બિસ્માર હાલત:મોકરસાગર વેટલેન્ડ પ્રાથમિક સુવિધાથી વંચિત

પોરબંદરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગોસાબારાથી મોકર સુધીના 5 કિલોમીટરના રસ્તાની બિસ્માર હાલત

પોરબંદર જીલ્લાના ગોસાબારા નજીક આવેલા મોકરસાગર વેટલેન્ડમાં શિયાળા દરમિયાન અંદાજે બે લાખથી પણ વધુ પક્ષીઓનો કલબલાટ સાંભળવા મળે છે. મોટી સંખ્યામાં અહીં પક્ષીઓ આવતા હોવાથી આ વેટલેન્ડ પક્ષીપ્રેમીઓ માટે અને વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફર સહિત પર્યાવરણ પ્રેમીઓ, નગરજનો અને પર્યટકો માટે મહત્વનો પોઇન્ટ છે. પરંતુ આ વિસ્તારમાં આવા જવાના રસ્તા તેમજ સ્ટ્રેટ લાઈટ સહિતની પ્રાથમિક સુવિધાઓ બિસ્માર થઇ ગઇ હોવાથી પક્ષી પ્રેમીઓ અને પર્યાવરણ પ્રેમીઓમાં પ્રાથમિક સુવિધાઓ ઉભી કરવાની માંગ ઉઠી છે.

પોરબંદરને પક્ષી નગરીની ઉપમા આપવામાં આવી છે, કારણ કે અહીં દેશ વિદેશના લાખો પક્ષીઓ શિયાળા દરમિયાન જુદા જુદા વેટલેન્ડ ઉપર ઉતરી આવે છે. ઉપરાંત બારેમાસ સ્થાનિક અને પ્રવાસી પક્ષીઓની જીવસૃષ્ટિથી પોરબંદર ધબકતું રહે છે.

જેમાં પોરબંદરના ગોસાબારા નજીક આવેલ મોકરસાગર વેટલેન્ડ અલગ જ મહત્વ ધરાવે છે. જ્યાં માત્ર શિયાળા દરમિયાન જ બે લાખથી વધુ માઈગ્રેડ બર્ડ્સ અમુક મહિનાઓ સુધી વસવાટ કરે છે, પણ પક્ષી સૃષ્ટિ માટે ખૂબ જ મહત્વના ગણાતા આ સ્થળના જતન અને જાળવણી તથા વિકાસમાં ઉદાસીનતાને લીધે અહીં ફરવા આવતા પર્યટકો સહિત પક્ષી પ્રેમીઓની લાગણી દુભાઇ રહી છે. પોરબંદરના ગોસાબારાથી મોકર સાગર થઈને મોકર ગામ સુધી જતો રસ્તો અત્યંત બિસ્માર હાલતમાં છે. વર્ષો પહેલા બનાવેલ સિમેન્ટ રોડનું હવે ક્યાંય અસ્તિત્વ જોવા મળતું નથી. આ રસ્તા પરથી રાહદારીઓને પસાર થવું મુશ્કેલ બની રહ્યું છે અને અહીં પાંચ કિલોમીટર સુધી રોડ ઉપર સ્ટ્રીટ લાઈટની કોઈ સુવિધા ઉપલબ્ધ નથી. જેના કારણે રાત્રિના સમયે લોકોને અવરજવરમાં મુશ્કેલી પડે છે.

ખારા મીઠા જળસ્ત્રોત હોવાના લીધે પક્ષીઓને માફક આવે છે
પોરબંદરના ગોસાબારાથી મોકરસાગર સુધીના વેટલેન્ડ પર ખારા અને મીઠા પીણાના જળસ્ત્રોત આવેલા છે જે પક્ષીઓની અનેક પ્રજાતિઓને માફક આવે છે તેથી અહીં દેશી ઉપરાંત વિદેશી પક્ષીઓને વસવાટ કરવો માફક આવે છે. વળી અહીં છીછરા જળમાં પક્ષીઓને માછલીનો ખોરાક સરળતાથી મળી રહે છે તો અમુક પક્ષીઓને આ વિસ્તારની આસપાસ ખેતરોમાં થતી મગફળીનો ખોરાક માફક આવે છે.

બર્ડ વોચિંગ ટાવર ખંઢેર હાલતમાં ફેરવાયો
વર્ષો પહેલા અહીં પક્ષી પ્રેમીઓની વિનંતીને લીધે મોકરસાગર બર્ડ વોચિંગ ટાવરનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. પરંતુ લોકાર્પણ બાદ બર્ડ વોચિંગ ટાવરના જતન અને જાળવણીના અભાવને લીધે હાલ આ ટાવર ખંઢેર હાલતમાં ફેરવાઈ ગયો છે, અને પક્ષીઓની માહિતી આપતા બોર્ડ પણ ગાયબ થઈ ગયા છે.

અન્ય સમાચારો પણ છે...