વાતાવરણ:પોરબંદરમાં માવઠાનો માહોલ નબળો પડ્યો, 75 ટકા ભેજનું પ્રમાણ રહ્યું

પોરબંદર11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • લઘુતમ તાપમાન 22.3 ડિગ્રીએ પહોચ્યું, બપોરે ગરમી અને રાત્રે ઠંડીનો ચમકારો

પોરબંદરમાં માવઠાનો માહોલ ઠંડો પડ્યો છે. લઘુતમ તાપમાન 22.3 ડિગ્રીએ પહોચ્યું છે. બપોરે ગરમી અને રાત્રે ઠંડીનો ચમકારો જોવા મળે છે. સૌરાષ્ટ્રમાં માવઠાની આગાહીને પગલે પોરબંદરમાં બે દિવસથી વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. વરસાદી વાતાવરણ વચ્ચે માવઠાના એંધાણ વર્તાયા હતા. શનિવારે સવારથી જ માવઠાનો માહોલ નબળો પડ્યો છે અને વાતાવરણ પણ સ્વરછ બન્યું છે ત્યારે મહત્તમ તાપમાન 31 ડિગ્રી અને લઘુતમ તાપમાન 22.3 ડિગ્રીએ પહોચ્યું છે. અત્રે ઉલ્લેખનીય છેકે, દરિયાકાંઠે ભેજનું પ્રમાણ વધુ હોવાથી લઘુતમ 20 ડિગ્રીની નીચે તાપમાન પહોંચે ત્યારે ઠંડીનો ચમકારો થાય છે.

10 દિવસ પહેલા લઘુતમ તાપમાન 20 ડિગ્રીથી નીચે પહોચ્યું હતું. પરંતુ વાતાવરણમાં પલટો આવતા તાપમાન 20 ડિગ્રીથી ઉચકાયું છે. 18 તારીખે મહત્તમ તાપમાન 34 ડિગ્રી અને લઘુતમ તાપમાન 23.4 ડિગ્રી નોંધાયું હતું. હાલ લઘુતમ 22.3 ડિગ્રી તાપમાન રહ્યું છે ત્યારે બપોરે ગરમી નો અહેસાસ થાય છે અને રાત્રીના ઠંડીનો અહેસાસ લોકો અનુભવી રહ્યા છે. વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધતા લોકો ઠંડીનો અહેસાસ કરી રહ્યા છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ બે દિવસ પૂર્વે હવામાં ભેજનું પ્રમાણ 45 ટકા હતું જ્યારે શુક્રવારે હવામાં ભેજનું પ્રમાણ 80 ટકા હતું. શનિવારે 75 ટકા હવામાં ભેજનું પ્રમાણ રહ્યું હતું.

ભેજ વધતા માથાના દુખાવા ફરિયાદ વધી
પોરબંદરમાં વાતાવરણમાં પલટો અને ભેજનું પ્રમાણ વધુ રહેતા મોટાભાગના લોકોને શરદી અને માથાનો દુખાવો રહ્યો હોવાનું જાણવા મળ્યું હતું. તબીબોએ પણ જણાવ્યું હતું કે ભેજના કારણે માથાના દુખાવા, હાથપગમા દુઃખવા અને શરદી જેવા લક્ષણો જોવા મળતા હોય છે. ખાસ કરીને વૃદ્ધો અને એલર્જીની બીમારી હોય તેવા દર્દીઓને ભેજની વધુ અસર પડે છે.

અન્ય સમાચારો પણ છે...