મુસાફરો ખાનગી વાહનનોના સહારે:પોરબંદર એસટી ડેપોમાં સુવિધાનો અભાવ, મહત્વના રૂટો બંધ, લાંબા અંતરના રૂટ પર બસો જતી નથી

પોરબંદર22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રઝળતા પશુઓ બસ સ્ટેન્ડમાં ઘુસી જાય છે : તંત્રને નજરે ચઢતા નથી

પોરબંદરના એસટી ડેપો ખાતે સુવિધાનો અભાવ જોવા મળી રહ્યો છે. રઝળતા પશુઓ અંદર ઘુસી જાય છે. મહત્વના રૂટો બંધ થયા છે અને લાંબા અંતરના રૂટ પર બસો જતી નથી જેથી મુસાફરોને ખાનગી વાહનોનો સહારો લેવો પડે છે. પોરબંદરના એસટી ડેપો ખાતે મુસાફરોને પડતી મુશ્કેલી બાબતે ફરિયાદો ઉઠતી રહે છે.

એસટી ડેપોનું નવીનીકરણ કરવામાં આવ્યું છે પરંતુ ડેપો ખાતે સુવિધાનો અભાવ જોવા મળી રહ્યો છે. હાલ વેકેશન ચાલી રહ્યું છે ત્યારે મુસાફરોનો ઘસારો રહે છે. છેલ્લા 1 વર્ષ કરતા પણ વધુ સમયથી કેટલાક રૂટ બંધ કરી દેવામાં આવ્યા છે. જે તે સમયે કંડકટરની જગ્યા ખાલી હતી પરંતુ હાલ જગ્યાઓ ભરાયેલ હોવા છતાં મહત્વના રૂટ બંધ કરી દેવામાં આવ્યા છે. જેથી મુસાફરોને ફરજીયાત ખાનગી વાહનનો સહારો લેવો પડી રહ્યો છે.

પોરબંદરથી લાંબા અંતરના રૂટની બસો પણ જતી નથી જેથી લાંબા અંતરે આવેલ યાત્રાધામ સહિતના સ્થળોએ પણ મુસાફરોને ખાનગી બસ અથવા ખાનગી વાહન મારફત મસમોટા ખર્ચ કરીને જવું પડે છે. એસટી ડેપો ખાતે રઝળતા પશુઓ ઘુસી જાય છે અને મુસાફરોની બેઠક વ્યવસ્થા સુધી પહોંચી જાય છે. રઝળતા પશુઓ ડેપો ખાતે પહોંચી જતા હોવા છતાં અહીં રઝળતા પશુઓને અટકાવવા કોઈ પ્રયાસ કરવામાં આવતો નથી.

આ ઉપરાંત પંખા હજુ સુધી રીપેર કરાયા નથી. મુસાફરોએ જણાવ્યું હતુંકે, છત પર પંખા મુકવા જોઈએ તેને બદલે દીવાલ પંખા મુક્યા છે જેથી કાળઝાળ ગરમીમાં આવા પંખા રાહત આપી શકે નહીં. અને કેટલાક દીવાલ પંખા પણ લાંબા સમયથી રીપેરીંગમા છે. ત્યારે એસટી ડેપો ખાતે ખૂટતી સુવિધામાં વધારો કરવામાં કરવામાં આવે તેવી મુસાફરો દ્વારા માંગ કરવામાં આવી છે.

કઈ રૂટની બસ બંધ કરી
શાંજે 5 વાગ્યે ઉપડતી પોરબંદર લુશાળા, સવારે 7:20ની જૂનાગઢ, સવારે 8 વાગ્યે ઉપડતી બાવીસીકોટડા, ભડ જૂનાગઢ, સવારે 10:30 રાજકોટ, બપોરે 12 વાગ્યે ભોમિયાવદર, ખંભાળિયા શીશલી રૂટ બંધ છે તેવું એસટી સૂત્રોએ જણાવ્યું હતું.

લાંબા અંતરના રૂટની બસ શરૂ કરવા માંગ ઉઠી
પોરબંદરથી લાંબા રૂટના અંતરની યાત્રાધામોને જોડતી બસો શરૂ કરવી જોઈએ જેમાં અંબાજી, સાળંગપુર, નારાયણ સરોવર, સ્ટેચ્યુ ઓફ યુનિટી સહિતના યાત્રાધામો તથા જોવાલાયક સ્થળો કે જયાં મુસાફરો ઉમટી પડતા હોય છે આવા લાંબા અંતરના રૂટની બસો શરૂ કરવા માંગ ઉઠી છે.

દીવાલ - રેલિંગ તૂટી છતાં રીપેરીંગ નહીં
એસટી ડેપો ખાતે રેલિંગ તૂટેલી હાલતમાં નજરે ચડે છે તેમજ એસટી ડેપો ફરતેની એક દીવાલની રેલિંગ પણ તૂટેલી છે. તેમજ રેલિંગની દીવાલમાં ગાબડા પડી ગયા છે. ડેપો ખાતે લોખંડની રેલિંગ લાંબા સમયથી તૂટી પડેલી હાલતમાં છે જેને ઉપાડવામાં પણ આવી નથી. જેથી મુસાફરોને મુશ્કેલી પડે છે. આ રેલિંગનું રીપેરીંગ કામ કરવામાં આવે તે જરૂરી બન્યું છે.

પાર્કિંગ અને કચરા પેટીનો અભાવ
પોરબંદર એસટી ડેપો ખાતે વાહન પાર્કિંગની ખાસ સુવિધા નથી જેને કારણે ડેપો ખાતે વાહન ચાલકો પોતાના વાહનો અંદર પાર્ક કરે છે તેમજ કચરાપેટીઓ પણ મુકવામાં આવેલ નથી જેને કારણે જ્યા ત્યાં કચરો ફેલાઈ છે.

અન્ય સમાચારો પણ છે...