તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

250 વિદ્યાર્થીઓ પુસ્તકોથી વંચિત:ખાનગી શાળામાંથી 1322થી વધુ છાત્રોએ સરકારી શાળામાં પ્રવેશ મેળવ્યો

પોરબંદર19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પોરબંદર જિલ્લામાં 1500થી વધુ પુસ્તકની ઘટ, સરકારી શાળાઓના શિક્ષકો દ્વારા શેરી શિક્ષણ શરુ કરાયું

પોરબંદર જિલ્લાની ખાનગી શાળા માંથી 1322થી વધુ છાત્રોએ સરકારી શાળામાં પ્રવેશ લેતા 250 છાત્રો પુસ્તકોથી વંચિત રહ્યા છે. જિલ્લામાં 1500થી વધુ પુસ્તકની ઘટ સર્જાણી છે. જિલ્લામાં સરકારી શાળાઓના શિક્ષકો દ્વારા શેરી શિક્ષણ શરૂ કરાયું છે. કોરોનાને પગલે પ્રત્યક્ષ શિક્ષણ બંધ છે. પોરબંદર જિલ્લામાં ઓનલાઇન શિક્ષણ ચાલુ છે અને નવા સત્રની શરૂઆત પહેલા પાઠ્યપુસ્તકો વિતરણ કરવામાં આવ્યા હતા. હાલ જિલ્લામાં 112 પ્રાથમિક શાળાઓ આવેલી છે અને ધો. 1 થી 8 ના કુલ 37645 વિધાર્થીઓ નોંધાયા છે.

ત્યારે હાલ 250 છાત્રો પાઠ્યપુસ્તકથી વંચિત રહ્યા છે. આ 250 વિધાર્થીઓને પાઠ્યપુસ્તક મળ્યા નથી. અંદાજે 1500 પુસ્તકોની ઘટ સર્જાણી હોવાનું શિક્ષણ વિભાગે જણાવ્યું છે. આ પુસ્તકોની ઘટ સર્જાણી તે અંગે શિક્ષણ વિભાગના સૂત્રોએ એવું જણાવ્યું હતું કે, સરકારી શાળાઓમાં વિનામૂલ્યે પાઠ્યપુસ્તક આપવામાં આવે છે અને સરકારી શાળાના વિદ્યાર્થીઓ અભ્યાસથી વંચિત ન રહે તે માટે નવું સત્ર શરૂ થાય તે પહેલા છાત્રોને પુસ્તકો મળી જાય તે હેતુથી ડિસેમ્બર માસમાં જ સરકારી શાળાના બાળકોની સંખ્યા મોકલાવી હતી અને એ આધારે સરકાર દ્વારા અંદાજે 2 લાખ પુસ્તકો આવ્યા હતા.

જેનું વિતરણ કરી દેવામાં આવ્યું છે. આ વખતે ખાનગી શાળા છોડીને 1322થી વધુ વિદ્યાર્થીઓએ સરકારી શાળામાં પ્રવેશ મેળવ્યો છે અને હજુ પ્રવેશ મેળવી રહ્યા છે જેથી આ ઘસારો થતા સંખ્યામાં વધારો થતાં પુસ્તકો ઘટયા છે. જે છાત્રો પાસે સ્માર્ટ મોબાઈલ ફોન નથી અને આવા છાત્રો અભ્યાસથી વંચિત ન રહે તે માટે શેરી શિક્ષણ શરૂ કરવામાં આવ્યું છે અને જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ તમામ સરકારી શાળાના આચાર્યોને શેરી શિક્ષણ શરૂ કરવા લેખિતમાં સૂચના આપી છે. હાલ તો જિલ્લાના પ્રાથમિક શાળાના 250 વિદ્યાર્થીઓ પાઠ્યપુસ્તકથી વંચિત રહ્યા છે.

જિલ્લાની પ્રાથમિક શાળાના ધોરણ વાઇઝ છાત્રોની સંખ્યા
જિલ્લામાં 312 પ્રાથમિક શાળાઓ આવેલી છે જેમાં ધો. 1મા 4388 છાત્રો, ધો. 2મા 4549, ધો. 3મા 4661, ધો. 4મા 4752, ધો. 5મા 4792, ધો. 6મા 5066, ધો. 7મા 4430 અને ધો. 8મા 5007 છાત્રો નોંધાયા છે.

ક્યારે પુસ્તકો મળશે?
આગામી ઓગસ્ટ માસ દરમ્યાન ઘટતા પાઠ્યપુસ્તકો આવી જશે. ઘટતા પાઠ્યપુસ્તકો માટે ની માહિતી ગાંધીનગર મોકલાવી છે.

પુસ્તકથી વંચિત રહેલા બાળકો કેવી રીતે શિક્ષણ મેળવે છે?
250 છાત્રોને પુસ્તક અપાયા નથી જેથી આવા છાત્રો પાસે જો સ્માર્ટ મોબાઈલ ફોન હોય તો તેઓ ગુજરાત બોર્ડની વેબસાઇટ એટલેકે પાઠ્યપુસ્તક મંડળની વેબ પરથી જેતે વિષયની પીડીએફ ડાઉનલોડ કરી અભ્યાસ કરી શકે ઉપરાંત શેરી શિક્ષણ શરૂ કર્યું છે અને જે છાત્રો પાસે પુસ્તક નથી તેઓ પાડોશમાં કે મિત્ર પાસેથી પુસ્તક લઈ અરસપરસ પુસ્તકનો ઉપીયોગ કરી શકે છે તેવું પ્રાથમિક શિક્ષણ વિભાગના કર્મીએ જણાવ્યું હતું.

ક્યાં વિષયના પુસ્તકોની ઘટ છે?
શિક્ષણ વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે એક કે બે વિષયના નહિ પરંતુ ધોરણ દીઠ વિષયના પુસ્તકોની ઘટ છે. જેમાં ધો. 3 થી 8ના પુસ્તકોની વધુ ઘટ છે.

અન્ય સમાચારો પણ છે...