ઉત્સાહ:શેરી ગરબામાં માતાજીના પ્રાચીન ગરબાની ધૂમ મચી

પોરબંદર17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નવરાત્રીના શુભારંભે પોરબંદરવાસીઓમાં અનેરો ઉત્સાહ : માતાજીની આરાધના કરવામાં આવી

નવરાત્રીના શુભારંભે લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. શેરી ગરબાના આયોજનમાં માતાજીના પ્રાચીન ગરબાની ધૂમ ચાલી છે.નવરાત્રીમા માઁની આરાધના કરવા પોરબંદર વાસીઓએ તૈયારી કરી છે. પ્રથમ નવરાત્રી નો શુભારંભ થયો છે ત્યારે લોકોએ માઁની પૂજા અર્ચના કરી ભક્તિમાં મગ્ન થયા છે. આ વખતે 400 લોકોની મર્યાદામાં શેરી ગરબાના આયોજનની છૂટ આપવામાં આવી છે. ત્યારે શહેરમાં વિવિધ સ્થળોએ શેરી ગરબાનું આયોજન થયું છે. માતાજીના પ્રાચીન ગરબાઓની ધૂમ વચ્ચે બાળાઓએ રાસ રમ્યો હતો.

પોરબંદરમાં જ્યારે અર્વાચીન રાસોત્સવના આયોજન ન થતા હતા ત્યારે વાડિપ્લોટ ખાતે મઢુલીએ ખેલૈયાઓ મન મુકીને રાસ રમતા હતા. વાડિપ્લોટ, વાધેશ્વરી પ્લોટ સહિતની ગરબીઓમાં ખેલૈયાઓ રાસ લેતા હતા. અર્વાચીન રાસોત્સવ થતા શેરી ગરબીઓ ખાતે સંખ્યા ઓછી જોવા મળતી હતી. આ વખતે કોરોનાને પગલે શેરી ગરબી ની છૂટ મળી છે અને અર્વાચીન રાસોત્સવના આયોજનને મંજૂરી નથી મળી જેથી શહેરમાં શેરી ગરબીઓ ખાતે લોકોનું ધ્યાન કેન્દ્રિત થયું છે. શેરી ગરબીમા સાચા અર્થમાં ગુજરાતી પ્રાચીન ગીતો અને ડાકલા, માતાજીના ગરબા સાથે માઁની આરાધના થઈ રહી છે.

97 વર્ષથી ભદ્રકાળી માતાના મંદિરે પુરૂષો માટે ગરબી થાય છે
પોરબંદરમાં ભદ્રકાળી માતાના મંદિર ના પટાંગણમાં 97 વર્ષથી માત્ર પુરુષો માટે ગરબીનું આયોજન થાય છે. પુરુષોએ ફરજીયાત ટોપી પહેરી ગરબે રમવાનું હોય છે. અહીં ધ્વનિ પ્રદુષણ મુક્ત આ ગરબી યોજાઈ છે. ભગવાનના પોશાક પહેરીને અમુક પુરુષો એકતાલે ગરબા રમે છે.

અર્વાચીન રાસોત્સવ ન યોજાતા ભાડે ડ્રેસ આપનાર ધારકોને મંદી
અર્વાચીન રાસોત્સવ યોજાતા હતા ત્યારે ખેલૈયાઓ ડ્રેસિંગ પહેરીને રમતા હતા અને આ ડ્રેસ રૂ. 500 થી 3000 સુધીના એક દિવસના ભાડા હતા. આ વખતે પણ અર્વાચીન રાસોત્સવ ન યોજાતા ડ્રેસ ભાડે આપનાર ધારકો ત્રણ વર્ષથી મંદીના માહોલ માંથી પસાર થઈ રહ્યા છે.

શેરી ગરબીઓને લોકોએ બિરદાવી
શહેરમાં કેટલાક અર્વાચીન રાસોત્સવમા ગુજરાતી ગીતો, ગરબાઓ સાથે હિન્દી ફિલ્મી ગીતો ગાવામાં આવતા હતા અને હિન્દી ફિલ્મોના ગીતો સાથે ખેલૈયાઓને રાસ લેવો પડતો હતો. આ વખતે અર્વાચીન રાસોત્સવ ન થતા હિન્દી ગીતો ને બદલે સંસ્કૃતિને ઉજાગર કરતા શોર્ય ગીતો અને માતાજીના ગરબા સાંભળવાનો લ્હાવો મળશે.

અન્ય સમાચારો પણ છે...