ચૂંટણી:કુતિયાણા બેઠક ભાજપનું નરોવા , કુંજરોવા

પોરબંદર21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પોરબંદરમાં ભાજપના ઉમેદવાર યાદી જાહેર કરાઈ, કુતિયાણામાં ચોપાંખીયો અને પોરબંદરમાં ત્રીપાંખીયો ચૂંટણી જંગ ખેલાશે

કુતિયાણામાં કોંગ્રેસના ઉમેદવારે ફોર્મ ભર્યું છે. ભાજપ દ્વારા ઉમેદવારોની યાદી જાહેર થતા પોરબંદરમાં ભાજપના ઉમેદવાર જાહેર થયા છે. કુતિયાણામાં આ વખતે ચોપાંખીયો અને પોરબંદરમાં ત્રીપાંખીયો ચૂંટણી જંગ ખેલાશે. 84 વિધાનસભા કુતિયાણા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર નાથાભાઈ ભુરાભાઈ ઓડેદરાએ ફોર્મ ભર્યું છે.

નાથાભાઈ સવારે પોરબંદર ખાતે કીર્તિમંદિર પહોંચ્યા હતા અને ગાંધીજીની પ્રતિમા સમક્ષ શીશ નમાવી આશીર્વાદ લીધા હતા. બાદ નાથાભાઈએ કુતિયાણા ખાતે કોંગ્રેસ માંથી ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. ઉલ્લેખનીય છેકે, નાથાભાઈ પ્રથમ વખત ચૂંટણી લડી રહ્યા છે અને કુતિયાણા ખાતે સૌપ્રથમ ફોર્મ ભર્યું છે.

આ તકે બહોળી સંખ્યામાં તેમના સમર્થકો ઉપસ્થિત રહ્યા હતા. ભાજપ દ્વારા ઉમેદવારોની યાદી બહાર પાડવામાં આવી છે જેમાં 83 વિધાનસભા પોરબંદરમાં બાબુભાઈ બોખીરીયાને રિપિટ કર્યા છે. જ્યારે કુતિયાણામાં ભાજપના ઉમેદવાર તરીકે રમેશભાઈ ભનુભાઈ ઓડેદરા ઉર્ફે રમેશભાઈ પટેલની પસંદગી કરવામાં આવી છે તેવું રમેશભાઈ ઓડેદરાએ જાહેર કર્યું છે, જોકે ભાજપ દ્વારા સતાવાર કુતિયાણાની બેઠક પર ઉમેદવારનું નામ જાહેર કરાયું નથી.

જ્યારે આમ આદમી પાર્ટીએ ભીમાભાઇ દાનાભાઈ મકવાણાને ઉમેદવાર જાહેર કર્યા છે. જ્યારે કાંધલભાઈ જાડેજા કુતિયાણામાં ચૂંટણી લડશે. આમ કુતિયાણામાં ચોપાંખીયો ચૂંટણી જંગ ખેલાશે. જ્યારે પોરબંદરમાં કોંગ્રેસના ઉમેદવાર અર્જુનભાઇ મોઢવાડીયા, ભાજપના ઉમેદવાર બાબુભાઈ બોખીરીયા અને આપ ના ઉમેદવાર જીવનભાઈ જુંગી વચ્ચે ત્રીપાંખીયો ચૂંટણી જંગ ખેલાશે.

પોરબંદરમાં બાબુભાઈ બોખીરીયાને છઠ્ઠી તક

83 વિધાનસભા પોરબંદરમાં બાબુભાઈ બોખીરીયાએ ભાજપ દ્વારા 1995માં ઉમેદવાર તરીકે પસંદ કર્યા હતા. બાદ 1998, 2002, 2012, 2017 અને 2022 માં આમ છઠ્ઠી વખત ભાજપ દ્વારા બાબુભાઈને તક આપવામાં આવી છે.
આપ ના ઉમેદવાર આજે ફોર્મ ભરશે
83 પોરબંદર વિધાનસભાના આપ ના ઉમેદવાર જીવનભાઈ જુંગી આજે તા. 11 ના સવારે 11 કલાકે કાર્યકરો, સમર્થકોની ઉપસ્થિતિમાં પોરબંદર ફોર્મ ભરશે જ્યારે કુતિયાણામાં આપ ના ઉમેદવાર ભીમાભાઇ દાનાભાઇ મકવાણા આજે પોતાના સમર્થકોની ઉપસ્થિતિમાં ફોર્મ ભરશે તેવું જણાવ્યું છે.

કુતિયાણામાં ગત વખતે એનસીપીના ઉમેદવાર કાંધલ જાડેજા 23709 મતથી જીત્યા હતા
2017માં કુતિયાણામાં એનસીપીના ઉમેદવાર કાંધલ જાડેજાને 59406 મત મળ્યા હતા જ્યારે ભાજપના ઉમેદવાર લખમણભાઈ ભીમાભાઇ ઓડેદરાને 35697 મત મળ્યા હતા. કાંધલ જાડેજા 23709 મતે જીત્યા હતા.
કાંધલ જાડેજા કુતિયાણા બેઠક પર ફોર્મ ભરશે
આજે તા. 11 ના રોજ સવારે 11 કલાકે કુતિયાણા મહેર સમાજ ખાતેથી કાંધલભાઈ જાડેજા પોતાના સમર્થકોની ઉપસ્થિતિમાં ફોર્મ ભરવા જશે તેવું જાહેર કર્યું છે.

અન્ય સમાચારો પણ છે...