પોરબંદર જિલ્લાના કુણવદર ગામની પરિણીતાએ ગત તા. 17-07-2022 ના રોજ ઝેરી દવા ગટગટાવી લીધી હતી અને આ અંગે પરિણિતાએ સાસરીયાના ત્રાસથી અંતિમ પગલું ભરી લીધાની પોલીસમાં ફરિયાદ નોંધાતા પરિણિતાની સાસુ તથા નણંદ વિરુદ્ધ પરિણિતાના પિતા દ્વારા ખોટી ફરિયાદ દાખલ કરી હોવાનું જણાવી આ બંને આરોપીઓએ આગોતરા જામીન અરજી દાખલ કરેલી અને કોર્ટે તે અરજી મંજૂર કરતા તેઓને આગોતરા જામીન મળ્યા હતા.
આ અંગે પ્રાપ્ત વિગત અનુસાર પોરબંદર જિલ્લાના કુણવદર ગામની પરિણીતાએ તેમના પતિ ભરતભાઈ તેમજ તેમના સાસરીયાઓના ત્રાસથી ઝેરી દવા પી લેતા તેમનું મોત થયેલ. પરણીતા એ ઝેરી દવા પી લેતા અને તેમનું મોત થતા ભાણવડ ગામે રહેતા તેમના પિતા અશ્વિનગીરી કરસનગીરી ગોસ્વામીએ બગવદર પોલીસ સ્ટેશનમાં પુનમબેનના પતિ ભરત ભારથી, સાસુ સરલાબેન તેમજ નણંદ સોનલબેન વિરુદ્ધ શારીરિક અને માનસિક ત્રાસ આપી તેમની પુત્રીને મરવા મજબૂર કરનાર સામે બગવદર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી.
પરિણિતાની સાસુ સરલાબેન તથા નણંદ સોનલબેન આ ગુન્હા બાબતે કંઇ જાણતા ન હોય, તેણે મરણજનારકે કોઇ દુ:ખ ત્રાસ આપેલ ન હોય અને ઘરમાં કોઇ અનિચ્છનીય ઘટના બનેલ ન હોય તેમણે કોર્ટમાં આગોતરા જામીન અરજી કરેલ હતી. અને આ અંગે બચાવપક્ષના વકીલે ધારદાર દલીલો કરી હતી જેને નામદાર કોર્ટે શરતોને આધીન આગોતરા જામીન અરજી મંજૂર રાખી હતી અને બંને આરોપીઓને જામીન ઉપર મુકત કરવાનો હુકમ ફરમાવેલ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.