ઉપરાષ્ટ્રપતિ પોરબંદરના પ્રવાસે:એમ.વેંકૈયા નાયડુએ મહાત્મા ગાંધીના જન્મ સ્થળની મુલાકાત લીધી, બાપુને શ્રદ્ધા સુમન અર્પણ કરી તેમની જીવનદર્શિની નિહાળી

પોરબંદર3 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઉપરાષ્ટ્રપતિ એમ.વેંકૈયા નાયડુનું મહાત્મા ગાંધીજીની જન્મભૂમિ પોરબંદર ખાતે ઉષ્માભર્યું સ્વાગત

દેશના ઉપરાષ્ટ્રપતિ એમ.વેંકૈયા નાયડુ આજે સહપરિવાર સાથે સૌરાષ્ટ્રના પ્રવાશે છે.ત્યારે તેઓએ દ્વારકાધીશનાં દર્શન કરી હવાઈ માર્ગે પોરબંદર એરપોર્ટ ખાતે પહોંચ્યા હતા.જ્યાં પોરબંદર એરપોર્ટ ખાતે તેઓનું રાજ્યના કેબિનેટ શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી,જિલ્લા પંચાયતના પ્રમુખ, પોરબંદર કલેક્ટર અશોક શર્મા તથા પોરબંદર એસ.પી.ડો.રવિ મોહન સૈની સહિતના વરિષ્ઠ અધિકારીઓએ સ્વાગત કર્યું હતું.

ઉપરાષ્ટ્રપતિ એમ.વેંકૈયા નાયડુનું મણિયારાના તાલ સાથે કીર્તિ મંદિર ખાતે સ્વાગત કરાયું
ઉપરાષ્ટ્રપતિ એમ.વેંકૈયા નાયડુનું પોરબંદરની સંસ્કૃતિ એવા મણિયારા રાસથી સ્વાગત કરવામાં આવ્યું હતું.પોરબંદર કીર્તિ મંદિર ખાતે પૂજ્ય મહાત્મા ગાંધીજીના જન્મસ્થળની મુલાકાતે સહ પરિવાર આવેલા ઉપરાષ્ટ્રપતિનું પોરબંદરના જાણીતા મણીયારા રાસથી યુવાનોએ દાંડિયાના તાલ સાથે સ્વાગત કરી આવકાર આપ્યો હતો.આ તકે ઉપરાષ્ટ્રપતિએ મણિયારા રાસના કલાકારોને પ્રોત્સાહિત કરીને પોરબંદરની આ સાંસ્કૃતિક ધરોહરને આવકારી હતી તથા મહેર રાસના કલાકારો સાથે ફોટો સેશન કર્યુ હતુ.

કીર્તિ મંદિરની મુલાકાત લઇ મહાત્મા ગાંધીજીને શ્રદ્ધા સુમન અર્પણ કર્યા
ઉપરાષ્ટ્રપતિ એમ.વેંકૈયા નાયડુએ આજે પોરબંદરમાં મહાત્મા ગાંધીજીના જન્મ સ્થળ કીર્તિ મંદિરની મુલાકાત લઈ પૂજય બાપુને શ્રદ્ધા સુમન અર્પણ કર્યા હતા.કીર્તિ મંદિર ખાતે ઉપરાષ્ટ્રપતિનું સુતરની આંટીથી શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી, કલેકટર અશોક શર્મા સહિતના મહાનુભાવોએ સ્વાગત કર્યું હતું.ઉપરાષ્ટ્રપતિએ સહપરિવાર સૌપ્રથમ મહાત્મા ગાંધીજીના મૂળ જન્મ સ્થાન પહોંચી પૂજ્ય બાપુને શ્રદ્ધા સુમન અર્પણ કર્યા હતા.કીર્તિ મંદિરમાં પૂજય બાપુ અને કસ્તુરબાના તૈલી ચિત્રને પુષ્પાંજલિ અર્પણ કરી હતી.

મુલાકાત લઈ ચરખો સહિતની વસ્તુઓ અને બાપુની જીવન દર્શીની નિહાળી
ઉપરાષ્ટ્રપતિએ સહ પરિવાર મહાત્મા ગાંધીજીના સ્મૃતિ ગેલેરી રૂમની મુલાકાત લઈ ચરખો સહિતની વસ્તુઓ અને બાપુની જીવન દર્શીની નિહાળી હતી.તેઓએ કીર્તિ મંદિર વિઝીટ બુકમાં પણ નોંધ કરી હતી.આ પૂર્વે ઉપરાષ્ટ્રપતિનું પોરબંદરની સંસ્કૃતિ મણીયારો રાસ રજૂ કરી ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું.ઉપરાષ્ટ્રપતિની કીર્તિ મંદિર મુલાકાત વેળાએ ધારાસભ્ય બાબુભાઈ બોખીરીયા સહિતના અધિકારીઓ તથા પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...