ગરીબોને આપવાનું સસ્તા અનાજનું કોભાંડ સામે આવ્યું છે. રાણાવાવ અનાજના ગોડાઉન માંથી દોઢ કરોડથી વધુ સસ્તા અનાજના જથ્થાના હિસાબમાં ઘટ આવી હોવાથી ઉચ્ચ કક્ષાએથી રાણાવાવ પહોંચી હતી અને ટીમ દ્વારા ગોડાઉન સીલ કરવામાં આવ્યું છે. રાણાવાવ ગોડાઉન મેનેજર ત્રણ દિવસથી ફરાર છે જેથી આ કોભાંડ અંગે તપાસનો ધમધમાટ શરૂ થયો છે.
સરકાર દ્વારા ગરીબોને સસ્તા અનાજ વિતરણ વ્યવસ્થા કરવામાં આવી છે. ગરીબોનું અનાજ ગરીબો સુધી, આંગણવાડી સુધી પહોંચે તે પહેલા જ રાણાવાવ સરકારી ગોડાઉન ખાતેથી 7000 કટ્ટા ઘઉં, ચોખા અને 22 કટ્ટા ખાંડ નો હિસાબ ન મળતા આ સસ્તા અનાજનો આ જથ્થાનું અંદાજે દોઢ કરોડ જેટલા રૂપિયાનું કોભાંડ થયાનું સામે આવતા ગાંધીનગર સ્થિત પુરવઠા નિગમ ના અધિકારીઓ ચોંકી ઉઠ્યા હતા. મહત્વની વાત એ છેકે, દર માસે નાયબ જનરલ મેનેજર ગ્રેડ 2 દ્વારા ગોડાઉનમાં ચેકીંગ કરવાનું હોય છે અને દરેક ગોડાઉનનું ચેકીંગ કરી રિપોર્ટ ગાંધીનગર નિગમ ને મોકલવાનો હોય છે.
આમછતાં આ કોભાંડ થયું છે. ઉપરાંત રાણાવાવના ગોડાઉન મેનેજર અશ્વિન ભોંયે સામે શંકાની સોંય ઉઠી છે ત્યારે ગાંધીનગર પુરવઠા નિગમ ટીમ, રાજકોટ સહિત અન્ય જિલ્લાની ટીમ દ્વારા તપાસ હાથ ધરી હતી અને કમિટી દ્વારા તા. 5 જાન્યુઆરીના રાણાવાવ સરકારી ગોડાઉનમાં સીલ મારી દેવામાં આવ્યું છે.
ઉલ્લેખનીય છેકે, રાણાવાવ સરકારી ગોડાઉનના મેનેજર અશ્વિન ભોંયે ત્રણ દિવસથી ફરજ પર આવ્યા નથી અને ફોન સ્વીચ ઓફ બતાવે છે. તેઓ ફરાર થયા છે. ત્યારે આ કોભાંડમાં જવાબદાર કોણ છે તે અંગે તપાસનો ધમધમાટ શરૂ થયો છે. આ બનાવને પગલે જિલ્લાભરમાં ચકચાર જાગી છે. ઉલ્લેખનીય છેકે, ગરીબ વર્ગને મળતું અનાજનો મોટો જથ્થો બારોબાર સગેવગે થયો છે અને આ કોભાંડ આચરવામાં આવ્યું છે ત્યારે તટસ્થ તપાસ થાય અને જવાબદારો સામે કડક પગલાં લેવામાં આવે તેવી માંગ ઉઠી છે. તસવીર- દિલીપભાઈ જોશી
જવાબદાર સામે પોલીસ કેસ થશે - અધિકારી
રાણાવાવ સસ્તા અનાજના ગોડાઉન માંથી અનાજના મસમોટા જથ્થાની ઘટ આવી છે જેથી આ અંગે તપાસ શરૂ કરી છે અને જવાબદારો સામે પોલીસ કેસ સહિતની કાર્યવાહી કરવામાં આવશે. રિપોર્ટ તૈયાર કરી ગાંધીનગર નિગમ ખાતે મોકલવામાં આવશે. (હિરલ દેસાઈ, જિલ્લા પુરવઠા અધિકારી, પોરબંદર)
ઓડિટરે રિપોર્ટ કર્યો - નાયબ જી.મેનેજર ગ્રેડ 2
દર માસે ગોડાઉનમાં તપાસ કરી રિપોર્ટ કરતા હતા. ગત જુલાઇથી સરકાર દ્વારા રાજકોટના સીએ ની નિમણુંક કરી થર્ડ પાર્ટી દ્વારા ઓડિટ તપાસ કરવામાં આવતી હતી. ઓડિટર દ્વારા જ ઘટ અંગે રિપોર્ટ થયો હતો જેથી તા. 2 ડિસેમ્બરના રોજ હું ગોડાઉન ખાતે ગઈ હતી ત્યારે સ્ટોક અને ચોપડામાં તફાવત આવ્યો હતો જેથી બીજા દિવસે પણ તપાસ કરી હતી અને અનાજ ની ઘટ અને મેં ગાંધીનગર રિપોર્ટ કર્યો હતો. (ઉષાબેન ભોંયે, નાયબ જિલ્લા મેનેજર ગ્રેડ 2, પોરબંદર)
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.