પોરબંદરના ગાંધી સ્મૃતિ ભવન ખાતે ગાંધી ગ્રંથાલય અને સંગ્રહાલયનું સમારકામ બાદ પણ લોકો માટે ખુલ્લુ મૂકવામાં આવેલ નથી. અને તાળા લટકી રહ્યા છે જેથી અહી સ્ટાફ મૂકી આ સ્મૃતિ ભવન લોકો માટે ખુલ્લું મૂકવામાં આવે તેવી રજૂઆત કરાઈ છે. પોરબંદરની નવી ચોપાટી ખાતે પ્રવાસીઓ અને શહેરીજનો ઉમટી પડે છે ત્યારે આ લોકો ગાંધીજીના જીવન વિશે જાણી શકે તે માટે તા. 2 ઓકટોબર 2011ના દિવસે ગાંધી સ્મૃતિ ભવનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ ગાંધી સ્મૃતિ ભવન ખાતે ગાંધી ગ્રંથાલય આવેલ છે.
અહી 10 કબાટ જેમાં 5 હજારથી વધુ ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી ભાષામાં ગાંધીજીના પુસ્તકો છે અને આધુનિક ફર્નિચર ખુરસી ટેબલ રાખવામાં આવ્યા હતા. આ ઉપરાંત સામેના ભાગે ગાંધી સંગ્રહાલય આવેલ છે જેમાં ગાંધીજી દ્વારા સત્યાગ્રહ, ગાંધીજીની પ્રતિમા, જૂની તસવીરો, ખાદી સંદેશ પ્રતિકૃતિ, ચપટી મીઠાની તાકાત, સમય ની કિંમત- સાયકલ પર ચાલતા બાપુની પ્રતિમા, સહિત અન્ય પ્રતિમાઓ, ચિત્રો તેમજ બાપુના જન્મ થી મરણ સુધીના બાયોગ્રાફી સ્કેચ મૂકવામાં આવ્યા હતા તેમજ પરંતુ અહી ચોમાસામાં બંને રૂમમાંથી પાણી પડતું હોવાથી નુકશાન થયું હતું.
સંગ્રહાલય ખાતે હાલ પણ છત પર પંખા ખરાબ થતા મૂકવામાં આવ્યા નથી. બન્ને રૂમમાં નુકશાન થતા અહી સમારકામ કરવામાં આવ્યું છે, આમછતાં આ ગાંધી ગ્રંથાલય અને ગાંધી સંગ્રહાલય બંધ હાલતમાં છે. અને તાળા લટકી રહ્યા છે. અહી જિલ્લા રમત ગમત અધિકારી કચેરી આવેલ છે જેના દ્વારા દેખરેખ રાખવામાં આવેલ છે. તેઓએ 3 સિક્યુરિટી ગાર્ડ ની માંગ કરી છે. હાલ અહી 1 ચોકીદાર રાત્રે ફરજ બજાવે છે અને 1 પટ્ટાવાળા છે. અહી લાયબ્રેરીયન નથી તેમજ ટ્યુરેટર નથી.
આ ગાંધી સમૃતિભવન ખાતે સ્ટાફ મૂકી, પંખા ફીટ કરાવી, ગાંધી સ્મૃતિ ભવન ખુલ્લો મૂકવામાં આવે જેથી પ્રવાસીઓ અને શહેરીજનો ગાંધીજીના જીવન વિશે વધુ જાણી શકે અને ફરીથી આ સ્મૃતિ ભવન ખાતેના સંગ્રહાલય અને ગ્રંથાલય જર્જરિત બને તે પહેલા તેનું જતન કરી પ્રવસીઓ અને શહેરીજનો માટે ખુલ્લું મૂકવામાં આવે તેવી સામાજિક કાર્યકરે રજૂઆત કરી છે.
લેસર શો શરૂ કરવા પણ માંગ
આ સ્મૃતિ ભવન ખાતે ગાંધીજીના જીવન વિશે લોકો નિહાળી શકે તે માટે પ્રોજેકટર દ્વારા લેસર શો શરૂ કરવામાં આવ્યો હતો અને વિદેશથી પ્રોજેકટર મંગાવવામાં આવ્યા હતા. પરંતુ લાંબા સમયથી લેસર શો બંધ રાખવામાં આવ્યો છે. મશીનરી બગડી જાય તે પહેલા આ લેસર શો શરૂ કરવામાં આવે તેવી પણ માંગ કરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.