લોકો ઇબાઇક તરફ વળ્યા:પોરબંદરમાં મહિને 250 થી વધુ ઇ-બાઇકનું વેંચાણ

પોરબંદરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નવરાત્રી અને દશેરામાં બાઇકનું વેંચાણ ઘટ્યું : પેટ્રોલ,ડીઝલનાં ભાવ વધતા લોકો ઇ-બાઇક તરફ વળ્યાં

કોરોનાને લીધે આવેલી અણધારી મંદી અને મંદી બાદ મોંઘવારીએ માઝા મુકી છે. પેટ્રોલ ડીઝલના ભાવ ભળકે બળી રહ્યા છે અને આ પરિસ્થિતિમાં પેટ્રોલવાળા બાઇક ચલાવવાના શોખીન પોરબંદરવાસીઓને હવે પેટ્રોલવાળા બાઇક ચલાવવા પરવળતા ન હોવાથી ના છૂટકે લોકો ઇબાઇક તરફ વળ્યા છે. પોરબંદરના લોકો વાહનો પાછળ અનોખો ક્રેઝ ધરાવે છે. ખાસ કરીને યુવાનો અવનવા બાઇક ખરીદવા હંમેશા તત્પર રહેતા હોય છે. પોરબંદરના યુવાનો બાઇકની ખરીદી કર્યા બાદ તેમાં પોતાને મનપસંદ આવે તેવું મોડીફીકેશન કરાવવામાં પણ મબલખ ખર્ચ કરે છે.

અત્યાર સુધી પોરબંદરમાં દર મહિને સરેરાશ 500 થી 600 જેટલા બાઇકનું વેચાણ થતું હતું તેમાંથી ગણ્યા ગાંઠયા બે-પાંચ બાઇક વેચાતા હતા પરંતુ તાજેતરમાં પેટ્રોલની કિંમત લીટર દીઠ રૂ. 100 ને આંબી જતા પેટ્રોલવાળા બાઇકના શોખીન પોરબંદરવાસીઓ ઇ-બાઇકની ખરીદી તરફ વળ્યા છે. જેના પરિણામે ઇબાઇકની ખરીદીમાં દિન-પ્રતિદિન વધારો થઇ રહ્યો છે. હાલમાં પોરબંદરમાં દર મહિને સરેરાશ 200 થી 250 જેટલા ઇબાઇકનું વેચાણ થઇ રહ્યું છે. કોરોના પહેલા પેટ્રોલ ડીઝલના ભાવ અત્યારના પ્રમાણમાં સસ્તા હતા.

ત્યારે પોરબંદરમાં 70 ટકા લોકો ફાઇનાન્સ કરાવી બાઇકની ખરીદી કરતા હતા પરંતુ હાલ લોકોને ધંધા રોજગાર પર માઠી અસર પહોંચી હોવાને લીધે લોકોને જીવન નીર્વાહ ચલાવવો મુશ્કેલ બની ગયો છે. આવી સ્થિતિમાં ફાઇનાન્સથી બાઇક ખરીદ્યા બાદ દર મહિને હપ્તા ભરવા લોકોને હવે પરવળતા ન હોવાથી બાઇકના વેચાણમાં આમ પણ 50 ટકા જેટલો ઘટાડો થયો છે અને તેમાં પણ હવે 30 ટકા લોકો જ ફાઇનાન્સથી બાઇકની ખરીદી કરી રહ્યા છે.

પોરબંદરમાં દર વર્ષે નવરાત્રી બાદ દશેરા પર એક શોરૂમમાં 100 થી 125 જેટલા બાઇકનું વેચાણ થતું હતું જેની સરખામણીમાં આ વર્ષે કોરોનાની આર્થિક થપાટ અને પેટ્રોલમાં થયેલા ભાવ વધારાને કારણે 1 શોરૂમમાં માંડ 50 જેટલા બાઇકોનું વેચાણ થયું હતું. તે ઉપરાંત આ ખરીદીમાં પણ ઇબાઇકનું વેચાણ વધી ગયું છે.

બાઇક પર જીએસટી ઘટાડવા માંગ
આજના યુગમાં બાઇક એ શોખ કે દેખાવનું સાધન રહ્યું નથી પરંતુ લોકો માટે જીવન જરૂરીયાતનું એક જરૂરી પરીબળ બની ગયું છે. જેથી સરકાર દ્વારા બાઇક પર 28 ટકા લેવાતો જીએસટી ઘટાડી દેવા લોકો દ્વારા માંગ કરવામાં આવી રહી છે.

0.25 કીલો વોટથી ઓછા ઇબાઇકને રજીસ્ટ્રેશનની જરૂર નથી
પોરબંદરવાસીઓ ઇબાઇક ખરીદવા તરફ વળી ગયા છે તેનું મુખ્ય કારણ પેટ્રોલની વધી રહેલી કિંમત છે તે ઉપરાંત અન્ય કારણોમાં 0.25 કીલોવોટ થી નીચેના ઇબાઇકમાં રજીસ્ટ્રેશન તેમજ લાયસન્સની જરૂર રહેતી ન હોવાનું કારણ પણ મુખ્ય છે.

અન્ય સમાચારો પણ છે...