મંદિરની જાળવણી કરવા રજૂઆત:પોરબંદરના પૌરાઈ માતાજીના મંદિરમાં જાળવણીનો અભાવ

પોરબંદર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જેના નામ પરથી પોરબંદરનંુ નામ પડ્યું તે મંદિરની જાળવણી કરવા રજૂઆત

પોરબંદર શહેરનું નામ જેના પરથી પડ્યું છે તે પૌરાઈ માતાજીના મંદિરની જાળવણીમાં તંત્ર નિષ્ફળ રહ્યું છે. જેથી કોંગ્રેસ દ્વારા સરકારને રજૂઆત કરવામાં આવી છે, અને પોરબંદરનો સ્થાપના દિવસ ઉજવાય તે પહેલા યોગ્ય કરવામાં આવે તેવી માંગ કરી છે. કોંગ્રેસના અગ્રણી રામદેવભાઈ મોઢવાડિયા દ્વારા સરકારને રજૂઆત કરી એવું જણાવવામાં આવ્યું છે કે ઝુંડાળા વિસ્તારમાં મોટી માત્રામાં દેવીપુજક પરિવાર વસવાટ કરે છે, અને અહીં ખાડી કાંઠા નજીક પૌરાઈ માતાજીનું મંદિર આવેલ છે. શહેરનું નામ અને તેનો ઇતિહાસ પ્રાચીન છે.

પોરબંદર શહેરનો ઇતિહાસ ખૂબ જૂનો છે. ત્યારે ઇતિહાસ કહે છે કે ૯૯૦ માં શ્રાવણ પૂનમના દિવસે પોરબંદરનું તોરણ બંધાયું હોવાથી રક્ષાબંધનએ પોરબંદરનો સ્થાપના દિન છે. ત્યારે શહેરનું નામ જેના પરથી પડ્યું છે, તે પૌરાઈ માતાજીના મંદિરનો વિકાસ કરવામાં તંત્ર વામણું સાબિત થઈ રહ્યું છે. જેથી પોરબંદરનો સ્થાપના દિવસ આવે તે પહેલા વ્યવસ્થિત પ્રોજેક્ટ બનાવવામાં આવે તે અંગે કોંગ્રેસે સરકારને રજૂઆત કરી છે. અહીં બેઠક વ્યવસ્થાની સાથોસાથ બગીચાનું નિર્માણ કરવામાં આવે અને યાત્રિકો માટે સુવિધા વિકસાવવામાં આવે તેવી માંગ કરી છે.

મંદિરની 10 વિઘા જમીનમાં બગીચો બનાવી બાળકોના મનોરંજનના સાધનો લગાવો
પૌરાણિક મંદિરના પૂરતા પ્રમાણમાં વિકાસ માટે તંત્ર વ્યવસ્થિત પ્રોજેક્ટ હાથ ધરે અને અહીં સાઈન બોર્ડ, દિશા સૂચક નિશાન રસ્તા ઉપર લગાડવા જોઈએ. મંદિરના કમ્પાઉન્ડમાં લાઈટ, પેવર બ્લોકની સાથે બગીચાની વ્યવસ્થા કરી યાત્રાળુઓ માટેની પૂરતી સગવડ ઉપલબ્ધ કરવી જોઈએ. અને ખાડી ઉપર બ્રિજ બનાવી શકાય જેથી બહારથી આવતા પ્રવાસીઓ અને યાત્રાળુઓ અહીં આવી શકે. ઉપરાંત અહીં ૧૦ વીઘા જેટલી મંદિરની જમીન હોવાથી બાળ મનોરંજનના સાધનો વગેરેની વ્યવસ્થા કરવા માંગ કરાય છે.

16 વર્ષ પહેલા પ્રવાસન વર્ષમાં થોડા ઘણાં કામો થયા બાદ તંત્ર ડોકાયું નથી
ઈસવીસન ૨૦૦૬ માં સરકારે પ્રવાસન વર્ષ તરીકે ઉજવણી કરી હતી, અને તે સમયે આ મંદિરના વિકાસ માટે થોડી ઘણી રકમ વાપરી હતી. પણ ત્યાર પછી કોઈ અધિકારીઓ અહીં ડોકાયા નથી. જેથી આ મંદિરના વિકાસની વાતો માત્ર કાગળ પૂરતી સીમિત રહી હોવાનું રામદેવભાઈ મોઢવાડિયાએ જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...