માઘવપુરમાં માનવ મહેરામણ ઊમટ્યું:ભગવાન માધવરાય અને રુક્મિણીજી પરણીને નિજમંદિર પરત ફર્યા, વિશાળ નગરયાત્રા યોજાઈ

પોરબંદરએક મહિનો પહેલા
  • માધવરાયજીનો પાંચ દિવસીય મેળો આજે વિધિવત સંપન્ન થયો

ભગાવન શ્રી કૃષ્ણ અને રુક્મિણીજીના લગ્ન પ્રસંગે યોજાતા માધવપુર ઘેડના મેળાના પાંચમા દિવસે આજે ભગવાન માધવરાયની જાન નિજમંદિર પરત આવી હતી. પરણીને પરત ફરેલા માધવરાય અને રૂક્ષ્મણીજીના દર્શન માટે ભાવિકો ભાવવિભોર થયા હતા અને આખું માધવપુર અબીલ ગુલાલના રંગ સાથે રંગાઇ ગયું હતું.માધવરાયની રુક્ષ્મણી સાથેની નગર યાત્રામાં ભક્તોએ ભગવાનને વધાવ્યા હતા.

મેળાની પરંપરા અનુસાર સૌ પ્રથમ નીજ મંદિરમાંથી રૂક્ષ્મણી માતાનુ તેડું થાય છે અને રૂક્ષ્મણીજીને મધુવનમાં વાજતે ગાજતે યાત્રા જાય છે. ત્યાર પછી ચૈત્ર સુદ ૧૨ના રોજ ભગવાન માધવરાયની જાન મધુવનમાં પરણવા માટે જાય છે અને મધુવનમાં લગ્ન પ્રસંગે યોજાય છે.તે જ દિવસે ભગવાન મધુવનમાં રાતવાસો કરે છે અને બીજા દિવસે એટલે કે આજે ચૈત્ર સુદ તેરસના રોજ ભગવાનની જાન રૂક્ષ્મણીજી સાથે નિજમંદિરમાં નગરયાત્રા સાથે પરત ફરે છે.માધવપુરમાં આ પ્રસંગે ખૂબ જ ઉમંગ અને ઉલ્લાસ જોવા મળ્યો હતો.

ભગવાનના લગ્નપ્રસંગે થાય છે મેળાનું આયોજન
દર વર્ષે ચૈત્ર મહિનામાં આ લગ્નની આબેહૂબ ઉજવણી કરવામાં આવે છે આ ઉજવણીની સાથે-સાથે માધવપુરમાં લગ્નની ખુશીમાં મેળાનું પણ આયોજન કરવામાં આવે છે.રામનવમીથી લાગતા આ મેળાના ચોથા દિવસ ચૈત્ર સુદ બારસના રોજ ભગવાન માધવરાયજીના માતા રુકમણી સાથેનો વિવાહ પ્રસંગ ઉજવવામાં આવ્યો હતો.આ પ્રસંગ ઉજવાઈ ગયા બાદ રાત્રિના ભગવાન માધવરાય અને માતા રુકિમણી યુગલ સ્વરૂપે માધવપુરના મધુવન સ્થિત રુકમણીના મંદિરે રોકાયા હતા અને સવારે ભગવાન જાગ્યા બાદ પોલીસ અશ્વદળ અને અશ્વોને કંસારનો પ્રસાદ વહેંચવામાં આવ્યો હતો. કંસારનો પ્રસાદ વહેંચાઈ ગયા બાદ ભગવાન રુકિમણીજીના મંદિરેથી પરણીને રાણી રુકિમણી સાથે મેળાના મેદાનમાંથી પોતાના રથમાં બેસી માધવરાયજીના નિજમંદિરે પહોંચ્યા હતા.

માધવપુરના રસ્તાઓ ગુલાલના રંગે રંગાયા
​​​​​​​
ભગવાન જ્યારે નિજમંદિર તરફ પ્રયાણ કરતા હતા ત્યારે સમગ્ર માધવપુરમાં અબીલ-ગુલાલની છોળ ઉડી હતી અને જાણે કે સમગ્ર માધવપુર ગામ અબીલ ગુલાલના રંગે રંગાઈ ગયુ હોય તેમ જ્યાં જુઓ ત્યાં અબીલ ગલાલ જ જોવા મળતો હતો.ભગવાન માધવરાયજી રાણી રુકિમણી સાથે નિજ મંદિરમાં પ્રવેશ કર્યા બાદ પાંચ દિવસીય વિવાહ મહોત્સવ સંપન્ન થયો હતો.

ગુજરાત સરકાર દ્વારા ભારત સરકારના સહયોગથી એક ભારત શ્રેષ્ઠ ભારત અને આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ઉત્તરપૂર્વીય સંસ્કૃતિ અને પશ્ચિમની સંસ્કૃતિને જોડતા માધવપુરના મેળામાં ચાર દિવસના સાંસ્કૃતિક મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.તેમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદથી માંડીને કેન્દ્ર સરકારના મંત્રીઓ,ઉત્તર પૂર્વીય રાજ્યોના મુખ્યમંત્રીઓ,ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ,મંત્રીમંડળના મંત્રીઓ સહિત દેશ-વિદેશના યાત્રિકો પણ જોડાયા હતા.

અન્ય સમાચારો પણ છે...