સુવિધા આપવા માંગ:પોરબંદરમાં લીમડાચોક શાકમાર્કેટ તથા ગુજરી બજાર છત વિહોણી

પોરબંદર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વરસાદી પાણી ભરાઈ જતા વેપારીઓને ભારે હાલાકી

પોરબંદરના લીમડાચોક શાકમાર્કેટ તથા સામે આવેલ ગુજરી બજાર છત વિહોણી હોવાથી વરસાદી પાણી ભરાઈ જતા વેપારીઓને હાલાકી વેઠવી પડી રહી છે.પોરબંદર શહેરના હૃદયસમા વિસ્તારમાં આવેલ લીમડાચોક શાકમાર્કેટ તથા તેની સામે જ ગુજરી બજાર આવેલ છે. અહીં દરરોજ અનેક ગ્રાહકો ખરીદી માટે આવે છે. શાકમાર્કેટ અને ગુજરીબજારમા પાલિકા દ્વારા છત મુકવામાં આવી નથી. જેથી વેપારીઓ શાકભાજી ન બગડે તે માટે કાપડ અને તાલપત્રી બાંધી છે. વરસાદ વરસતા અહીં પાણી ભરાઈ જાય છે.

જેથી વેપારીઓ અને ગ્રાહકોને શાકભાજીની ખરીદી કરવામાં મુશ્કેલી પડે છે. તાલપત્રીમા પાણી ભરાઈ જાય છે અને એ પાણી સીધું વેપારી અને ગ્રાહક પર પડે છે. જ્યારે ગુજરીબજારની સ્થિતિ અત્યંત દયનિય છે. ગુજરીબજારમાં લારી ધારકો રેડીમેઈડ કપડા અને સ્કૂલ ડ્રેસ નો વેપાર કરે છે. વરસાદી પાણી ભરાઈ જવાને કારણે ગંદા પાણી વચ્ચે લારી ધારકો વેપાર કરી રહ્યા છે. અહીં બ્લોક પાથરી દેવામાં આવ્યા છે પરંતુ પાણીના નિકાલ ની વ્યવસ્થા કરી નથી જેથી પાણી ભરાઈ રહે છે. આવી સ્થિતિમાં ગ્રાહકો ખરીદી કરવાનું ટાળી રહ્યા છે. જેથી અહીં છત સહિત ની સુવિધામાં વધારો કરવામાં આવે તેવી વેપારીઓએ માંગ કરી છે.

ગંદકી અને જીવાતનો ઉપદ્રવ ફેલાયો
લીમડાચોક માર્કેટ સામે ગુજરીબજારમા વરસાદી પાણીનો ભરાવો થયો છે. અને કાદવ કીચડ તેમજ મચ્છર અને જીવાતોનો ઉપદ્રવ ફેલાયો છે. દુર્ગંધ ફેલાઈ છે. અહીં પાલિકા તંત્ર દ્વારા પાણીના નિકાલની વ્યવસ્થા કરી નિયમિત સફાઈ કરવામાં આવે તેવી વેપારીઓએ ઉગ્ર માંગ કરી છે.

અન્ય સમાચારો પણ છે...