ખેડૂતો ચિંતીત:કોરોનાના કહેર વચ્ચે પોરબંદરમાં માવઠાની આગાહી

પોરબંદર12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કૃષિલક્ષી સાવધાની રાખવા કૃષિ વિભાગે ગાઇડલાઇન જાહેર કરી

સમગ્ર દેશ અને રાજ્યોમાં કોરોનાના કેસની સંખ્યા વધી છે ત્યારે હવામાન વિભાગ દ્વારા માવઠાની આગાહી કરવામાં આવતા ખેડૂતો ભારે મુશ્કેલીમાં મુકાઇ ગયા છે. રાજ્યના હવામાન વિભાગ દ્વારા આગામી તારીખ 6 અને 7 જાન્યુઆરી દરમિયાન કમોસમી વરસાદ અથવા તો માવઠાની આગાહી કરવામાં આવતા પોરબંદર જિલ્લાના ખેડૂતો ચિંતામાં મુકાઈ ગયા છે. જો કે ખેતીવાડી વિભાગ દ્વારા આ સ્થિતિને લઈને કૃષિલક્ષી સાવધાની રાખવા માટે એક ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે અને તેમાં મુખ્યત્વે શિયાળુ પાકોમા પિયત આપવાની કામગીરી મુલતવી રાખવા સહિતની સૂચનાઓ આપવામાં આવી છે.

હવામાન વિભાગ દ્વારા એવી આગાહી કરવામાં આવી છે કે ગુજરાતના સૌરાષ્ટ્ર પ્રાંતના પોરબંદર, દેવભૂમિ દ્વારકા, જામનગર, રાજકોટ, મોરબી અને સુરેન્દ્રનગર સહિતના જિલ્લાઓના અમુક વિસ્તારોમાં તારીખ 6 થી 7 જાન્યુઆરી દરમિયાન હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે.

આ સંભાવનાને ધ્યાને લઇ કૃષિ સલાહ આપવામાં આવી રહી છે કે શિયાળુ પાકોમાં આ સમય દરમ્યાન પીયત આપવાની કામગીરી મુલતવી રાખવી. એટલું જ નહીં શિયાળુ પાકમાં દવા અને ખાતરની કામગીરી પણ મોકૂફ રાખી દેવી. પશુઓને સલામત જગ્યાએ રાખવા તેમજ આ સમય દરમિયાન ઉભા પાકમાં કોઈપણ પ્રકારની દવાઓ અને ખાતરનો છંટકાવ કરવો નહીં. આ સમય દરમ્યાન વેચાણ માટે ખેતપેદાશો માર્કેટિંગ યાર્ડ માં લઇ જવાનું પણ મુલતવી રાખવા સહિતની સુચનાઓ આપવામાં આવી રહી છે.

અન્ય સમાચારો પણ છે...