વિનામૂલ્યે સુવિધા:ત્રણ ગામોની કસ્તુરબા ગાંધી બાલીકા વિદ્યાલયમાં સીંગલ પેરેન્ટસની દિકરીઓને અગ્રતા અપાય છે

પોરબંદરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જરૂરીયાતમંદ પરિવારની દિકરીઓને ઉત્તમ શિક્ષણ અને રહેવા-જમવાની સુવિધા વિનામૂલ્યે અપાય છે

પોરબંદર જિલ્લાના ત્રણ ગામોમાં આવેલા કસ્તુરબા ગાંધી બાલીકા વિદ્યાલયમાં જે વિદ્યાર્થીની સીંગલ પેરેન્ટસ એટલે કે ખાલી માતા કે ખાલી પિતા જ ધરાવે છે તેવી દિકરીઓને પ્રવેશ મેળવવામાં અગ્રતા આપવામાં આવે છે. આ વિદ્યાલયોમાં જરૂરીયાતમંદ પરિવારની દિકરીઓને ઉત્તર શિક્ષણની સાથે સાથે રહેવા તથા જમવાની સુવિધા પણ વિનામૂલ્યે ઉચ્ચ ગુણવત્તાસભર આપવામાં આવે છે.

સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત ધોરણ 6 થી 10 ની વિદ્યાર્થીનીને પ્રવેશ મેળવવાની ઉજળી તક છે. પોરબંદર જિલ્લાની કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયમાં ઉત્તમ પ્રકારનું શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. જીલ્લાભરમાં ખંભાળા, મહિયારી અને ખાપટ ખાતે કાર્યરત કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયમાં વિદ્યાર્થીની બહેનો માટે ઉત્તમ પ્રકારની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવે છે.

આ વિદ્યાલયમાં એસ.ટી, એસ.સી, બીપીએલ કાર્ડ ધરાવતા હોય અને વ્યવસાય અર્થે સ્થળાંતર થયેલ હોય તેમજ 25 ટકા બીપીએલ અને 75 ટકા પછાત વર્ગો, અનુસૂચિત જાતિની કન્યાઓ અને અનુસુચિત જન જાતિની કન્યાઓ તથા લઘુમતી સમુદાયની કન્યાઓ ઉપરાંત અંતરિયાળ વિસ્તારમાં હોય તેવા પરિવારની કન્યાઓ માટે શિક્ષણની સાથોસાથ તમામ પ્રકારની સુવિધાઓ ઉભી કરવામાં આવી રહી છે. જેમકે વિદ્યાર્થીની બહેનોને સ્વરક્ષણ તાલીમ, નિયમિત આરોગ્યની તપાસ, વ્યવસાયલક્ષી અને જીવન કૌશલ્ય તાલીમ, સ્માર્ટ ક્લાસ રૂમ, શૈક્ષણિક અભ્યાસની સાથો સાથ કોમ્પ્યુટર શિક્ષણ સહિતની વિનામૂલ્યે રહેવા અને જમવાની વ્યવસ્થા પૂરી પાડવામાં આવી રહી છે.

ઉપરાંત રોજગારી માટે જે માતા-પિતા વારંવાર સ્થળાંતર કરતા હોય તે ઉપરાંત સિંગલ પેરેન્સ હોય તેવા માતા-પિતાની પુત્રી અને અત્યંત જરૂરિયાત મંદ પરિવારની દીકરીઓને કસ્તુરબા બાલિકા વિદ્યાલયમાં પ્રવેશ આપવા માટે પ્રથમ પ્રાયોરિટી આપવામાં આવી રહી છે.

વિદ્યાલયની વિશેષતાઓ
સરકાર દ્વારા કાર્યરત સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત કસ્તુરબા બાલિકા વિદ્યાલયમા વિદ્યાર્થીની બહેનો માટે વિશેષ સગવડ ઉપલબ્ધ કરવામાં આવી રહી છે. જ્ઞાન કુંજ પ્રોજેક્ટ દ્વારા સંપૂર્ણ શિક્ષણ પદ્ધતિ, કન્યા શાળાના સમય ઉપરાંત એક્સ્ટ્રા કોચિંગ ક્લાસ, કન્યાઓની સંપૂર્ણ સલામતી સાથે રહેવા અને ગુણવત્તાયુક્ત જમવાની ઉત્તમ સુવિધા પૂરી પાડવામાં આવી રહી છે.

આધુનિક શિક્ષણની સાથે વિદ્યાર્થીઓના વ્યક્તિત્વ વિકાસની પણ તાલીમ અપાય છે
કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયમાં શિક્ષણની સાથોસાથ વિદ્યાર્થીની બહેનોને સર્વાંગી વિકાસ માટેની અનેકવિધ પ્રવૃત્તિઓ કરાવવામાં આવી રહી છે. ઉપરાંત અહીં કોમ્પ્યુટર, પીટી, ડ્રોઈંગ, સ્વરક્ષણ અને સંગીત સહિતની તાલીમ પૂરી પાડવામાં આવી રહી છે. વ્યક્તિત્વ વિકાસ અને સામાજિક વિકાસની પ્રવૃત્તિઓ કરાવાય છે. સતત નિરીક્ષણ, મૂલ્યાંકન, માર્ગદર્શનની સાથોસાથ ગ્રીન એન્ડ સસ્ટેનેબલ પ્રોજેક્ટ અંતર્ગત નયન રમ્ય આલ્હાદક પરિસર અને ઇન્ડોર આઉટ ડોર ગેમ્સ સહિતની વ્યવસ્થા બહેનો માટે કરાય છે.

અન્ય સમાચારો પણ છે...