પતંગ બજારમાં તેજી:ઓણસાલ પતંગ મોંઘી ,30 થી 35 ટકાનો ભાવ વધારો

પોરબંદર17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પતંગના દોરમાં પણ 30 ટકા ભાવ વધારો નોંધાયો, મકરસંક્રાંતિ ઉજવવા પતંગ રસિયાઓમાં ઉત્સાહ

પતંગમા ગત વર્ષ કરતા ઓણસાલ 30 થી 35 ટકાનો ભાવ વધારો તેમજ પતંગના દોરમાં પણ 30 ટકા ભાવ વધારો નોંધાયો છે પોરબંદરમાં મકરસંક્રાંતિ ઉજવવા પતંગ રસિયાઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે ત્યારે પતંગ બજારમાં તેજી હોવાનું વેપારીઓ જણાવી રહ્યા છે.

ઉત્તરાયણને હવે ગણતરીના દિવસો બાકી છે. પોરબંદર શહેરમાં પતંગ બજારમાં અવનવી વેરાયટીની પતંગો તેમજ દોરની દુકાને લોકો ખરીદી કરવા નિકડયા છે. વિવિધ પતંગો અને માંજાઓ લોકોનું આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. પોરબંદર શહેરમાં પતંગના હોલસેલર વેપારીએ જણાવ્યું હતું કે આ વખતે 30 થી 35 ટકાનો પતંગ અને દોરમા ભાવ વધારો નોંધાયો છે. કમલ કોટેચા નામના વેપારીએ જણાવ્યું હતું કે, ગતવર્ષે 100 નંગ પતંગના રૂ. 350 હતા જેના આ વખતે રૂ. 450 થયા છે. રો મટિરિયલમાં ભાવ વધ્યા છે.

પતંગ બનાવવાની સડી માં પણ ભાવ વધ્યા છે. પસ્તીના ભાવ વધ્યા છે જેથી પતંગમાં 30 થી 35 ટકાનો ભાવ વધ્યો છે. કાચા દોરના રીલમાં પણ કપાસની ગાંસડીના ભાવ વધ્યા હોવાથી ગત વર્ષની સરખામણીએ આ વખતે 30 ટકાનો ભાવ વધારો જોવા મળ્યો છે. ફિરકીમાં પણ પેકિંગ રો મટિરિયલ્સમાં ભાવ વધ્યા છે. જોકે આ ભાવ વધારો પતંગ રસિયાઓનો ઉત્સાહ ઘટાડશે નહિ તેવું પણ વેપારીએ જણાવ્યું હતું.

મકરસંક્રાંતિના દિવસે બાળકોથી માંડીને વૃદ્ધો સુધીના લોકો અગાસી પર પતંગ ચગાવવાની મોજ માણશે. ગણતરીના દિવસો બાકી છે ત્યારે લોકો માંઝો એટલેકે મજબૂત દોર બનાવવા માટેનો ઓર્ડર આપી રહ્યા છે અને સાથોસાથ પતંગની ખરીદી ઉપરાંત નાનામોટા બ્યુગલ, ટોપી, ચશ્માની ખરીદી પણ કરે છે જેથી પતંગ બજારમાં પતંગ રસિયાઓનો ઉત્સાહ હોવાથી બજારમાં તેજીનો માહોલ જોવા મળે છે.

પતંગમાં નવું શું આવ્યું?
પોરબંદરની બજારમાં ટીવી સિરિયલની એક્ટ્રેસ અનુપમાંના ચિત્ર વાળી પતંગનું વધુ વેચાણ છે. આ ઉપરાંત ફિલ્મ કલાકારોના ચિત્રો વાળી, 100 ટકા ટીકાકરણ અભિયાન, કાર્ટૂન, ગેઇમ્સ વાળી પતંગો તેમજ કાપડની પતંગ પણ આવી છે અને ભગવાનને ધરવા માટે નાની પતંગ અને ફીરકી આવી છે.

પતંગનો ભાવ શું છે?
પ્લાસ્ટિકની પતંગ રૂ. 1 થી 6 સુધી, કાગળની પતંગ રૂ. 3 થી રૂ. 300 સુધીની તેમજ કાપડની પતંગ રૂ. 50 થી રૂ. 120 સુધીનો ભાવ છે.

દોરનો શું ભાવ છે?
કાચા રીલના રૂ. 20 થી રૂ. 700 સુધીના ભાવ છે. જ્યારે ફીરકી રૂ. 5 થી લઈને રૂ. 850 સુધીના ભાવની મળે છે.

અન્ય સમાચારો પણ છે...