પોરબંદરની બિરલા પ્રાથમિક શાળા નજીક સિંહની લટાર શરૂ થતા છાત્રો સિંહની ડણક સાંભળી રોમાંચ સાથે ડરનો અનુભવ કરે છે. પોરબંદર પંથકમાં સિંહે મુકામ કર્યો છે. છેલ્લા ત્રણ માસથી પણ વધુનો સમય થયો છે જેમાં સિંહ ઇન્દિરાનગર નજીકના હાઇવેથી રતનપર સીમ સુધી જોવા મળે છે.
સાંજના સમયે સિંહ રસ્તો ક્રોસ કરે છે ત્યારે રોડ પરથી પસાર થતી બસના મુસાફરો અને વાહન ચાલકોએ સિંહ દર્શનનો લહાવો લઈ રહ્યા છે. સિંહને અહીંનું વાતાવરણ માફક આવ્યું છે ત્યારે સિંહ બિરલા પ્રાથમિક શાળા છાયા સુધી લટાર મારી રહ્યો છે.
ઉલ્લેખનીય છેકે, આ શાળા પાછળ જંગલ વિસ્તાર આવેલ છે જેથી સિંહ અને દીપડાનો પરિવાર આ વિસ્તારમાં આવે છે તેવું શાળાના શિક્ષક રાજુભાઈ હુણએ જણાવ્યું હતું. તાજેતરમાં સિંહ આ વિસ્તારમાં આવ્યો હતો અને સિંહની ડણક સાંભળી હતી. આ શાળામાં અંદાજે 150 જેટલા છાત્રોની સંખ્યા છે. સિંહની ડણક કાને અથડાતા છાત્રોએ ડર સાથે રોમાંચ અનુભવ્યો હતો.
આ બિરલા શાળા નજીક જ ફેકટરી દ્વારા ગૌશાળા રાખવામાં આવી છે જેમાં તાજેતરમાં સિંહ અથવા દીપડાએ મારણ કર્યું હોવાનું સામે આવ્યું છે ત્યારે આ ગૌશાળા ખાતેના તમામ ગૌધન રાણાવાવ ખાતે શિફ્ટ કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય એ પણ છેકે, હજુસુધી સિંહે કોઈ મનુષ્ય પર હુમલો કર્યો નથી. આમછતાં વનવિભાગ દ્વારા સિંહના રેડિયો કોલર ટ્રેસ કરી આ વિસ્તારમાં સિંહ ન આવે તેવી વ્યવસ્થા કરવામાં આવે તેવી પણ માંગ ઉઠી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.