મેઘમહેર:પોરબંદર જિલ્લામાં મેઘરાજાએ હેત વરસાવ્યું, ભાદર નદીમાં ઘોડાપૂર, પોરબંદરમાં દોઢ ઇંચ, રાણાવાવમાં 2 ઇંચ વરસાદ વરસ્યો

પોરબંદરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કુતિયાણામાં 3 ઇંચ વરસાદ, ભાદર 2 ડેમના દરવાજા ખોલવામાં આવતા લોકોને સાવચેત કરવામાં આવ્યા
  • ભાદર કાંઠાના ગામોમાં હાઈ એલર્ટ, પ્રાંત અધિકારી, મામલતદાર, તલાટીઓને હેડ ક્વાર્ટર ન છોડવા સુચના અપાઈ

કુતિયાણામા 3 ઇંચ વરસાદ પડ્યો છે. ભાદર 2 ડેમના દરવાજા ખોલવામાં આવતા લોકોને સાવચેત કરાયા છે. ભાદર કાંઠાના ગામોમાં હાઈ એલર્ટ કરવામાં આવ્યા છે તેમજ પ્રાંત અધિકારી, મામલતદાર, તલાટીઓને હેડ ક્વાર્ટર ન છોડવા સૂચના અપાઈ છે. ભાદર નદીમા ઘોડાપૂર આવ્યા છે. પોરબંદરમાં દોઢ ઇંચ અને રાણાવાવમાં 2 ઇંચ વરસાદ નોંધાયો છે. પાણીની આવક વધતા પોરબંદર જૂનાગઢ રસ્તો બંધ થયો છે.

પોરબંદર જિલ્લામાં રહીરહીને મેઘરાજાએ મહેર વરસાવી છે. ત્યારે ગઈકાલે સોમવારે રાત્રે 10 વાગ્યાથી પોરબંદરમાં ધીમીધારે વરસાદ વરસતા મંગળવારે શાંજ સુધીમાં દોઢ ઇંચ વરસાદ વરસી ગયો છે જ્યારે રાણાવાવમાં 2 ઇંચ વરસાદ નોંધાયો છે. કુતિયાણા પંથકમાં ગઈકાલે વરસાદ નજીવો વરસ્યો હતો પરંતુ મેઘરાજાએ કુતિયાણા પંથકમાં હેત વરસાવતા 3 ઇંચ વરસાદ પડ્યો છે. હાલ પણ વરસાદ વરસવાનું ચાલુ છે. ઉપરવાસમા ભારે વરસાદને લીધે પાણીની સતત આવક ચાલુ છે જેના પગલે ભાદર ડેમના દરવાજા ખોલવામાં આવતા તંત્ર દ્વારા પોરબંદર જિલ્લાના ભાદર કાંઠાના ગામોને હાઈ એલર્ટ કરવામાં આવ્યા છે. કલેક્ટર અશોક શર્માએ ડિઝાસ્ટર મેનેજમેન્ટ શાખાના સંબંધિત અધિકારીઓ તેમજ સંબંધિત ગામોના કર્મચારી, પ્રાંત અધિકારી મામલતદારને પણ જરૂરી કામગીરી તેમજ લોકોને સાવચેત કરવા જણાવ્યું છે અને હેડ કવાર્ટર ન છોડવા સુચના આપવામાં આવી છે.કુતિયાણા તાલુકાના રોઘડા, ચૌટા, થેપડા, માંડવા, કટવાણા, કુતિયાણા, પસવાડી, સેગરસ, ભોગસર, છત્રાવા જયારે પોરબંદર તાલુકાના ગરેજ, ચીકાસા, નવીબંદર અને મીત્રાળા ગામના લોકોને નદીના પટમાં અવરજવર નહીં કરવા અને સાવચેત રહેવા સૂચના આપવામાં આવેલ છે. મહત્વની વાત એ છે કે ઉપરવાસમાં ભારે વરસાદને પગલે વેણુ, મોજ અને ભાદર ડેમનું પાણી છોડવામાં આવતા આ પાણીની આવક ભાદર નદીમાં થતા ભાદર નદી ગાંડીતૂર બની છે. ભાદર નદીમાં ઘોડાપૂર આવ્યું છે. ભાદર કાંઠાના અનેક ગામોમાં પાણી ફરી વળ્યાં છે અને કેટલાક મકાનોમાં પાણી ઘુસી ગયા છે. પાણીની આવક વધતા પોરબંદરથી જૂનાગઢ સ્ટેટ હાઇવે બંધ થયો છે. ડેમમાં પાણીની આવક થતા ડેમનું પાણી છોડવામાં આવતા કુતિયાણાના ચૌટા, સરાડીયા થેપડા રસ્તે પાણી ભરાતા જૂનાગઢ સુધીનો રસ્તો બંધ થયો છે.

કુતિયાણાથી મહિયારી જતો 14 ગામને જોડતો રસ્તો બંધ
ઉપરવાસ માંથી પાણીની વધુ આવક થતા કુતિયાણાથી મહિયારી જતો રસ્તો જે 14 ગામોને જોડે છે આ રસ્તા પર પાણી ફરી વળતા આ રસ્તો બંધ થયો છે.

રહેણાંક મકાનાોમાં વરસાદી પાણી ઘુસ્યા
ઉપરવાસમા ભારે વરસાદને પગલે કુતિયાણાના વાડી વિસ્તારોમાં પાણી ફરી વળતા ઘરોમાં પાણી ઘુસી ગયા છે અને અનાજ સહિતની ઘરવખરીની ચીજો પાણીમાં ડૂબી ગઈ છે. હજુ પાણીની આવક ચાલુ હોવાનું જાણવા મળે છે.

નીચાણવાળા વિસ્તારના 224 લોકોને સલામત સ્થળે ખસેડાયા
ઉપરવાસ માંથી પાણીની આવક વધતા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા થેપડા ગામમા 40 લોકો, માંડવામા 5, કાંસાબડમા 105 લોકોને ગામની પ્રાથમિક શાળામાં સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. જ્યારે ગરેજ ગામમાં 21 લોકો અને ચીકાસામા 8 તેમજ રબારી કેડામાં લોકોને સલામત સ્થળે ખસેડવાની કામગીરી ચાલુ છે.

ચૌટાથી જૂનાગઢ તરફના રસ્તે બેરીકેટ મુકાયા
પાણીની આવક થતા રસ્તા પર પાણી ફરી વળતા જૂનાગઢ તરફનો રસ્તો બંધ કરવામાં આવ્યો છે ત્યારે ચૌટા થી જૂનાગઢ તરફ જતા રસ્તે બેરીકેટ મૂકી રસ્તો બંધ કરી પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.

અન્ય સમાચારો પણ છે...