મોબાઈલ ચોર ઝડપાયા:પોરબંદરમાં મોબાઇલ સ્નેચિંગ કરતી ગેંગનો થયો પર્દાફાશ, આરોપીઓએ 6 ગુનાની કબુલાત આપી

પોરબંદર24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગેંગના સભ્યોની ઉંમર જોતા તેઓ માત્ર 20થી 22 વર્ષના જણાય આવે છે
  • સીસીટીવીની તપાસ હાથ ધરાતા ત્રણ ઈસમો જોવા મળ્યા હતા

પોરબંદર શહેરમાં છેલ્લા થોડા દિવસોથી રાહદારીઓના હાથમાંથી ધોળા દિવસે મોબાઈલ સ્નેચિંગની ઘટનાઓ સામે આવતા મોબાઈલ સ્નેચિંગ કરતી ટોળકીને ઝડપી પાડવા તપાસનો ધમધમાટ શરુ કર્યો હતો. કીર્તિમંદિર પોલીસ સ્ટેશનમાં મોબાઈલ સ્નેચીંગની પ્રથમ ફરિયાદ ગત તારીખ 10 જુલાઈના રોજ સામે આવી હતી. જેમાં શહેરના સુતારવાડા નાગ દેવતાના મંદિર પાસેથી દિવ્યાંગ વ્યક્તિનો મોબાઇલ જુટવી મોબાઈલ સ્નેચિંગ ગેંગ નાસી છૂટી હતી. કીર્તિમંદિર પોલીસ સ્ટેશનનો સ્ટાફ આ ઘટનાનો ભેદ ઉકેલ તે પૂર્વે જ 18 જુલાઈના રોજ શહેરના જમાદાર ફળીયા વિસ્તારમાંથી પણ એક જ એમઓથી એક સગીર બાળકનો મોબાઇલ સ્નેચિંગની ઘટના બની હતી.

મોબાઈલ સ્નેચીંગની 6 ગુનાઓની કબુલાત કરી
પોલીસને આ કોઈ એક જ ગેંગ આ ઘટનાઓને અંજામ આપતી હોવાની શંકા જતાં જિલ્લા પોલીસવડાની સુચનાથી પોરબંદરના તમામ પોલીસ સ્ટેશનના તમામ પોલીસ સ્ટેશનની અલગ-અલગ ટીમો બનાવવામાં આવી હતી. તેમજ નેત્રમ પ્રોજેક્ટ અને ટ્રાફીકની ટીમો બનાવવાની સાથે શહેરના તમામ સીસીટીવીની તપાસ હાથ ધરાતા મોબાઈલ સ્નેચીંગ કરતા ત્રણ ઈસમો સીસીટીવીમાં જોવા મળ્યા હતા. જેના આધારે પોલીસે 22 વર્ષીય જયદીપ બાબુ ચાવડા, 21 વર્ષિય ઈરફાન ઉર્ફે ઇફલો બાઠીયો ઇકબાલ રૂંજા તેમજ 20 વર્ષિય અકીલ ગુલામહુશેન શેખને ઝડપી પાડ્યા હતા. આ ત્રણેય શખ્સોએ મોબાઈલ સ્નેચીંગની માત્ર બે ઘટનાઓ નહિં પરંતુ મોબાઈલ સ્નેચીંગની 6 ગુનાઓની કબુલાત કરી હતી.

સ્નેચીંગ કરેલા મોબાઈલને ફોરમેટ મારી વહેંચી દેતા હતા
પોતાના મોજશોખ માટે શહેરના રાહદારીઓના મોબાઈલ સ્નેચિંગ કરનાર આ ગેંગના સભ્યોની ઉંમર જોતા તેઓ માત્ર 20થી 22 વર્ષના જણાય આવે છે. આ ઉમરે એક-બે નહી પરંતુ છ જેટલી આવી મોબાઈલ સ્નેચીંગની ઘટનાઓને અંજામ આપનાર આ શાતીર આરોપીઓ દ્વારા જે મોબાઈલ સ્નેચિંગ કરવામાં આવતા હતા તે મોબાઈલોનું પછી તેઓ શુ કરતા હતા તે અંગે સીટી ડીવાયએસપીએ જાણકારી આપતા જણાવ્યુ હતુ કે, પ્રાથમિક તપાસમાં આરોપીઓએ એવુ જણાવ્યુ કે જે મોબાઈલ તેઓ સ્નેચીંગ કરતા હતા તે મોબાઈલને તેઓ ફોરમેટ મારી મોબાઈલ વહેંચી દેતા હતા. કીર્તિમંદિર પોલીસે હાલ તો આરોપીઓએ આ સિવાય અન્ય કોઈ જગ્યાએ મોબાઈલ સ્નેચીંગની ઘટનાઓને અંજામ​​​​​​​ આપ્યો છે કે કેમ તેમજ તેઓ સાથે આ સ્નેચીંગની ઘટનાઓમાં અન્ય કોઈ ઈસમો સંકળાયેલ છે કે કેમ તે અંગે પણ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...