નિર્ણય:પોરબંદરમાં લોકમેળો નહીં યોજાય

પોરબંદરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • કોરોનાની સંભવિત ત્રીજી લહેરને કારણે સતત બીજા વર્ષે પણ લોકો જન્માષ્ટમીના લોકમેળાને માણી નહીં શકે

પોરબંદરમાં સંભવિત કોરોનાની ત્રીજી લહેરને પગલે લોકમેળો નહિ યોજાય. સતત બીજા વર્ષે પણ લોકો જન્માષ્ટમીના લોકમેળાને મિસ કરશે. સૌરાષ્ટ્રમાં બીજા નંબરે ગણાતો એવો પોરબંદરના જન્માષ્ટમીના લોકમેળામાં હૈયેહૈયું દડાય તેવી જનમેદની એકઠી થતી હોય છે. બાળકોથી માંડીને વૃદ્ધો પોરબંદરના જન્માષ્ટમીના લોકમેળાની આતુરતા પૂર્વક રાહ જોતા હોય છે. પોરબંદર જિલ્લાના તેમજ આસપાસના જિલ્લાઓ માંથી લોકો પોરબંદરના લોકમેળાનો આનંદ માણવા ઉમટી પડતા હોય છે અને વિવિધ સ્ટોલ, ખાણીપીણીના સ્ટોલ ખાતે તેમજ ચકડોળ ની મજા માણતા હોય છે.

ગત વર્ષે કોરોનાને પગલે સલામતીને ધ્યાને રાખી જન્માષ્ટમીનો લોકમેળો રદ કરવામાં આવ્યો હતો. જ્યારે આ વખતે કોરોનાની સંભવિત ત્રીજી લહેરને ધ્યાને રાખી જન્માષ્ટમીનો લોકમેળો રદ કરવાનો જિલ્લા કલેકટર અશોક શર્માએ નિર્ણય લીધો છે. કલેકટર શર્માએ જણાવ્યું હતું કે આગામી ઓગસ્ટ માસમાં કોરોનાની ત્રીજી લહેર અંગે નિષ્ણાંતોએ સંભાવના દર્શાવી છે જેના પગલે તંત્ર દ્વારા કોરોનાની ત્રીજી લહેરમાં કોઈ દર્દીનું મૃત્યુ ન થાય અને યોગ્ય વ્યવસ્થા તેમજ દર્દીઓને સારવાર મળી રહે તે માટે વ્યવસ્થા કરવામાં આવી છે.

લોકમેળામાં જનમેદની ઉમટી પડતી હોય છે જેથી સાવધાનીના ભાગ રૂપે લોકમેળો રદ કરવાનો નિર્ણય લીધો છે. પોરબંદરમાં સતત બીજા વર્ષે જન્માષ્ટમીનો લોકમેળો નહિ યોજાય જેથી ઉત્સવપ્રેમી જનતા લોકમેળાને આ વખતે પણ મિસ કરશે.

મેળો ન યોજાય અે લોકોના હિતમાં છે : ચેમ્બર પ્રમુખ
લોકમેળામાં લાખો લોકોની જનમેદની એકઠી થતી હોય છે જેથી કોરોના સંક્રમણ ફેલાઈ શકે છે. વેપારીઓ સાથે આ અંગે ચર્ચા કરી હતી, મેળો ન થાય તે લોકોના હિતમાં છે. લોકો સ્વસ્થ હશે તો વેપાર ધંધા પણ થશે જ. કલેક્ટરના નિર્ણય સાથે અમે સહમત છીએ. > જીગ્નેશ કારીયા, પ્રમુખ, ચેમ્બર ઓફ કોમર્સ

અપીલ
કોરોનાની સંભવિત ત્રીજી લહેર સામે લડવા તંત્ર દ્વારા તૈયારી કરી છે સાથોસાથ લોકોએ પણ સાવચેતી રાખવી જરૂરી બની છે. જેથી આવનારા ધાર્મિક તહેવારના આયોજનમાં મર્યાદિત સંખ્યામાં લોકોએ જવું તેમજ માસ્ક પહેરી સામાજિક અંતર જાળવી રાખવું. કોરોનાને હરાવવા લોકોએ સાવચેતી રાખવા જિલ્લા કલેકટર અશોક શર્માએ અપીલ કરી છે.

અમે ઘરે રહી જન્માષ્ટમી નો આનંદ માણશું : યુવાવર્ગ
પોરબંદરના યુવાનોએ જણાવ્યું હતું કે લોકમેળાનો આનંદ અનેરો હોય છે પરંતુ આ વખતે લોકમેળો રદ થાય તે નિર્ણય વ્યાજબી છે. કોરોનાની સંભવિત ત્રીજી લહેર મહદઅંશે અટકી જશે. જો છૂટ મળશે તો આસપાસના રમણીય સ્થળોએ આનંદ માણવા જઈશું અથવા તો ઘરે પરિવાર સાથે જન્માષ્ટમીનો તહેવાર માણશું, મેળાને મિસ તો કરશું. પહેલા સલામતી જરૂરી છે.

અન્ય સમાચારો પણ છે...