પોરબંદરની જિલ્લા સેવા સદન 2માં અસુવિધાઓ જોવા મળી રહી છે. પીવાના પાણીની પણ સુવિધા ન હોવાથી પાણી ખરીદ કરવું પડે છે અને અહી નિયમિત સફાઈનો અભાવ છે ત્યારે સિક્યુરિટી વિનાની સેવા સદન2 માં જરૂરી સુવિધા ઉપલબ્ધ કરવી જરૂરી બની છે.પોરબંદરમાં એકજ બિલ્ડિંગમાં અનેક કચેરીઓ કાર્યરત થાય અને અરજદારોને ધક્કા ખાવા પડે નહિ તે માટે જિલ્લા સેવા સદન 2 બિલ્ડિંગ બનાવવામાં આવ્યું છે. 2006ના રોજ લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
અહી અનેક કચેરીઓ કાર્યરત કરવામાં આવી હતી પરંતુ આ કચેરીઓ માંથી કેટલીક કચેરી અન્ય સ્થળે શિફ્ટ કરવામાં આવી છે. અને બોર્ડમાં અપડેટ કરવામાં આવ્યું નથી જેથી ઘણા અરજદારો આ કચેરી ખાતે આવે છે. હાલ આ જિલ્લા સેવાસદન 2 ખાતે 10થી વધુ કચેરીઓ છે અને અનેક અરજદારો વિવિધ કચેરીઓમાં કામ માટે આવતા હોય છે ત્યારે આ સેવા સદન 2માં પીવાના પાણીની પણ સુવિધા નથી. જેથી વિવિધ કચેરીઓમાં પીવાનું પાણી ખરીદ કરવું પડે છે. અગાઉ પાણીના કૂલર હતા જે હાલ બંધ છે અને નળ પણ નીકળી ગયા છે. આ કચેરી ખાતે અરજદારોને બેસવા માટે બેઠક વ્યવસ્થા પણ નથી.
સફાઈ નિયમિત થતી નથી જેથી કચેરી બહાર કચરો ઉડે છે. સેવા સદન 2 ખાતે વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે પરંતુ જતન કરવામાં આવતું નથી તેમજ કચેરી બહાર કચેરીનો માલ સામાન ખડકી દેવામાં આવ્યો છે. અહીં સિક્યુરિટી પણ નથી જેથી રઝળતા પશુઓ અંદર ઘૂસી જાય છે. અનેક અરજદારોને મુશ્કેલી પડે છે તેવી ફરિયાદો ઉઠી છે ત્યારે જે રીતે જિલ્લા કલેકટર કચેરી એટલેકે જિલ્લા સેવા સદન 1 ખાતે સુવિધા છે તેવી જરૂરી સુવિધા જિલ્લા સેવા સદન 2 ખાતે ઉપલબ્ધ કરવામાં આવે તેવી માંગ પ્રબળ બની છે.
સેવા સદન 2 ખાતે કેટલી કચેરી કાર્યરત છે?
પોરબંદરની નવી કોર્ટે સામે આવેલ જિલ્લા સેવા સદન 2 ખાતે હાલ જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર, ફૂડ એન્ડ ડ્રગ વિભાગ, જિલ્લા માહિતી કચેરી, સમાજ કલ્યાણ કચેરી, સમાજ સુરક્ષા કચેરી, ક્ષાર અંકુશ, બાળ સુરક્ષા એકમ, મહિલા અને બાળ સુરક્ષા કચેરી, બાગાયત કચેરી, નશાબંધી અને આબકારી કચેરી, રોજગાર કચેરી સહિતની કચેરીઓ કાર્યરત છે.
ગાંધીજીનું ચિત્ર નજીક ગંદકીના ગંજ
જિલ્લા સેવા સદન 2 ખાતે ગાંધીજીનું મોટું ચિત્ર મૂકવામાં આવ્યું છે, પરંતુ નિયમિત સફાઈના અભાવે ચિત્ર નજીક ધૂળ અને કચરો ઉદે છે. ગાંધીજીના ચિત્ર નીચે જ લાદીઓનો ઢગલો ખડકી દીધો છે અને ગાંધીજીને પહેરાવે સૂતરની આટી પર ધૂળ જામી ગઈ છે. સ્વરછતા અભિયાન ગાંધીજીના નામે ચાલે છે ત્યારે આ સ્થળે ગાંધીજીના ચિત્ર પર ધૂળ જામી ગઈ છે, જેથી આ ગંભીરતાને ધ્યાને લઇ અહી ખાસ સફાઈ કરવામાં આવે અને નિયમિત સફાઈ કરવામાં આવે તે જરૂરી બન્યું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.