ગઈકાલે ઓડદર ગૌશાળા ખાતે સિંહે ગૌધનના મારણ કર્યા બાદ પાલિકા દ્વારા તાકીદે ગૌશાળા ખાતે લાઈટો મૂકવામાં આવી છે અને ગૌધનની સલામતી માટે ગૌધનને શહેરમાં શિફ્ટ કરવાની કામગીરી હાથ ધરાઈ છે.પોરબંદરના પાદરમાં સિંહે મુકામ કર્યો છે અને અહીંનું વાતાવરણ પણ સિંહને માફક આવી ગયું છે ત્યારે પાલિકા હસ્તકની ઓડદર સ્થિત ગૌશાળા ખાતે સિંહ પહોંચ્યો હતો અને 6 ગૌધનના મારણ કર્યા હતા તેમજ 6 ગૌધન ઈજાગ્રસ્ત બન્યા હતા. જેથી ગૌપ્રેમીઓ ગૌશાળા ખાતે દોડી આવ્યા હતા. અને દીવાલ ઊંચી કરી, લાઈટો મુકાવી, દીવાલ પર ફેન્સિંગ મૂકવા સહિતની ઉગ્ર માંગ કરી હતી.
ઉલ્લેખનીય છેકે, આ ગૌશાળા ખાતે સિંહે બીજી વખત હુમલો કર્યો છે ત્યારે આ બનાવને પગલે પાલિકા તંત્ર ગંભીર બન્યું હતું અને તાકીદે ગૌશાળા ખાતે હેલોજન લાઈટો ફીટ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છેકે, આજે બુધવારે યુથ કોંગ્રેસના પ્રમુખ ધર્મેશ પરમાર સહિતના કાર્યકરો અને ગૌપ્રેમીઓ પાલિકા ખાતે પહોંચ્યા હતા અને ગૌધનને શહેરમાં શિફ્ટ કરવા ઉગ્ર રજૂઆત કરી હતી ત્યારે ચીફ ઓફિસરે ગંભીરતાને ધ્યાને લઇને ઓડદર ની ગૌશાળા ખાતેથી ગૌધન ની સલામતી માટે નિર્ણય લીધો હતો અને શહેરની ખાનગી ગૌશાળા ખાતે શિફ્ટ કરવા સૂચના આપી હતી.
હાલ ઓડદર ની ગૌશાળા ખાતેથી ગૌધનને શહેરની ખાનગી ગૌશાળા ખાતે શિફ્ટ કરવામાં આવી રહ્યા છે. ચીફ ઓફિસરે જણાવ્યું છેકે, જો ખાનગી ગૌશાળા ખાતે વધુ જગ્યા નહિ રહે તો ચોપાટી ખાતેના ફૂડઝોન સ્થળે અથવા અન્ય સ્થળે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવશે તેમજ ઓડદર ગૌશાળા ખાતે દીવાલો પર ફેન્સિંગ મૂકવામાં આવશે અને સુરક્ષા વ્યવસ્થા કરીને આ ગૌધનને ઓડદર ગૌશાળા ખાતે મૂકવામાં આવશે તેવું જણાવ્યું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.