સમસ્યા:પોરબંદરની પોસ્ટ ઓફિસમાં અરજદારોને હાલાકી, વિધવા સહાય માટે બહેનોની લાંબી કતારો લાગી

પોરબંદર7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 5 માંથી માત્ર 3 કાઉન્ટર ખૂલે છે, 2 પ્રિન્ટર ખરાબ, એક પ્રિન્ટર પર કામ થાય છે

પોરબંદરની હેડ પોસ્ટ ઓફિસ ખાતે 5 માંથી માત્ર 3 કાઉન્ટર ખૂલે છે, 2 પ્રિન્ટર ખરાબ હોવાથી માત્ર એક પ્રિન્ટર પર કામ થાય છે. અન્ય અરજદારો સહિત વિધવા સહાય માટે આવનાર બહેનોની લાંબી કતારો લાગી છે. લોકોને હાલાકી વેઠવી પડી રહી છે. આધુનિક સમયમાં પોસ્ટ વિભાગ દ્વારા પણ વિવિધ સુવિધાઓમાં વધારો કરવાનો દાવો કરવામાં આવે છે. પોસ્ટ ઓફિસ માત્ર ટપાલ સેવા માટે જ નહિ પરંતુ સમય સાથે તાલ મિલાવી ગ્રાહકોને વિવિધ સુવિધા પૂરી પાડવા સક્ષમ બની હોવાનું જણાવે છે ત્યારે પોરબંદરની હેડ પોસ્ટ ઓફિસ ખાતે અરજદારોમાં રોષ જોવા મળી રહ્યો છે.

હેડ પોસ્ટ ઓફિસ ખાતે વિધવા સહાય પેન્શન, રજીસ્ટર એડી, મનીઓર્ડર, રૂપિયા ઉપાડવા, રૂપિયા જમા કરાવવા, એન્ટ્રીઓ પાડવી, ટીકીટ, સ્ટેમ્પ, ફિક્સ ડિપોઝિટ સહિતના કામો માટે હાલ 2 કાઉન્ટર બંધ છે અને 2 પ્રિન્ટર બંધ છે. 5 માંથી માત્ર 3 કાઉન્ટર જ ચાલુ છે. જેથી ગ્રાહકોનો ભારે ઘસારો રહે છે. ઉપરાંત 3 પ્રિન્ટર માંથી એક જ પ્રિન્ટર ચાલુ છે. 2 પ્રિન્ટર ખરાબ હોવાથી બંધ છે ત્યારે અરજદારોને લાંબા સમય સુધી નજીવા કામ માટે ઉભું રહેવું પડે છે.

તેમાં પણ રીશેષના સમયે સ્ટાફ અરજદારોના કામ પડતા મૂકીને ચાલ્યા જાય છે અને અરજદારોને સંતોષકારક જવાબ પણ આપતા ન હોવાનું અરજદારોએ રોષભેર જણાવ્યું હતું. 5 માંથી માત્ર 3 કાઉન્ટર અને એક જ પ્રિન્ટર ચાલુ હોવાથી ગ્રાહકોને ભારે હાલાકી વેઠવી પડી રહી છે. અહીં પૂરતા સ્ટાફની વ્યવસ્થા કરી ગ્રાહકોની સુવિધામાં પૂરતો વધારો કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.

વિધવા સહાય માટે એક જ કાઉન્ટર
પોરબંદરની હેડ પોસ્ટ ઓફિસ ખાતે 5 માંથી 3 કાઉન્ટર ચાલુ છે તેમાં પણ વિધવા સહાય માટે આવનાર બહેનોને રૂપિયા માટે માત્ર એકજ કાઉન્ટર છે જેથી બહેનોનો ઘસારો રહે છે. વધુ કાઉન્ટર ચાલુ કરવા માંગ ઉઠી છે.

શુ કહે છે ગ્રાહકો?
વિધવા સહાયના રૂપિયા લેવા માટે સવારે 10 વાગ્યાથી હેડ પોસ્ટ ઓફિસ ખાતે આવ્યા છીએ. અને દોઢ વાગ્યા સુધી વારો આવ્યો નથી. અનેક લોકો અહીં અન્ય કામ માટે આવીને ઘસારો જોઈને જતા રહે છે અને અનેક લોકો લાઈનમાં વારાની રાહ જુએ છે. ઘરનું કામ બાકી છે. જમવાનો વારો સ્ટાફનો આવ્યો પણ અમારે ઘરે જમવાનું બનાવવાનું બાકી છે પછી જમશું. હજુ બહેનોનો વારો નથી આવ્યો. - બહેનો

સ્ટાફ લગ્ન પ્રસંગમાં બહાર છે : પોસ્ટ માસ્ટર
હાલ લગ્ન પ્રસંગ ચાલે છે એટલે પોસ્ટ ઓફિસનો સ્ટાફ લગ્ન મા ગયો છે. ડેપ્યુટેશનમાં ગયા છે. 3 કાઉન્ટર પર 3 સ્ટાફ છે. એક પ્રિન્ટર રિપેરમાં આપ્યું છે. એક પ્રિન્ટર ચાલુ છે. એન્ટ્રી પડાવવામાં મુશ્કેલી થાય છે. જે બહેનોનો વારો બાકી છે તેનું કામ થઈ જશે. - બીપીનભાઈ રૂપરેલીયા, પોસ્ટ માસ્ટર, હેડ પોસ્ટ ઓફિસ, પોરબંદર

અન્ય સમાચારો પણ છે...