પોરબંદરમાં દાયકાઓથી સ્વામી દયાનંદ સરસ્વતી અને મહાત્મા ગાંધીના વિચારો પર ચાલતી શિસ્ત, સંસ્કાર અને શિક્ષણના સમન્વય સમી ગુરુકુળ મહિલા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં વિશ્વ કલ્યાણ અર્થે તેમજ વિદાય લેતી તૃતીય વર્ષ બી.એ., બી.કોમની વિદ્યાર્થીનીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે કોલેજના આચાર્ય તેમજ આર્ય કન્યા ગુરુકુળના માનદ્ પ્રોવોસ્ટ ડો.અનુપમ નાગરની પ્રેરણા અને ઉદ્દીપનથી ઉપાચાર્યા તેમજ હોમ-સાયન્સ વિભાગના વડા પ્રો.રોહિણીબા જાડેજાના માર્ગદર્શન હેઠળ મહાયજ્ઞ યોજાયો હતો.
જેમાં સમૂહ પ્રાર્થના બાદ વિદ્યાર્થીનીઓ તથા બધા જ પ્રાધ્યાપકોએ વૈદિક મંત્રોથી પ્રાતઃ સંધ્યા કર્યા બાદ ઋગ્વેદ તેમજ યજુર્વેદના મંત્રોચ્ચાર વડે આહુતિ આપી વિધિવત રીતે હવન કર્યો હતો. આ હવનથી સમગ્ર વિશ્વનું કલ્યાણ થાય તેમજ તૃતીય વર્ષ બી.એ,બી.કોમમાંથી વિદાય લેતી વિદ્યાર્થીની બહેનોનું ભવિષ્ય ઉજ્જવળ થાય અને તેઓની મહેનતથી તેઓ પોતાનું, પોતાના માતા-પિતાનું અને કોલેજનું નામ ઉજ્જવળ કરે તેવી અભ્યર્થના વ્યક્ત થઈ હતી.
કાર્યક્રમનું સંચાલન કોલેજના ઉપાચાર્યા પ્રો.રોહિણીબા જાડેજાએ કરેલું. આ યજ્ઞ કાર્યને સફળ બનાવવામાં અંગ્રેજી વિભાગના મુલાકાતી વ્યાખ્યાતા કુ.અદિતી દવે તેમજ પ્રતિનિધિ વિદ્યાર્થીનીઓએ જહેમત ઉઠાવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.