પોરબંદર નજીક દરિયાકાંઠે તા. 30 માર્ચથી તા. 3 એપ્રિલ સુધી યોજાનાર માધવપુર ઘેડનો મેળો અનેરો આધ્યાત્મિક ઇતિહાસ ધરાવે છે. ભારત વર્ષના પશ્ચિમે ભગવાન દ્વારકાધીશ અને ભારતના ઉત્તર પૂર્વના માતા રુક્ષ્મણીના વિવાહ સ્થળ તરીકે બે સંસ્કૃતિના અનુબંધને ઉજાગર કરતું માધવપુર સદીઓથી આધ્યાત્મિક ચેતનાનું કેન્દ્ર રહ્યું છે. તે પણ લાખો ભાવિકો માટે ગૌરવ ગાથા સમાન છે.
કૃષ્ણ અવતાર અને વિષ્ણુ અવતારથી માધવપુરનો ઇતિહાસ અટકી જતો નથી. તેનાથી આગળ કદંમ ઋષિનો કુંડ જે કદમ કુંડથી ઓળખાય છે તે સૌથી જૂનો છે. ભગવાન શ્રી કૃષ્ણ રુકમણીના વિવાહ પ્રસંગની કથા અનુસાર આ કુંડમાં શ્રીકૃષ્ણ અને રૂક્ષ્મણીએ સ્નાન કરી પીઠી ઉતારી હતી. અહીં મહાપ્રભુજીની 84 બેઠકોમાંથી 66મી બેઠક પણ આવેલી છે. મહાપ્રભુજીએ અહીં કથા કરેલી છે અને વૈષ્ણવ ભક્તો શ્રદ્ધાથી આ જગ્યાના દર્શન કરે છે. આમ ભગવાન શ્રીકૃષ્ણના વિવાહ સ્થળ મધુવનની નજીક જ આ જગ્યા પણ અનેરૂ મહત્વ ધરાવે છે.
દરિયામાંથી મળેલું 12મી સદીનું કે જેમાં સ્થાપના તારીખ પણ મળે છે 1101ની તે વિષ્ણુ મંદિરના બાર શાખમાં ભગવાનના દશાવતારની કોતરણી છે. વર્ષો સુધી દરિયામાં રહેવાના લીધે તેમજ દરિયાઈ અસરને લીધે આ મંદિર જીર્ણ થયું છે, પરંતુ તેના ગવાક્ષ (ગોખલો)માં જે શિલ્પકામ છે અને તે મૂર્તિઓ ભારતની યુનિક મૂર્તિઓ ગણાય છે.
પોરબંદરના ઇતિહાસકાર નરોતમ પલાણ કહે છે કે, આ જૂના મંદિરમાં આઠ હાથવાળા કૃષ્ણની પ્રતિમા છે. આમ તેમાં વિષ્ણુ સ્વરૂપ પણ છે. એક હાથમાં વેણુ બીજા હાથમાં ગાયો એમ અષ્ટભૂજાધારી આવી પ્રતિમા લગભગ ભારતમાં બીજે ક્યાંય મળતી નથી. ગુજરાતમાં તો નથી જ. વધુમાં તેઓ કહે છે કે, માધવરાયજીના મંદિરમાં જે બિરાજે છે તે માધવરાયજીની અને બલરામજીની વિશાળ મૂર્તિઓના સ્વરૂપો શું દર્શાવે છે?. આ દિવ્ય મોટી મૂર્તિઓ આદિ ગુરુ રામાનુજાચાર્યની યાદ અપાવે છે. દક્ષિણ ભારતના તમિલનાડુમાં જન્મેલા વૈષ્ણવ ભક્તિમાર્ગના આદિ ગુરૂ રામાનુજાચાર્ય માધવપુર પધાર્યા હોવાના શીલાલેખીય પુરાવાઓ પણ અહી મળે છે. આઠમી સદીના ગોરખનાથનું સ્મારક મંદિર પણ આવેલું છે. અહીં બાજુમાં જ લકુલીશ ભગવાનની મૂર્તિ છે જે શિવજીનો 28મો અવતાર ગણાય છે. નીલકંઠ મહાદેવ મંદિરની બાજુમાં આવેલા બે ભોયરા પણ ઇતિહાસના અભ્યાસો માટે રસનો વિષય છે. 1907માં લખાયેલા એક પુસ્તકમાં કે જેની જૂજ આવૃત્તિ અત્યારે જોવા મળે છે. તેમાં અભ્યાસુ એવા સ્વ.ચુનીલાલ કાપડિયા લખે છે કે, આ ગુફા સંભવત બોધકાલીન લાગે છે.
આમ માધવપુર મહાભારતમાં છે તેમ સ્કંદપુરાણમાં માધવપુરની વિગતવાર માહિતી મળે છે. તો માધવપુર ભક્તિ આંદોલનનું એક કેન્દ્ર પણ છે. માધવપુર શ્રી કૃષ્ણ ભક્તિ-પુષ્ટિમાર્ગમાં છે તો માધવપુર ભક્તિ માર્ગના આદિ ગુરુ રામાનુજની ભક્તિના દાર્શનિક રસના દર્શનમાં પણ છે. તો બીજી બાજુ માધવપુર વૈરાગ્યના માર્ગે અલખના ઓટલે પણ છે. અહીં પૂર્વથી પશ્ચિમની સાથે હરિથી હરનું પણ અનુબંધ છે.
માધવપુર ઘેડમાં ભગવાન શ્રી કૃષ્ણ અને રૂક્ષ્મણીના વિવાહ પ્રસંગની યાદમાં દર વર્ષે યોજાતા માધવપુર ઘેડના મેળામાં આવતા ભાવિકો માધવપુરના અતિ પૌરાણિક સ્મારકો તીર્થ સ્થળોના દર્શન કરી તેને નિહાળી ધન્યતા અનુભવે છે. માધવપુરની સાંસ્કૃતિક વિરાસતને ઉજાગર કરવા ગુજરાત અને ભારત સરકાર દ્વારા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. પૌરાણિક રૂક્ષ્મણી મંદિર પરિસરમાં પણ પૌરાણિક ગરિમાને જાળવી રાખીને યાત્રિક લક્ષી સુવિધાના કામો પણ હાથ ધરવામાં આવનાર છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.