ગેસમાં ભાવ વધારો:LPG ગેસ સિલિન્ડર રૂા.1,125, 19 કિલોના સિલિન્ડર રૂા. 2,150

પોરબંદરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • રાંધણ ગેસમાં રૂા.50 અને કોમર્શિયલ ગેસ સિલિન્ડરમાં રૂા. 350નો ભાવ વધારો
  • સામાન્ય અને મધ્યમ વર્ગના લોકોના બજેટ પર બોજ વધ્યો

રાંધણ ગેસમાં રૂ.50 અને કોમર્શિયલ ગેસ સિલિન્ડરમાં રૂ. 350નો ભાવ વધારો કરવામાં આવ્યો છે ત્યારે સામાન્ય અને મધ્યમ વર્ગના લોકોના બજેટ પર બોજ વધ્યો છે. શહેરમાં LPG ગેસ સિલિન્ડરના રૂ. 1,125 થયા અને 19 કિલોના સિલિન્ડરના રૂ. 2,150 થયા છે.

સરકાર સતતને સતત રાંધણગેસના ભાવમાં વધારો કરી રહી છે. વધતી જતી મોંઘવારીમાં ઘરેલું ગેસ સીલીન્ડરમાં રૂ.50નો વધારો ગૃહિણીઓ માટે પડ્યા પર પાટું સમાન સાબિત થશે. માટે 8 માસ પહેલા રાંધણ ગેસના ભાવમાં વધારો થયો હતો. 8 માસ બાદ ફરી રાંધણ ગેસ સિલિન્ડર માં રૂ. 50 નો વધારો કરવામાં આવતા જે સિલિન્ડર રૂ. 1075 માં મળતા હતા તેના 1125 રૂપિયા થયા છે અને કોમર્શિયલ ગેસ સિલિન્ડર પહેલા રૂ.1,800માં આવતો હતો તેના રૂ. 2,150 થયા છે.

જેથી ખાણીપીણીના વેપારીઓ પણ ભાવ વધારો કરશે જેથી ગ્રાહકોને આ ભાવ વધારો સહન કરવાનો વારો આવશે તો બીજી તરફ રાંધણ ગેસમાં પણ રૂ. 50નો ભાવ વધારો થતા ગૃહિણીઓ ના બજેટ પર વધુ બોજ આવશે. 8 માસ બાદ રાંધણ ગેસ અને કોમર્શિયલ ગેસમાં ભાવ વધારો ઝીંકવામાં આવતા સામાન્ય અને મધ્યમ વર્ગના પરિવારોને વધુ આર્થિક બોજ આવશે.

હજુ કોરોના મહામારીની મંદી માંથી લોકો માંડ બહાર આવ્યા છે ત્યારે સીંગતેલમાં ભાવ વધારો આવ્યા બાદ રાંધણ ગેસ અને કોમર્શિયલ ગેસ સિલિન્ડરમાં ભાવ વધારો થયો છે. એક તરફ મંદી અને બીજી તરફ મોંઘવારીના કારણે સામાન્ય પરિવારો પોતાનું ગુજરાન ચલાવવા બે છેડા માંડ ભેગા કરે છે ત્યારે જીવન જરૂરી ચીજોના ભાવમાં વધારો કરવામાં આવતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે જેથી ભાવ વધારો પાછો ખેંચવામાં આવે તેવી માંગ પ્રબળ બની છે.

ઉજ્જવલા યોજના હેઠળ હવે રૂા. 903નો સિલિન્ડર થશે
પ્રધાનમંત્રી ઉજજવલા યોજના હેઠળ મફત LPG કનેક્શન ધરાવતા પરિવારોને ગેસનો ચૂલો અને કીટ નિઃશુલ્ક અપાયા હતા પરંતુ ત્યારબાદ ગેસ સિલિન્ડરની કિંમતમાં સતત ભાવ વધારો કરવામાં આવી રહ્યો છે આ યોજના હેઠળ સરકાર LPG સિલિન્ડર દીઠ 200 રૂપિયા સબસિડી આપે છે ત્યારે તેમના ઘરેલુ સિલિન્ડર નો ભાવ હવે રૂ. 903 થઈ જશે.

ભાવ નહીં ઘટાડે તો આંદોલન - કોંગ્રેસ
વડાપ્રધાને આ મુદ્દે તાત્કાલિક પગલાં લઈને પ્રજાના હિતમાં નિર્ણય લે અને ગેસ સિલિન્ડર સહિત ચીજ- વસ્તુઓના ભાવમાં ઘટાડો કરે તે જરૂરી બની ગયું છે. ઉજ્જવલા યોજના હેઠળ મફત ગેસકીટ મેળવ્યા પછી એકાદ-બે વખત ગેસ સિલિન્ડર લેનાર હજારો પરિવારો ફરી વખત ગેસ સિલિન્ડર લેતા નથી તેવી ચોંકાવનારી માહિતી પણ પોરબંદર કોંગ્રેસે આપીને વધુમાં જણાવ્યું હતું કે અનેક મહિલાઓ માટીના ચૂલા તરફ વળી છે, તેથી સરકાર દ્વારા તાત્કાલિક ગેસ સિલિન્ડરની કિંમતમાં ઘટાડો કરે તે જરૂરી છે. ભાવ ઘટાડવામાં નહિ આવે તો કોંગ્રેસ દ્વારા આંદોલન કરવામાં આવશે તેવું જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...