ટપીને ઘુસી જતા આવારા તત્વો અનૈતિક પ્રવૃત્તિ કરતા હોવાની શક્યતા પણ નકારી શકાતી નથી. જેથી આ સ્મારકની જાળવણી વ્યવસ્થિત રીતે નહી કરવામાં આવે તો ઉગ્ર આંદોલન કરવું પડશે તેવી ચીમકી ઉચારવામાં આવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.