સાર્વત્રિક વરસાદ:કુતિયાણા જળબંબાકાર, 19 રસ્તા બંધ કરાયા

પોરબંદરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
વર્તુ 2 ડેમના 5 દરવાજા અઢી ફૂટ ખોલાયા - Divya Bhaskar
વર્તુ 2 ડેમના 5 દરવાજા અઢી ફૂટ ખોલાયા
  • ભાદર નદીનું રોદ્ર સ્વરૂપ, પોરબંદરમાં 4 ઇંચ, રાણાવાવમાં 4 ઇંચ અને કુતિયાણામાં 5 ઇંચ વરસાદ, 1285 અસરગ્રસ્તોને સલામત સ્થળે ખસેડાયા

કુતિયાણા તાલુકો જળબંબાકાર બન્યો છે. ઉપરવાસ માંથી પાણીની આવક વધતા જિલ્લાના 19 રસ્તા બંધ કરાયા છે. ભાદર નદીમા પાણી આવતા રોદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. પોરબંદરમાં 4 ઇંચ, રાણાવાવમાં 4 ઇંચ અને કુતિયાણામા 5 ઇંચ વરસાદ ખાબક્યો છે. જિલ્લામાં 1285 અસરગ્રસ્તોને સલામત સ્થળે ખસેડાયા છે.

પોરબંદર જિલ્લામાં મેઘરાજાએ મહેર વરસાવી છે. ત્યારે કુતિયાણા તાલુકો જળબંબાકાર બન્યો છે. ભારે વરસાદ અને ઉપરવાસ માંથી પાણી આવતા તેમજ ડેમ માંથી પાણી છોડવામાં આવતા કુતિયાણા પંથકના ગામોમાં તેમજ વાડી વિસ્તારોમાં પાણી ભરાયા છે અને કેટલાક ગામોમાં પાણી ઘરોમાં ઘુસી ગયા છે. જિલ્લામાં અને ઉપરવાસમાં વરસાદના કારણે નદીઓમાં પૂર તથા ઉપરવાસમાંથી પાણી આવવાથી પંચાયત માર્ગ અને મકાન વિભાગ પોરબંદર દ્વારા જિલ્લામાં જુદા જુદા 19 રસ્તાઓ વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યા છે.

ગોકરેશ્વર નદી ગાંડીતૂર બની
ગોકરેશ્વર નદી ગાંડીતૂર બની

જેમાં ભડ ચિકાસા રોડ, અમીપુર બળેજ રોડ, કડછ મંડેર રોડ, પાતા સરમાં રોડ, રાતીયા ગોગન બેટ રોડ, નેરાણા છત્રાવા રોડ, એરડા પાદરડી રોડ, જાંબુ પાદરડી રોડ, ગોસા-મોકર-બાપોદર- કંડોરણા રોડ, કોયાણા -જાંબુ- કેરાળા-બપોદર રોડ, સેગરસ છત્રાવા રોડ, જમરા છત્રાવા રોડ, છત્રાવા મહિયારી રોડ, મહિયારી ધરસણ, મહિયારી બળેજ રોડ, ધરસણ રેવદ્ર કદેગી રોડ, ઘરસણ ગઢવાણા સમેગા રોડ, દેસિગા મોડદર રોડ, કંટ્રોલ એપ્રોચ રોડ હાલ વધુ વરસાદના કારણે બંધ કરાયા છે. જે ઉપરવાસમાંથી પાણીની આવક બંધ થયા બાદ સંભવીત તા. 18ના રોજ રસ્તો ખોલવામાં આવશે.

જિલ્લામાં તથા ઉપરવાસમાં પડેલા વરસાદનાં કારણે નિચાણવાળા તથા અસરગ્રસ્ત લોકોને જિલ્લા વહિવટી તંત્ર દ્વારા સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવી રહ્યા છે. જે અંતર્ગત કુતિયાણા તાલુકામાંથી 306, પોરબંદર તાલુકામાંથી 617 તથા રાણાવાવ તાલુકામાંથી 362 લોકો એમ સમગ્ર જિલ્લામાંથી 1285 લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે. જિલ્લામાં ગઈકાલ રાતથી વરસાદ વરસ્યો હતો જેમા પોરબંદરમાં 4 ઇંચ, રાણાવાવમા 5 ઇંચ અને કુતિયાણામા 5 ઇંચ વરસાદ નોંધાયો છે.

NDRF ની ટીમ દ્વારા રેસ્ક્યુ કરી 14ને બચાવ્યા
NDRF ની ટીમ દ્વારા રેસ્ક્યુ કરી 14ને બચાવ્યા

નેરાણા ગામના આધેડ બાવળની ડાળી પકડી મોત સામે 24 કલાક ઝઝૂમ્યા, હેલિકોપ્ટરની મદદ લેવાઈ
​​​​​​​નેરાણા ગામના ધીરુભાઈ કાનાભાઈ ઓડેદરા નામના આધેડ પાણીની આવક થતા તણાયા હતા અને બાવળની ડાળી પકડી મોત સામે 24 કલાક ઝઝૂમ્યા હતા. ફાયર બ્રિગેડની ટીમ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું અને હેલિકોપ્ટરની મદદ લેવાઈ હતી પરંતુ રાત્રીનો સમય હોવાથી આધેડ મળી આવ્યા ન હતા. સવારે પણ રેસ્ક્યુ કરાયું હતું.

આખરે ગોસાબારા ના માછીમારો આવી પહોંચ્યા હતા અને રેસ્ક્યુ કરી આધેડનો જીવ બચાવ્યો હતો અને દેરોદર ખાતે સારવાર માટે ખસેડયા હતા. આ આધેડ 24 કલાક બાવળની ડાળી પકડી મોત સામે ઝઝુમી મોતને મ્હાત આપી આબાદ બચ્યા છે.

બરડા પંથકમાં 3 થી 5 ઇંચ વરસાદ
બરડા પંથકમાં ગઇકાલે રાત્રીના 10:30 કલાકે મેઘરાજાએ ફરીથી હેત વરસાવતા સવાર સુધીમાં 3 થી 5 ઇંચ વરસાદ વરસેલ છે. જેથી નદી-નાળા, વોકળામાં નવા નીરની આવક શરૂ થઇ છે. જ્યારે ચેકડેમો પણ છલકાતા જોવા મળે છે. આથી જળ સ્ત્રોતમાં પાણીની આવક થવાથી ખેડૂતોના કુવા, બોર વિગેરેમાં નવા નીરની આવક શરૂ થઇ છે. બખરલા રોડ ઉપર બિલડી સીમ શાળા પાસે આજુબાજુના ખેતરો પાણીથી ભરાઇ ગયેલ છે. આ પાણી રોડ ઉપર ફરી વળતા સવારના એક કલાક રસ્તો બંધ થઇ ગયો હતો.

ઉપરવાસમાંથી પાણીની આવક વધતા સારણ ડેમમાંથી પાણી છોડવામાં આવતા ટેરી ગામમાં આવેલ ખોડિયાર માતાજીનું મંદિર પાણીમાં ગરકાવ થયું છે. ચોતરફ પાણી નજરે ચડે છે.
ઉપરવાસમાંથી પાણીની આવક વધતા સારણ ડેમમાંથી પાણી છોડવામાં આવતા ટેરી ગામમાં આવેલ ખોડિયાર માતાજીનું મંદિર પાણીમાં ગરકાવ થયું છે. ચોતરફ પાણી નજરે ચડે છે.

ભાણવડમાં આવેલ વર્તુ-2 ડેમ જે બરડા પંથકમાં તેમના પાણી વર્તુ નદીમાં આવે છે તે ડેમ ભરાઈ જવાની તૈયારીમાં છે. ટૂંક સમયમાં વર્તુ-2 ડેમ ઓવરફ્લો થવાની તૈયારી છે. મજીવાણા સોઢાણા વચ્ચે આવેલ ડાયવર્ઝન પુલ ઉપર પાણી વહી રહ્યું છે. જો વર્તુ-૨ ડેમ ઓવરફ્લો થશે ત્યારે પોરબંદર જામનગર રોડ વાહન વ્યવહાર માટે બંધ થઇ થશે.

2 ખલાસીને સામાન્ય ઈજા પહોંચી
2 ખલાસીને સામાન્ય ઈજા પહોંચી

જુના બંદર વિસ્તારમાં બોટ પાર્કિંગના કિનારા વાળો ભાગ ધરાશાયી
​​​​​​​પોરબંદરના જુના બંદર વિસ્તારમાં બોટ પાર્કિંગના કિનારા વાડો ભાગ તૂટી પડ્યો હતો. સદનસીબે જાનહાની કે માલહાની ટળી હતી. 2 ખલાસીને સામાન્ય ઈંજા પહોંચી છે. પોરબંદરના જુના બંદર વિસ્તારમાં બોટો પાર્કિંગ કરવામાં આવે છે. હાલ માછીમારીની નવી સિઝન શરૂ થઈ છે. જૂનું બંદરમાં કેટલોક ભાગ જર્જરિત છે. ગઈકાલે વરસાદમાં જુના બંદરનો એક જર્જરિત કિનારાના ભાગનું ધોવાણ થયું હતું.

અન્ય સમાચારો પણ છે...