પોરબંદરનું એસ.ટી ડેપો કરોડોના ખર્ચે બનાવ્યું હોવા છતાં તેમાં પાયાની અનેક સુવિધા પણ નથી. મુસાફરો અનેક સમસ્યાનો સામનો કરી રહ્યા છે. કરોડના ખર્ચે બનાવાયેલું પોરબંદરનું એસ.ટી ડેપો પાયાની સુવિધા વિહોણું છે. એસ.ટી ડેપોની અમુક લાઈટો પણ બંધ અવસ્થામાં છે.
જેથી પ્રવાસીઓને રાત્રીના સમયે ઘણી મુશ્કેલીઓ વેઠવી પડે છે એસ.ટી ડેપો કરોડના ખર્ચે બનાવ્યું પણ દરવાજા વિહોળું, જેથી ગાય, નંદી અને શ્વાન જેવા પશુઓ એસ.ટી.ડેપોમાં ઘુસી જાય છે. આવી ઉનાળાની કાળઝાળ ગરમીમાં પ્રવાસીઓ અને કર્મચારીઓ માટે પીવાના પાણી જેવી પ્રાથમિક સુવિધા પણ અપુરતી ઉપલબ્ધ છે.
એસ.ટી ડેપોમાં પાર્કિંગની પણ અપૂરતી સુવિધા હોવાને કારણે મુસાફરોને મુકવા આવતા લોકોને બેઠક વ્યવસ્થામાં પાર્કિંગ કરવું પડે છે, જેથી મુસાફરોને નીકળવાની કે હાલવાની જગ્યા પણ રહેતી નથી. એસ.ટી.નિગમ વ્યવસ્થિત પાર્કિંગ બનાવવું જોઈએ.
પોરબંદરના આ એસ.ટી. ડેપોમાં સ્ટ્રીટલાઈટના પોલ પણ જોખમી બની ગયા છે. સોલારલાઈટવાળા અનેક પોલ બંધ છે અને અમુક પોલ ત્રાસા થઇ ગયા છે અને કોઈની ઉપર પડે તો ઈજા થાય તેવી શકયતા પણ રહેલી છે. તેથી તંત્ર દ્વારા થાંભલાનું પણ નવીનીકરણ કરવામાં આવે તે જરૂરી બન્યું છે.
વધારે ભાડાના કારણે દુકાનો બંધ હોવાથી મુસાફરોને નાસ્તા માટે બહાર જવું પડે છે
એસ.ટી ડેપોમાં આવેલી ઘણી દુકાનો બંધ અવસ્થામાં છે. કારણ કે તેના ભાડા વધારે પ્રમાણમાં હોવાથી કોઈ ભાડે લઈ શકતું નથી, જેથી મુસાફરોને નાસ્તા માટે બહાર જવું પડે છે, જો ઓછા દરે દુકાનો ભાડે આપવામાં આવે તો ધંધાર્થીઓને આ કોરોનાના કપરાકાળમાં રોજગારી મળી રહે અને તેની સાથો-સાથ મુસાફરોને ખાવા-પીવાની વસ્તુ ત્યાં જ મળી રહે, જેથી તેને હાલાકી ન વેઠવી પડે તે માટે યોગ્ય કરવું જરૂરી બન્યું છે.
ડેપોની વિચિત્ર ડિઝાઇનથી ચોમાસાનું વરસાદી પાણી અંદર આવે છે
નવા એસ.ટી ડેપોની ડિઝાઇન વિચિત્ર બનાવેલ છે. એસ.ટી ડેપો ચારેબાજુથી ખુલ્લુ હોવાને કારણે ચોમાસાનું વરસાદી પાણી સીધું એસટી ડેપોની અંદર આવે છે, તેથી મુસાફરો બેસી પણ શકતા નથી પાણી અંદર આવવાને લીધે અનેક લોકો પાણીમાં લપસી જઈને અનેક નાના મોટી ઈજાનો પણ શિકાર બને છે.
કોંગ્રેસના અગ્રણીએ યોગ્ય કરવામાં આવે તેવી માંગ સાથે તંત્રને ફરિયાદ કરી
પોરબંદરના એસટી બસ સ્ટેશન ખાતે પાયાની સગવડ ઉપલબ્ધ કરવામાં આવે ન હોવા અંગે કોંગ્રેસના અગ્રણી રામદેવભાઈ મોઢડિયાએ ફરિયાદ કરી છે. કરોડોના ખર્ચે એસટી ડેપો બનાવાયુ, પરંતુ તેમાં પણ અનેક અસુવિધાઓ છે.
જેથી એસ.ટી.નિગમએ તાત્કાલિક ધોરણે એસ.ટી ડેપોની પાયાની સુવિધાઓ એવી પાણી, લાઈટ, પંખા, પાર્કિંગ, દરવાજાની વ્યવસ્થા કરાવવી જોઈએ અને તંત્રએ એસ.ટી.ડેપોમાં ફેલાયેલી ગંદકીને દુર કરી પુરતા પ્રમાણમાં કચરાપેટીઓ મૂકવી જોઈએ. ભિખારીઓના ત્રાસને દૂર કરવા માટે એસ.ટી નિગમએ કાયમી ધોરણે સિક્યુરિટી ગાર્ડની વ્યવસ્થા કરવી જોઈએ તેવી માંગણી રામદેવભાઈ મોઢવાડિયા દ્વારા કરવામાં આવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.