દેવભૂમિ દ્વારકા જિલ્લામાં મેગા ડિમોલિશનની કાર્યવાહી બાદ સરકાર દ્વારા પોરબંદર જિલ્લામાં પણ ગેરકાયદેસર બાંધકામ પર બુલડોઝર ફેરવવામાં આવ્યું છે. પોરબંદર જિલ્લાના દરિયાઇ પટ્ટીના વિસ્તારમાં તેમજ શહેરમાં ગેરકાયદેસર બાંધકામને તોડી પાડવા માટે તંત્ર દ્રારા ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ત્યારે આજે પોરબંદરમાં મેગા ડિમોલેશન મામલે વાતાવરણમાં તંગદિલી સર્જાઈ હતી. રોષે ભરાયેલા લઘુમતી સમાજના લોકો આક્રોશમાં સાથે વિવાદવાળા સ્થળ પર પહોંચવા કુચ કરી હતી. ત્યારે આ ટોળાને ત્યાં પહોંચતા રોકવા પોલીસે પણ તાત્કાલિક બંદોબસ્ત ગોઠવ્યો હતો અને પરિસ્થિતિ પર કાબુ મેળવવા ઘટના સ્થળે પોલીસ કાફલો પહોંચ્યો હતો. પરંતુ બેકાબુ બનેલા ટોળાએ પોલીસને પણ દાદ આપી ન હતી.
જિલ્લામાં મેગા ડિમોલેશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી
દરીયાઇ સુરક્ષાને ધ્યાને લઈને પોરબંદર જિલ્લાના દરીયા કાંઠા વિસ્તારોમા ગેરકાયદેસર દબાણ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામા આવી હતી. પોરબંદર જિલ્લામાં મેગા ડિમોલેશનની કાર્યવાહીને લઈને 8 જેટલા સ્થળો પર દબાળ દુર કરતા શહેરના વાતાવરણમાં તંગદિલી જોવા મળી રહી છે. શહેરના મેમણવાડા વિસ્તારમાંથી નીકળેલા ટોળા પર પર કાબુ મેળવવા માટે ત્રણથી વધુ ટીયર ગેસ છોડવામાં આવ્યા હતા. ધટનામાં પોલીસ અને ટોળા આમને સામને આવી જતા વાતાવરણ તંગ જોવા મળ્યું હતુ.
બેકાબુ ટોળાએ પોલીસને પણ દાદ આપી નહીં
જિલ્લામાં ગઈકાલે થયેલા ડીમોલેશન મામલે લઘુમતી સમાજ રોષે ભરાયો હતો. શહેરના મેમણવાડા વિસ્તારમાં મહિલાઓ તથા પુરુષોના ટોળે ટોળા રસ્તા પર ઉતરી આવ્યા હતા. પોલીસે ટોળાને રોકવા પ્રયાસ કરતા બેકાબુ ટોળાએ પોલીસને પણ દાદ આપી ન હતી. ઉદ્યોગનગર વિસ્તારમાં વિવાદ વાળી જગ્યા પર જવા ટોળાએ આગેકુચ કરતા પોલીસે તાત્કાલિક બંદોબસ્ત ગોઠવી પરિસ્થિતિ પર કાબુ મેળવવા પ્રયાસ કર્યો હતો.
દ્વારકામાં ડિમોલિશનની કામગીરીનો આજે ચોથો દિવસ
હાલ દ્વારકા જિલ્લામાં પણ ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઐતિહાસિક સ્થળ બેટ દ્વારકામાં ગેરકાયદેસર રીતે વણાકી લેવામાં આવેલી સરકારી જગ્યાઓ પરના અનધિકૃત દબાણો દૂર કરવા જિલ્લાના પોલીસ તંત્ર તથા રેવન્યુ તંત્રએ મક્કમ રીતે કમર કસી છે. જે સંદર્ભે શનિવારથી બેટ દ્વારકામાં હાથ ધરવામાં આવેલા ઓપરેશન ડિમોલિશને સમગ્ર રાજ્યભરમાં ભારે ચર્ચ ચગાવી છે. આ કડક અને મહત્વની કામગીરી હાથ ધરવા પૂર્વે પોલીસ તંત્ર દ્વારા યાત્રાળુઓ, મુસાફરો માટેની ફેરીબોટ સર્વિસ બંધ કરી દેવામાં આવી છે.
વારંવાર અપિલ કરવા છતાં ટોળું એકઠું થયું: જિલ્લા પોલીસ વડા
પોરબંદર જિલ્લા પોલીસ વડા ડૉ. રવિ મોહન સૈનીએ આ અંગે જણાવ્યું હતું કે જે પણ રજુઆત હોય તેની યોગ્ય રીતે રજુઆત કરી કાયદો હાથમાં ન લેવા વારંવાર અપિલ કરવા છતાં ટોળું એકઠું થયું હતું. જેને પગલે ટોળા વિરૂદ્ધ ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. તો સાથે જિલ્લા પોલીસવડા સહિતના પોલીસ કાફલાએ સંવેદનશીલ વિસ્તારમાં સઘન કોમ્બિંગ હાથ ધરી 20 જેટલા શખ્સોને રાઉન્ડઅપ કરવાની કાર્યવાહી હાથ ધરી છે. જો કોઈપણ વ્યક્તિ કાયદો હાથમાં લેશો તો તેના વિરૂદ્ધ ગુનો નોંધવાની કાર્યવાહી હાથ ધરાશે તેવી જિલ્લા પોલીસવડા દ્વારા કડક સુચના આપવામાં આવી હતી.
રવિવારે રાત્રે જ ડિમોલેશન કરી નખાયું: સામાજિક આગેવાન
લઘુમતી સમાજના આગેવાન હાજી ઈબ્રાહિમ સંઘારે જણાવ્યું હતું કે ધાર્મિક સ્થળ અંગેની નોટીસ 29 સપ્ટેમ્બરના રોજ મામલતદાર તરફથી અમને આપવામાં આવી હતી. જેને લઈને શનિવારે જવાનું નક્કી કર્યું હતું, પરંતુ બીજા દિવસે રવિવાર હોવાથી કચેરી બંધ હોવાથી અમે સોમવારે આપવા જવાનું નક્કી કર્યું હતું. પરંતુ રવિવારે રાત્રે જ ધાર્મિક સ્થળ પર ડિમોલેશન કરી નાખવામાં આવ્યું હતું. અમે અમારા સમાજના યુવાનોને સમજાવીશું અને શાંતિ જળવાઈ રહે તેવી અપીલ લઘુમતી સમાજના આગેવાનોએ કરી હતી. ઘર્ષણ અંગે તેમણે જણાવ્યું હતું કે અમને 10 જણાને દરગાહ પર ચાદર ચડાવવા માટે મંજૂરી મળી હતી. પરંતુ ત્યારબાદ અમારા સમાજના લોકો પણ ત્યાં આવવા-જવા લાગતાં આ મામલો બન્યો હતો. પરંતુ હવે શાંતિ જળવાઈ રહે તેવી અપીલ તેમણે કરી હતી.
500થી 800નાં ટોળા ડિમોલિશન તરફ જવા માગતા હતા
પોરબંદરના જિલ્લા પોલીસ વડા ડૉ. રવિ મોહન સૈનીએ જણાવ્યું હતું કે, આજે સવારે પોરબંદર શહેર વિસ્તારમાં ડિમોલિશની કાર્યવાહી થઈ છે. તેના ભાગરુપે પહેલા સિટી વિસ્તારમાં ટોળા ભેગા થયા હતા. જેને અમે સમજાવટથી દૂર ખસેડી નાખ્યા હતા. તેના પછી 500થી 800નાં ટોળા ડિમોલિશનની સાઇટ તરફ જવા માગતા હતા. જેમાં અમે સમજાવટ કરી હતી પણ તે માનતા ન હતા અને પોલિસ પર પ્રેસર કરવા લાગ્યા હતા. જેના ભાગરુપે પોલિસે 2થી 3 ટીયર ગેસસેલ છોડ્યા અને ઉચિત બળપ્રયોગ કરીને ટોળાં વિખેરી નાખ્યા. ટોળાં ત્યાંના સિટીમાં ઘરે ચાલ્યા ગ્યાં છે. સિટીમાં પેટ્રોલિંગ અને પોલિસનાં પોઇન્ટસ્ ચાલું છે અને હાલમાં સ્થિતિ કન્ટ્રોલમાં છે.
પોલીસની ટોળા વિરૂદ્ધ કડક કાર્યવાહી
પોરબંદર શહેરમાં અજંપા ભરી શાંતિ વચ્ચે પોલીસનું સધન કોમ્બિંગ ચાલી રહ્યું હતું. જ્યાં ઇન્ચાર્જ રેન્જ આઇજી નિલેશ જાજડીયા પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને પોલીસ સ્ટાફને સાથે રાખીને ટોળામાં રહેલા લોકો વિરૂદ્ધ કડક કાર્યવાહી હાથ ધરી હતી. હાલ મેમણવાડા, ચુનાભઠ્ઠા, વીરડી પ્લોટ વિસ્તારોમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો અને હાલ પણ તોફાની તત્વોના આશ્રય સ્થાનો પર પોલીસનું કોમ્બિંગ યથાવત છે.
અધિક જિલ્લા મેજિસ્ટ્રેટે જાહેરનામું બહાર પાડ્યું
સમગ્ર પરીસ્થિતીને ધ્યાનમાં લઈને પોરબંદર અધિક જિલ્લા મેજિસ્ટ્રેટે જાહેરનામું બહાર પાડ્યું હતું. ઉલ્લેખનીય છે કે ગેરકાયદેસર દબાણ હટાવવાની કાર્યવાહીને લઈ કેટલાક વિસ્તારોમાં વિરોધ પ્રદર્શન થયું હતું અને ટોળાં રસ્તા પર નીકળી આવ્યાં હતાં. જેમાં કાયદો-વ્યવસ્થાની સ્થિતી જોખમાય એમ હોવાની પુરી શક્યતાને જોતાં જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છે, જે 04થી 10 ઓક્ટોબર સુધી અમલમાં રહેશે. નોંધનીય છે કે જાહેરનામામાં ચાર કરતા વધારે વ્યક્તિઓને એકઠા થવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.